ગુજરાત/ જસદણ-વીંછીયામાં પંથકમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા

મુખ્યમંત્રીએ જળ સંગ્રહ ક્ષેત્રે વીંછીયાના સોમપીપળીયા(ગોડલાધાર) ખાતે રૂ. ૪ કરોડ ૩૯ લાખના ખર્ચે તૈયાર થનાર નાની સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું

Top Stories Gujarat Rajkot
રાજકોટ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  “વંદે ગુજરાત વિકાસ યાત્રા” એ વિકાસના ૨૦ વર્ષનો આયનો છે, જે આપણે પાછળ ફરીને જોઈએ ત્યારે થયેલા વિકાસની પ્રતીતિનો અહેસાસ દરેક ગુજરાતીઓને થઈ રહ્યો હોવાનું ગૌરવ સાથે જણાવ્યું હતું. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સોમપીપળીયા ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ભુમીપુજન સાથે તેઓએ ગુજરાતની વિકાસ યાત્રાના મૂળમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસના પાયામાં જરૂરી શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા મુખ્ય પાયાને મજબૂત બનાવવાનું કામ કર્યું હતું જેના પર ગુજરાતની વિકાસ યાત્રા છેવાડાના માનવી સુધી પહોંચાડવા સંભવ બની હોવાનું  ભુપેન્દ્રએ જણાવ્યું હતું છે. આ તકે મુખ્યમંત્રીએ વંદે ગુજરાત વિકાસ યાત્રામાં રાજ્યમાં વિવિધ ક્ષેત્રે થયેલા વિકાસ કામોની ફલશ્રુતિરૂપે થયેલાં સર્વાંગી વિકાસની સાક્ષી જનતા બની હોવાનો ઉલ્લેખ કરી છેલ્લા ૨૦ વર્ષમાં થયેલા વિકાસ કામોની આંકડાકીય માહિતી આપી હતી. વર્ષ ૨૦૦૨માં ધાન્ય પાકોનું ઉત્પાદન ૨૩ લાખ મેટ્રિક ટન હતું જે ૨૦૨૨માં ૮૩ લાખ મેટ્રિક ટન જેટલું થયું છે. પહેલાં શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ૩૭ ટકા જેટલો હતો જે આજે ઘટીને ૩ ટકા જેટલો રહ્યો છે. રાજ્યમાં વર્ષ ૨૦૦૨માં પોલીટેક્નિક કોલેજોની સંખ્યા માત્ર ૩૧ હતી જે વધીને આજે ૧૪૪ જેટલી થઈ છે તેમ મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું. આ ઉપરાંત તેમણે સ્ટેજ પરથી આ પંથકમાં જરૂરી વિકાસ કામોમાં ઘેલા સોમનાથ તીર્થધામના વિકાસને વેગ આપવા રૂ.૧૦ કરોડના થયેલ આયોજનનું અનુમોદન કર્યું હતું.

વીંછીયા તાલુકાની વિકાસની ગતિને વેગ આપતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અંદાજીત રૂ.૧૯ કરોડના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જળ સંગ્રહ ક્ષેત્રે વીંછીયાના સોમપીપળીયા(ગોડલાધાર) ખાતે રૂ. ૪ કરોડ ૩૯ લાખના ખર્ચે તૈયાર થનાર નાની સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત, જસદણ-ભડલી-ગઢડા મુખ્ય માર્ગ પર, ભડલી ગામ પાસે અંદાજે રૂ. ૫ કરોડ ૩૯ લાખના ખર્ચે મેજર બ્રિજ, ગોડલાધારમાં અંદાજે રૂ. ૩૧૪.૦૩ લાખના ખર્ચે નવી બે માળની આધુનિક માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત અને આટકોટમાં અંદાજે રૂ. ૨૧૧ લાખના ખર્ચે અદ્યતન બસ સ્ટેશનનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે વીરપુરમાં રૂ. ૨૯૬.૩૧ લાખના ખર્ચે અને કોટડા સાંગણીમાં રૂ.૧૦૨.૧૧ લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જસદણ-વીંછીયા-વીરપુર અને કોટડામાં એસ.ટી.બસની સુવિધા સુદ્રઢ બને તે માટે આજે બે બસ સ્ટેશનોનું લોકાર્પણ અને એક બસ સ્ટેશનના ખાતમૂહુર્ત સાથે વિકાસની પરિભાષા જણાવતા મંત્રી અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, આ સરકારના અથાગ પ્રયત્નોથી ગામડાઓમાં સુવિધાનો વધારો થયો છે, જેને પરિણામે શહેરીકરણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગામડાઓને સમૃદ્ધ બનાવવા “નલ સે જલ” પીવાના પાણીની યોજના, આરોગ્ય, પરિવહન, શિક્ષણ સુધારા અર્થે  નાણાકીય જોગવાઈઓમાં પણ સતત વધારો કરવામાં આવ્યો છે..

વિંછીયા પંથકના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય  કુંવરજી બાળવિયાએ પ્રાસંગિક પ્રવચન આપતા  જણાવ્યું  હતું કે, ડબલ એન્જીનની સરકારે ગુજરાતના વિકાસમાં  હરણફાળ ભરી છે, જેમાં જસદણ – વિંછીયા પંથકમાં સર્વાંગી વિકાસ થવા પામ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસના કામોની છણાવટ કરતાં  બાવળિયાએ ઉમેર્યું હતું કે, આ પંથકમાં પીવાના પાણી માટે જરૂરી અનેક સિંચાઈ યોજનાઓ, શિક્ષણનો વ્યાપ વધારતી માધ્યમિક શાળાઓ અને કોલેજો, આરોગ્ય માટે હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, રોડ અને રસ્તાઓ રાજ્ય સરકારના સહયોગથી નિર્માણ પામ્યા છે. આ અવસરે કાર્યક્રમને દીપ પ્રાગટય દ્વારા વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેમજ અંતઃકરણથી મુખ્યમંત્રીને સ્મૃતિ ચિહ્નન અર્પણ કરીને મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને પંથકમાં થયેલાં વિકાસની વાતોને વણી હતી. જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા સ્વાગત પ્રવચન અને આભાર વિધિ ચીફ એન્જીનિયર એલ.જી. કલ્યાણી દ્વારા કરવામાં આવી હતી. ઘેલા સોમનાથ હેલિપેડ પર મુખ્યમંત્રીના આગમન વખતે મોટી સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરવા ઉપસ્થિત હોય, ત્યારે મુખ્યમંત્રીએ સર્વેનું ‘રામ રામ ‘ કહી અભિવાદન કર્યું હતું. કાર્યક્રમ બાદ મુખ્યંમંત્રી ભુપેન્દ્ર પટેલે ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક શીશ નમાવી પૂજા અર્ચન કરી જન સુખાકારી માટે પ્રાર્થના  કરી હતી.

આ કાર્યક્રમમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી વિનોદ મોરડીયા, સાંસદ  મોહન કુંડારીયા, રામ મોકરિયા, ધારાસભ્ય  ગોવિંદ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, જિલ્લા ભાજપ પ્રમુખ  મનસુખભાઇ ખાચરીયા,  રાજકોટ ડેરીના ચેરમેન  ગોવિંદ ધામેલીયા, મનસુખભાઇ રામાણી, પૂર્વ ધારાસભ્ય  ભાનુબેન બાબરીયા, રક્ષાબેન બોળીયા, જળસંપત્તિ સચિવ કે.એ.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી  દેવ ચૌધરી, રેન્જ આઈ.જી.  સંદીપકુમાર, એસ.પી. જયપાલસિહ રાઠોર, જિલ્લા નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારી કે. વી. બાટી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.આર. ધાધલ, સોમપીપળીયા અને ગોડલાધારના સરપંચઓ, સિંચાઈ, એસ.ટી.વિભાગ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

આ પણ વાંચો: ભ્રષ્ટાચાર : કાંકરિયામાં તુટી પડેલી રાઈડનો કોન્ટ્રકટ એ જ કંપનીને પધારાવાયો