Dehgam Nagarpalika Bharat Rabari Resignation: ગાંધીનગર જિલ્લાના દહેગામના રાજકારણમાં આજે મોટો ગરમાવો જોવા મળ્યો છે. દહેગામ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 ના પરિણામોમાં કોંગ્રેસના નબળા પ્રદર્શન બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત રબારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પક્ષને બહુમતી ન અપાવી શકવા બદલ તેમણે નૈતિકતાના ધોરણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.
28 માંથી માત્ર 11 બેઠકો મળતા લીધો નિર્ણય
દહેગામ નગરપાલિકાની કુલ 28 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સત્તા મેળવવા માટે કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જોકે, પરિણામો જાહેર થતા કોંગ્રેસ માત્ર 11 બેઠકો પર જ સમેટાઈ ગઈ હતી. સ્પષ્ટ બહુમતી ન મળતા અને ભાજપ સામે પરાજય થતા સંગઠનમાં સોપો પડી ગયો હતો.
Dehgam : જિલ્લા પ્રમુખને પત્ર લખી વ્યક્ત કર્યો ખેદ
ભરત રબારીએ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકીને પત્ર લખીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે, “અમે સત્તા મેળવવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા, તેમ છતાં પરિણામ અપેક્ષા મુજબ આવ્યું નથી. હારની નૈતિક જવાબદારી સ્વીકારીને હું મારા પદ પરથી મુક્ત થવા માંગુ છું.”
હવે કોણ સંભાળશે દહેગામનું સુકાન?
લાંબા સમયથી સંગઠન સાથે જોડાયેલા અને મજબૂત પકડ ધરાવતા ભરત રબારીના રાજીનામાથી દહેગામ કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. એક તરફ રાજકીય વિશ્લેષકો તેમના ‘નૈતિકતા’ ના નિર્ણયને બિરદાવી રહ્યા છે, તો બીજી તરફ હવે દહેગામમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે કયા નવા ચહેરાને સુકાન સોંપવામાં આવશે, તેના પર સૌની નજર ટકેલી છે.
