Delhi BRICS Summit Security Plan: દિલ્હીમાં યોજાનારી BRICS સમિટને લઈને સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવવામાં આવી છે. વિદેશી મહેમાનો અને VVIPની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. સમિટ દરમિયાન એન્ટી-ડ્રોન સિસ્ટમ, એન્ટી-એરક્રાફ્ટ ગન, સ્નાઈપર અને એન્ટી-સેબોટાજ ટીમો તૈનાત રહેશે. નવી દિલ્હીના મહત્વના વિસ્તારોમાં મલ્ટી-લેયર સિક્યોરિટી ગ્રીડ પણ તૈયાર કરવામાં આવી છે.
35 રૂટ અને 11 હોટલ સુરક્ષા હેઠળ
11થી 13 ડિસેમ્બર દરમિયાન દિલ્હીના 35થી વધુ મહત્વના રૂટ અને 11 હોટલ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા રહેશે. BRICS સમિટનું મુખ્ય આયોજન ભારત મંડપમ ખાતે થવાનું હોવાથી આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે 30 જેટલા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સમિટ દરમિયાન 100થી વધુ NSG કમાન્ડો અને 1000થી વધુ દિલ્હી પોલીસ SWAT કમાન્ડોની તૈનાતી કરવામાં આવી છે. આ ઉપરાંત એન્ટી-ડ્રોન સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે અને શંકાસ્પદ હવાઈ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. ભારત મંડપમથી લઈને મહેમાનોના હોટલ સુધી સુરક્ષાનું મલ્ટી-લેયર કવર રહેશે.

એરપોર્ટથી હોટલ સુધી કડક દેખરેખ
વિદેશી પ્રતિનિધિઓ દિલ્હી એરપોર્ટ પર પહોંચે ત્યારથી તેમના હોટલ અને કાર્યક્રમ સ્થળ સુધી સુરક્ષા વ્યવસ્થા રહેશે. મહત્વના સ્થળોએ પ્રવેશ-બહારની તપાસ, CCTV સર્વેલન્સ અને વેરિફિકેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે. સુરક્ષાના કારણોસર નિર્ધારિત વિસ્તારોમાં ડ્રોન અથવા કોઈપણ પ્રકારની અનધિકૃત ઉડતી વસ્તુના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. પોલીસ દ્વારા હવાઈ ગતિવિધિઓ પર પણ સતત નજર રાખવામાં આવશે. VVIPની અવરજવર દરમિયાન કમાન્ડ અને કંટ્રોલ રૂમમાંથી સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું મોનિટરિંગ કરવામાં આવશે.
35થી વધુ રસ્તાઓ પર ટ્રાફિકની અસર
VVIP કાફલાની અવરજવરને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે 35થી વધુ મુખ્ય માર્ગો માટે ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. સરદાર પટેલ માર્ગ, ત્રણ મૂર્તિ માર્ગ, અકબર રોડ, મથુરા રોડ, જનપથ, બારાખંભા રોડ, ટોલ્સ્ટોય માર્ગ અને ભારત મંડપમ તરફ જતા અન્ય મહત્વના રસ્તાઓ પર જરૂરિયાત મુજબ ટ્રાફિક રોકવામાં અથવા ડાયવર્ટ કરવામાં આવી શકે છે. ટ્રાફિક વ્યવસ્થા માટે 22 મહત્વના ડાયવર્ઝન પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. પટેલ ચોક, ધૌલા કુઆં, મોતીબાગ ફ્લાયઓવર, ઓબેરોય ફ્લાયઓવર અને મંડી હાઉસ જેવા વિસ્તારોમાં વિશેષ વ્યવસ્થા રહેશે. VVIP મૂવમેન્ટ દરમિયાન સામાન્ય વાહનોને વૈકલ્પિક માર્ગો તરફ વાળવામાં આવશે.
મેટ્રો સેવા સામાન્ય રહેવાની શક્યતા
પોલીસના જણાવ્યા પ્રમાણે ટ્રાફિક નિયંત્રણનો અર્થ સમગ્ર દિલ્હીમાં અવરજવર બંધ કરવાનો નથી. VVIP કાફલા પસાર થાય તે દરમિયાન જ જરૂરી સ્થળોએ પ્રતિબંધ અથવા ડાયવર્ઝન લાગુ કરવામાં આવશે. મેટ્રો સેવા પણ સામાન્ય રીતે ચાલુ રહેશે, જોકે મુસાફરોને પોતાના રૂટ અને સ્ટેશન સંબંધિત તાજી માહિતી તપાસવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો:BRICSમાં ભારતની અધ્યક્ષતાના રશિયાએ કર્યા વખાણ, 90% લેવડદેવડ સ્થાનિક ચલણમાં
આ પણ વાંચો: ભારત-ઈરાન સંબંધો પર ઈરાનનું મોટું નિવેદન, ચાબહારથી BRICS સુધી સહયોગ વધારવાના સંકેત
આ પણ વાંચો:ગાંધીનગરમાં BRICS મીટિંગનો ભવ્ય કાર્યક્રમ
