મેંદરડા ના રસ્તે પટકાયો ‘વિકાસ’, તમને પણ નડી શકે છે!
જૂનાગઢ જિલ્લાના મેંદરડા વિસ્તારોમાં અતિભારે વરસાદ બાદ શહેર તેમજ ગ્રામીણ વિસ્તાર ઉપરાંત અનેક ધોરીમાર્ગો ધોવાયા છે ત્યારે વાહનચાલકો માટે વાહન ચલાવવા માથાનો દુખાવો બન્યો છે.મેંદરડા સહિત ગીર વિસ્તારોમાં અષાઢ મહિનાની શરૂઆત સાથે જ શરૂ થયેલો વરસાદ જાણે કોઈ ઉત્સવ હોય તેમ લોકોનું હરખ બહાર આવે છે.

પણ હવે આ વરસાદ લોકો માટે ઉજવણી કરતા વધારે મુસીબતો લઈ આવતો હોય તેવું લાગે છે. મેંદરડામાં આવેલ જીવા દોરી સમાન વર્ષો જુનો ઓવરબ્રિજ મેંદરડા,કેશોદ,માળીયા,વંથલી સહિતના માર્ગો ને જોડતા કોઝવેમાં પણ તિરાડો પડી ગઈ છે, તો મેંદરડા સ્મશાન રોડ, ધનપા વિસ્તાર અને શહેર તરફ જતા માર્ગોના રસ્તાઓ પર મોટા ખાડાથી વાહનચાલકો પણ પરેશાન થયા છે.

મેંદરડામાં અતિભારે વરસાદે રસ્તાઓની હાલત બિસ્માર કરી મૂકી છે. મેંદરડા થી સાસણ ગીર,સતાધાર,સોમનાથ વિસ્તાર જેવા ફરવા લાયક સ્થળો પર જવા માટેના માર્ગો પર મેંદરડા માં આવતા જ મસમોટા ખાડાઓના કારણે વાહનચાલકોને પોતાના વાહન ચલાવવા પણ માથાનો દુખાવો બન્યો છે. ત્યારે વરસાદના પાણી ઓસરિયા બાદ અનેક જગ્યાઓ પર ગંદકીનું સામ્રાજ્ય પણ દેખાઈ આવ્યું છે તો મેંદરડા વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવશે કે કેમ ? તે જોવાનું રહ્યું.
