Rajkot News : રાજકોટ ન્યારી ડેમ રોડ પર પરાગ નામના યુવકના અકસ્માતના કેસમાં પરાગ નામના યુવકનું લાંબી સારવાર બાદ મોત નીપજ્યું છે. બીજીતરફ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરંતુ પીડિત પરિવારે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. ગત તારીખ 21 માર્ચના રોજ રાજકોટ ન્યારી ડેમ રોડ પર એક પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે સામેથી આવતા એક્ટિવાચાલક યુવાનને અડફેટે લઈ તે અને એમાં બેસેલા અન્ય બે શખસ નાસી છૂટ્યા હતા, જોકે કાર પંક્ચર થતાં થોડે દૂર આગળ જઈ ઊભા રહ્યા હતા અને અન્ય ગાડી બોલાવી ત્યાંથી નાસી છૂટ્યા હતા.
અકસ્માત સમયના CCTV સામે આવતાં અકસ્માત સર્જનાર યુવક ડ્રાઇવિંગ સીટ પરથી ઊતરી બીજી બાજુ પાછળવાળી સીટ પર આવીને બેસતો અને અન્ય એક મોટી ઉંમરની વ્યક્તિ ડ્રાઇવિંગ કરતી હોવાનું બતાવી નબીરાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની લેખિત રજૂઆત ફરિયાદી દ્વારા ગૃહ રાજ્યમંત્રી સુધી કરવામાં આવી છે.ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકના ફોનમાં તેમના સંબંધીનો ફોન આવતાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા અકસ્માતની જાણ કરતાં તેઓ તરત આવી તેને હોસ્પિટલ લઇ ગયા હતા. અકસ્માત અંગે ફરિયાદમાં તાલુકા પોલીસ અકસ્માત સર્જનાર કારચાલકને બચાવી અન્ય ડ્રાઇવર દર્શાવી નબીરાને છાવરતા હોવાનો આક્ષેપ CCTVના પુરાવા સાથે કરી રહ્યા છે.
ન્યારી ડેમ રોડ પર અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવક પરાગ ગોહેલનું સારવાર દરમિયાન 29 માર્ચની સાંજે મોત નીપજ્યું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પરિવારે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. પરિવારજનોની માગ છે કે, કારમાં સવાર ત્રણેય વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તેમજ સરઘસ કાઢવામાં આવે સાથે તપાસમાં બેદરકારી દાખવનાર PSI ચૌહાણ તેમજ રાઇટર ચાવડા સામે પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવે. તાલુકા પોલીસે સગીર આરોપી અને પ્રવિણસિંહ જાડેજાને સકંજામાં લીધા છે.મૃતકનાં માસી પારૂલબેને જણાવ્યું હતું કે, ત્રણ વ્યક્તિઓ મારા ભાણેજને ફૂટબોલની જેમ ઉડાવી અકસ્માત સર્જ્યો અને ત્યાં તમાશો જોતા રહ્યા હતા.
મારો છોકરો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હોવા છતાં તેને સારવાર માટે ખસેડવાને બદલે ત્યાં ઉભા રહ્યા હતા. આ ત્રણેય માનવ છે જ નહીં માનવતા મરી પરવારી છે. ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જે કોઈ પોલીસ કર્મચારીઓ દ્વારા આ કેસમાં ચેડાં કરવામાં આવ્યા છે તે તમામને કડકમાં કડક સજા થાય તેવી મારી માગ છે. જ્યાં સુધી અમારી માગ નહીં સંતોષાય ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં. હર્ષ સંઘવી સાહેબ તમે ન્યાયનાં ગુરુ છો, ત્યારે આ મામલે બે હાથ જોડી ન્યાય અપાવવા વિનંતી કરું છું.
જે પોલીસ કર્મચારીઓ દ્વારા આ કેસમાં ખોટી FIR લખીને ચેડાં કરવામાં આવ્યા છે તેની સામે અને અકસ્માત કરી તમાશો જોનાર ત્રણેય સામે કડક કાર્યવાહી તમારા દ્વારા કરવામાં આવે તે મારી માગ છે.મૃતકનાં મિત્ર ક્રિશ મેરે જણાવ્યું હતું કે, ગત 21 માર્ચે ન્યારી નજીક મારો મિત્ર પરાગ ગોહેલ રોડ ક્રોસ કરતો હતો. ત્યારે ટાટા નેકસોનમાં આવતા ત્રણ વ્યક્તિઓએ તેને ફૂટબોલની જેમ ઉલાળી અકસ્માત સર્જ્યો હતો. એટલું જ નહીં અકસ્માત થયા બાદ તેને સારવાર માટે ખસેડવાની બદલે તમાશો જોયો હતો.
આ અંગે જાણ થતાં તરત જ હું આવી ગયો હતો અને પરાગને તરત સિવિલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ગતરાત્રે તેનું મોત નીપજ્યું છે. અમે લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે જ્યાં સુધી અકસ્માત કરનાર ત્રણેય આરોપી તેમજ એસ. પી. ચૌહાણ અને નિલેશ ચાવડા નામના બંને પોલીસ કર્મચારીઓએ ખોટું કર્યું હોવાથી તેની સામે કડક પગલાં લેવાશે નહીં ત્યાં સુધી અમે લાશનો સ્વીકાર કરીશું નહીં.
ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત 21 તારીખે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી ક્રિશ મેરે લેખિત ફરિયાદ આપી હતી, જેમાં તેમણે પ્રવીણભાઈ બચુભાઇ જાડેજા દ્વારા કાર ચલાવવામાં આવતી હોવાનું જ જણાવ્યું હતું. પ્રવીણભાઈ જાડેજાએ પણ પોલીસ સ્ટેશન આવી કબૂલ્યું હતું કે કાર તેઓ ચલાવતા હતા.આ કેસમાં કોઈની અટકાયત કે ધરપકડ કરવામાં આવી નથી. ભોગ બનનારનાં માતા કે ફરિયાદી હજુ પણ પોલીસ પાસે આવી માહિતી આપી શકે છે.
21 તારીખે ફરિયાદ દાખલ થઈ, જેમાં 22 તારીખે CCTV ફૂટેજ પોલીસને આપ્યા છે. પોલીસ પાસે એવા કોઈ CCTV નથી કે એમાં ડ્રાઇવર બદલાતો હોઈ. પોલીસ દબાણ કરે છે એ આક્ષેપો ખોટા છે.કાર રાજેશકુમાર મહેતાના નામની હોવાનું સામે આવ્યું છે. તપાસનીશ અમલદાર સામે આરોપ લાગ્યો હોવાથી તપાસ તેની પાસેથી લઈ લેવામાં આવી છે. અકસ્માત સમયે કારમાં રાજેશકુમાર મહેતાના પુત્ર અને એક તેનો મિત્ર સાથે હતો તેની પોલીસે ઓળખ મેળવી છે. આ કેસમાં PSIનો કોઈ રોલ નથી ફરિયાદીએ જેનું નામ આપ્યું તેની સામે જ ગુનો નોંધવામાં આવ્યો છે.
અકસ્માત મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સ વિભાગના વડા રાજુ દવેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનામાં મારા પુત્રનું નામ આવ્યું છે, પરંતુ મારા પુત્રનો આ અકસ્માતમાં ક્યાંય રોલ નથી. મેં ઇજાગ્રસ્તના પરિવાર સાથે વાત કરી છે અને પોલીસ કાર્યવાહી ચાલુ છે હું સ્ટેટમેન્ટ ન આપી શકું, પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. મારો પુત્ર ક્યાંય છે જ નહીં, કારમાં પણ મારો પુત્ર નહોતો. મારા પુત્રનો ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્ર સાથે પણ સબંધ નથી. મારો કે મારા ભાઈ જશ્મિનના પુત્રનો પણ આ અકસ્માતમાં કોઈ રોલ નથી. મારા ભાઈ પોલીસ સ્ટેશને જઈ આવ્યા છે અને પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મારા ભાઈ જશ્મિન દવેનો પુત્ર છે તે અંગે પોલીસ તપાસ કરે છે.
આ અંગે ફરિયાદી ક્રિશ અમિતભાઇ મેરે ગૃહમંત્રી, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, ડીસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓને લેખિત રજૂઆત કરી તાલુકા પોલીસ નબીરાઓને છાવરી ફરિયાદીને ખોટા કેસમાં ફિટ કરી દેવા ધમકી આપતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદીના કહેવા પ્રમાણે અકસ્માત સર્જનાર કારચાલક સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના હ્યુમન રાઇટ્સ ભવનનાં હેડ અને લીગલ વિભાગનાં ઇન્ચાર્જ અઘ્યક્ષ રાજુભાઈ મુરલીભાઈ દવે અને જસ્મીનભાઈ મુરલીભાઈ દવે પરિવારનો પુત્ર છે અને કાર ભાભા હોટલના માલિકની છે.
જે બન્ને રાજકોટમાં સારી નામના ધરાવે છે માટે પોલીસ તેને છાવરી રહી છે.ફરિયાદી ક્રિશ અમિતભાઇ મેરે ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજકોટ પોલીસ કમિશનર, રાજકોટ જિલ્લા કલેક્ટર, રાજકોટ ડીસીપી ક્રાઇમ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇને સંબોધી કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, તા. 21/03/2025ના રોજ બપોરે 3.28 વાગ્યે ન્યારી ડેમ રોડ ઉપર આઉટ ઓફ ધ બોક્ષ વાળા ચોક નજીક સફેદ કલરનું એક્ટિવા નંબર GJ-03-NS-9979 લઈને પરાગભાઈ ગોહેલ કાલાવડ રોડ તરફથી ન્યારી ડેમ તરફ બેલાવીસ્ટા બંગ્લોઝ ખાતે જઈ રહ્યો હતો. આ સમયે ન્યારી ડેમ પાસેથી કાલાવડ રોડ બાજુ જતા રોડ ઉપર એક સફેદ કલરની ટાટા નેક્ષોન ગાડી નંબર GJ-03-NB-6411 પૂરઝડપે આવતી હતી.
કારે આઉટ ઓફ ધ બોક્ષ પાસે ચોકમાં એક્ટિવાચાલકને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી તેઓ આગળ દૂર જઈ ટાયર પંકચર હોવાથી ઉભા રહ્યા હતા અને તેમાથી ત્રણ વ્યકિત નીચે ઉતર્યા હતા. ડ્રાઈવિંગ સીટ પરથી નીચે ઉતરતો હતો તે ઉંચો એવો છોકરો હતો અને તે તરત જ પાછળના દરવાજે આવી બેસી ગયો હતો. જ્યારે ગાડીમાં પાછળ બેસેલો આઘેડ ઉંમરનો માણસ આગળ ડ્રાઈવિંગ સીટે બેસેલો અને ત્યારબાદ ત્રણેય વ્યક્તિ ફરીથી બહાર આવ્યા હતા અને આ પાછળ બેસેલો વ્યક્તિ ગાડી ચલાવતો હોય તેવુ દર્શાવ્યું હતું.
અકસ્માતથી ઈજાગ્રસ્ત યુવાન રસ્તા ઉપર બેભાન હાલતમાં તેમજ લોહી લુહાણ થઈ રોડ ઉપર ઉંધો પડેલો હતો. તેની પાસે જઈ માનવતા દાખવી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાના બદલે કે 108 બોલાવાના બદલે આ ત્રણ વ્યક્તિ સામે આવેલા પાનના ગલ્લે જઈ ઉભા રહ્યા હતા અને તેમની ટાટા નેક્ષોન ગાડી પંકચર થઇ હોવાથી અને ચાલી શકે તેમ ન હોવાથી બીજી ગાડી બોલાવી ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ સમયે મેં પરાગભાઈ ગોહેલના ફોનમાં ફોન કરેલો તો તેનો ફોન કોઈ અજાણ્યા વ્યક્તિએ ઉપાડી પરાગભાઈનું એક્સિડન્ટ થયું હોવાનું જણાવ્યું હતું.
અકસ્માત થયો હોવાનું સાંભળી હું તુરંત ફોર વ્હિલર કાર લઈ બનાવના સ્થળે પહોંચ્યો હતો અને જોયું તો તે સમયે પરાગ લોહી લુહાણ હાલતમાં રોડ ઉપર પડ્યો હતો. આથી તેમને મારી કારમાં પાછલી સીટમાં સુવડાવી હું સિવિલ હોસ્પીટલ લઈ ગયો હતો. ત્યારબાદ કેસ સીરીયસ હોવાથી એમ્બ્યુલન્સમાં ત્યાંથી વોકહાર્ટ હોસ્પીટલે લઈ ગયા હતા અને તા .21/03/2025થી આજ દિવસ સુધી પરાગ ગોહેલ વોકહાર્ટ હોસ્પિટલમાં ICUમાં દાખલ છે અને હાલ તેની હાલત ગંભીર માનવામાં આવી રહી છે.
અકસ્માતના કારણે પરાગને બ્રેઈન હેમરેજ તથા આખા બોડીમાં ઘણી ઈજાઓ થઈ છે.આ અકસ્માત તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલો હોવાથી અમને તાલુકા પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. ત્યારે અકસ્માત સર્જનાર ડ્રાઈવર તરીકે પ્રવિણસિંહ બચુભા જાડેજા તાલુકા પોલીસ સ્ટેશને હાજર થયા હતા તેવું જણાવ્યું હતું. અમે પોલીસને સ્પષ્ટપણે કહ્યું કે, આ પ્રવિણસિંહ બચુભાઈ જાડેજા ગાડી ચલાવતા ન હતા ડ્રાઈવર સીટ ઉપર એક ઉંચી હાઈટવાળો છોકરો બેઠેલો હતો અને તેની બાજુમાં એક બીજો છોકરો બેઠો હતો.
આ બંને છોકરાઓ એકદમ યંગ હતા. ત્યારે તપાસ કરતા પોલીસ એસ.પી.ચૌહાણએ અમારી ઉપર રાડારાડી કરી ગુસ્સે થઇ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે, તમારે ફરિયાદ લખાવી છે કે નહીં અને ફરિયાદ પોલીસ લખશે તેમ લખાશે તમે કહેશો એમ નહિ થાય.પંચનામા દરમિયાન પોલીસ દ્વારા એક્ટિવા તથા ટાટા નેક્સન ગાડી પોલીસ સ્ટેશને મગાવી લેવામાં આવી અને ત્યાર બાદ એક્ટિવા તથા ફોર-વ્હીલર સ્થળે હાજર ન હોવાથી અને પોલીસ સ્ટેશને હોવાથી ત્યારે એક્સિડન્ટનો જે જગ્યાએ બનાવ બન્યો હતો એનું પંચનામું કરવામાં આવ્યું હતું.
પોલીસકર્મી નિલેશ ચાવડાએ ધમકી આપતાં કહ્યું હતું કે હું અથવા મારા મોટાભાઈ કશું બોલીશું તો ખોટા કેસમાં ફિટ કરી દેશું. જેમ ચાલે છે તેમ ચાલવા દયો એ જ તમારા ફાયદામાં છે, બાકી રાત્રે પોલીસ સ્ટેશનમાં અંદર બેસાડી દેશું.અમને જાણવા મળ્યું છે કે એક્સિડન્ટ જે ટાટા નેક્સન ગાડીથી થયો છે એ ગાડી રાજેશકુમાર મગનલાલ મહેતાની છે અને એ ભાભા ગેસ્ટહાઉસના માલિક છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સ ભવનના હેડ અને લીગલ વિભાગના ઇન્ચાર્જ અઘ્યક્ષ રાજુભાઈ મુરલીભાઈ દવે અને જસ્મિનભાઈ મુરલીભાઈ દવે બંને ભાઈઓ છે તે દવે પરિવારનો પુત્ર કાર ચલાવતો હતો અને એક્સિડન્ટ કર્યો છે.
આ એક્સિડન્ટમાં ભાભા ગેસ્ટહાઉસવાળા અને દવે પરિવાર રાજકોટમાં મોટું નામ ધરાવતા હોવાથી પૈસા અને પાવરનો યુઝ કરી પોલીસ કાર્યવાહી સાથે છેડછાડ કરી અને ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર સાથે મળી આ ટાટા નેક્સન ગાડીનો ડ્રાઈવર બદલી નાખ્યો છે. અમારી ફરિયાદમાં ખોટી રીતે પ્રવીણસિંહ બચુભા જાડેજાને ડ્રાઈવર તરીકે દર્શાવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: જાફરાબાદના બાબરકોટ ગામ નજીક કચરાનું રિસાયક્લિંગ કરતા કારખાનામાં વિકરાળ આગ
આ પણ વાંચો: દક્ષિણ કોરિયાના જંગલોમાં આગનું તાંડવ, 1300 વર્ષ જૂનો બૌદ્ધ મઠ બળીને રાખ, અત્યાર સુધીમાં 18ના મોત