Covid-19/ કોરોનાનાં દૈનિક કેસ 209 દિવસ બાદ સૌથી ઓછા નોંધાયા, Active કેસ ઘટ્યા

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં માત્ર 18 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે.

Top Stories India
કોરોનાની ત્રીજી લહેર

વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ વધીને 23.53 કરોડ થયા છે. આ મહામારીનાં કારણે કુલ 48.0 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 6.31 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. મંગળવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો છે કે, વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુ અને કુલ રસીકરણની સંખ્યા અનુક્રમે 235,382,458, 4,808,399 અને 6,316,827,977 છે. વળી ભારતની વાત કરીએ તો અહી પણ કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે.

આ પણ વાંચો – ભાવ વધારો / સામાન્ય નાગરિક પર પડી રહી છે મોંઘવારીની માર, આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

કોરોનાનાં કિસ્સામાં, ભારતની સ્થિતિ સતત સુધરી રહી છે. એક તરફ, દરરોજ નવા કેસ બહાર આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ લોકોને રસીનાં ડોઝ પણ મોટા પાયે આપવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં માત્ર 18 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે. વળી, અત્યાર સુધીમાં દેશનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીનાં 91.54 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જો આપણે આંકડાઓ જોઈએ તો છેલ્લા 24 કલાકમાં 18,364 નવા કેસોની પુષ્ટિ થઈ છે, જે છેલ્લા 209 દિવસોમાં સૌથી ઓછી છે. આ ઉપરાંત, એક્ટિવ કેસોમાં પણ ઘટાડો થયો છે. હાલમાં, દેશમાં માત્ર 0.75 ટકા એક્ટિવ કેસ છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછો છે. આપને જણાવી દઈએ કે, આજે દેશમાં 2,52,902 એક્ટિવ કેસ છે.

આ પણ વાંચો –ગુજરાત / નવરાત્રિની શરૂઆત પહેલા જ ચોમાસાની થઇ વિદાય, ખેલૈયાઓ થયા ખુશ

રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. દેશમાં 97.93 એટલે કે લગભગ 98 ટકાનાં દરે દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 29,639 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ આંકડો માર્ચ 2020 પછી સૌથી વધુ છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સાપ્તાહિક સંખ્યામાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 102 દિવસમાં, તે સતત ત્રણ ટકાથી ઓછો છે. આ અઠવાડિયે લોકો માત્ર 1.66 ટકાનાં દરે કોરોના પોઝિટિવ બન્યા છે. ગઈકાલે દૈનિક દર 1.61 ટકા રહ્યો હતો. તમને એ પણ જણાવી દઈએ કે દેશમાં અત્યાર સુધીમાં 57.53 કરોડ સેમ્પોલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.