Kheda/ માતર પંથકમાં માવઠાથી ખરીફ ડાંગર પાકને વ્યાપક નુકસાન

હેમંત દેસાઈ – પ્રતિનિધિ, માતર

Gujarat Others
ખેડા માતર માવઠું

માતર પંથકમાં તાજેતરમાં થયેલ માવઠાથી ખરીફ એવા ડાંગરના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો પાયમાલ બન્યા હોવાનું જાણવા મળેલ છે. તંત્ર દ્વારા હાલમાં સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

માતર તાલુકાના માતર, લીંબાસી, પરીએજ, સીંજીવાડા, અસામલી, વસ્તાણાસહિત અનેક ગામડાઓની સીમમાં આવેલા ખેતરોમાં ઉભો અને તૈયાર થઈ ગયેલા ચોમાસુ ડાંગરના પાક પર વરસાદ પડતાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. આ ઉપરાંત જે વિસ્તારમાં ડાંગરના પાકની લણની કરવામાં આવી છે તે ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ખેડૂતોના મોંઢા સુધી આવેલ કોળિયો ઝુટવાઈ જતા ખેડૂતોમાં નિરાશાઓ વ્યાપી ગઈ છે.

આ વિસ્તારના કેટલાક ખેડૂતોના કહેવા મુજબ ખેડૂતોએ બેંકો, સહકારી મંડળીઓ, શરાફો પાસેથી વ્યાજે નાણાં લઈ ચોમાસુ ખેતી કરવામાં આવી હતી. આ ઉપરાંત મોંઘું બિયારણ,ખેડ-ખાતર,પાણી, રાસાયણિક ખાતરો સહિત ધરું રોપવા, ડાંગર રોપવા, નિંદામણ, તેમજ મજૂરીના નાણાં ચુકવવામાં આવ્યા હતા. પોતાના ખેતરોમાં તૈયાર થયેલ ડાંગરનો મહામુલો પાક વરસાદમાં પલળી જતા લાખોનું નુકસાન થવા પામ્યું છે.

આ અંગે માતર વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે માતર તાલુકામાં 25,000 હેકટરમાં ચોમાસુ ડાંગર થઈ હતી. હાલમાં માવઠાથી ડાંગરના પાકને કેટલું નુકસાન થયું છે? તે કહેવું હાલ શક્ય નથી. આજથી માતર તાલુકાના ગામડાઓમાં 20 જેટલા ગ્રામસેવકો સર્વેની કામગીરી સંભાળી રહ્યા છે. મોટા ભાગના વિસ્તારમાં ડાંગરનો પાક હતો અને હાલ છેલ્લા તબક્કામાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં ડાંગરની કાપણી કરી ખેતરમાં પાક મૂકી રાખવામાં આવ્યો હતો.

ડાંગરના પાકમાં નુકસાન ખૂબ જ થયેલ છે. પણ સર્વેની કામગીરી પુરી થયા બાદ જ ચોક્કસ નુકસાન કેટલું થયું છે ? તે જાણી શકાશે. બેથી ત્રણ દિવસમાં સર્વેની કામગીરી પુર્ણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે માતર તાલુકામાં 1500 હેકટરમાં ઘઉં, રાયડો, તમાકુ શાકભાજી સહિત અન્ય પાકો રવિ મોસમ માટે કરવામાં આવ્યા છે.


આ પણ વાંચોઃ કોર્ટની કાર્યવાહીમાં વધારાની ભાષા તરીકે ગુજરાતીનો ઉપયોગ નહીઃ સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચોઃ  ઉત્સવમાં વાહનોનું વિક્રમજનક વેચાણ, 42 દિવસમાં 37,93,584 વાહનોનું વેચાણ

આ પણ વાંચોઃ સુરંગમાં 41 મજૂરો કેવી રીતે ફસાયા? 17 દિવસ પહેલા શું થયું હતું?


ખેડા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

ખેડા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો