Health News :નવું વર્ષ 2026 શરૂ થઈ ગયું છે. મોટાભાગના લોકોએ 1 જાન્યુઆરીથી જિમ જવાનો કે ડાયેટિંગ (Dieting) કરવાનો સંકલ્પ લીધો હશે. પરંતુ યાદ રાખો, માત્ર ભૂખ્યા રહેવાથી વજન નથી ઘટતું, સાચું વજન ઘટાડવા માટે ‘ઋતુ પ્રમાણેનો આહાર’ (Diet) ખૂબ જરૂરી છે. જાન્યુઆરી મહિનો એટલે કડકડતી ઠંડી. આ સમયે શરીરની જરૂરિયાતો ઉનાળા કે ચોમાસા કરતા અલગ હોય છે.
પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન (Dietitian) સુખ સાબિયા જણાવે છે કે, જાન્યુઆરીનો ડાયેટ પ્લાન (Diet Plan) એવો હોવો જોઈએ જે માત્ર વજન ઘટાડવામાં જ નહીં, પણ શરીરને ગરમ રાખવામાં અને એનર્જી લેવલ જાળવી રાખવામાં પણ મદદ કરે. તો ચાલો જાણીએ કે આ મહિને તમારી થાળીમાં કઈ વસ્તુઓ હોવી જોઈએ.

નાસ્તો રાજા જેવો હોવો જોઈએ (Healthy Breakfast)
શિયાળાની સવારમાં રજાઈમાંથી બહાર નીકળવાનું મન નથી થતું અને ઘણા લોકો ઉઠવામાં મોડું થવાથી નાસ્તો (Breakfast) કરવાનું ટાળે છે. ડાયેટિશિયનના મતે આ સૌથી મોટી ભૂલ છે. આખી રાતના ઉપવાસ પછી શરીરને ઊર્જાની જરૂર હોય છે.
તમારા નાસ્તામાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર હોવા જોઈએ. તમે ઓટ્સ, દલિયા (ફાડા લાપસી), મગની દાળના ચીલા, બાજરીનો રોટલો કે ઈંડા ખાઈ શકો છો. જો પૌઆ કે ઉપમા ખાતા હોવ તો તેમાં પુષ્કળ શાકભાજી નાખો.
આવો ભારે અને પૌષ્ટિક નાસ્તો કરવાથી દિવસભર શરીરમાં એનર્જી રહે છે અને તમને વારંવાર ભૂખ નથી લાગતી, જેનાથી વજન કંટ્રોલમાં રહે છે. સાથે મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ભૂલશો નહીં.

લંચમાં સંતુલન છે જરૂરી (Balanced Lunch)
બપોરના ભોજનમાં તમારી થાળી ‘સંપૂર્ણ આહાર’ (Complete Meal) વાળી હોવી જોઈએ. માત્ર રોટલી-શાક પૂરતું નથી.
લંચમાં ઘઉંની રોટલીને બદલે બાજરી કે જુવારનો રોટલો અથવા બ્રાઉન રાઈસ પસંદ કરો. સાથે પ્રોટીન માટે દાળ, રાજમા કે પનીર લો. શિયાળામાં પાચન સારું રાખવા માટે જમ્યા પછી એક વાટકી દહીં અથવા છાશ અવશ્ય લો. દહીં પ્રોબાયોટિકનું કામ કરે છે જે આંતરડાને સ્વસ્થ રાખે છે.
શિયાળામાં તળેલું અને વધારે મસાલેદાર ખાવાની ઈચ્છા થાય છે, પણ તેનાથી દૂર રહેવું. તેલયુક્ત ખોરાક પચવામાં ભારે પડે છે અને તેનાથી સુસ્તી આવે છે.

મોસમી શાકભાજી: શિયાળાનું સુપરફૂડ (Seasonal Veggies)
જાન્યુઆરી મહિનો એટલે લીલા શાકભાજીનો રાજા. આ સમયે બજારમાં મળતા શાકભાજી સ્વાસ્થ્યનો ખજાનો છે. ડાયેટિશિયન (Dietitian) સલાહ આપે છે કે તમારા આહાર (Diet) માં ગાજર, બીટ, પાલક, મેથી, તાંદળજો અને સરસવ જેવા શાકભાજીનો સમાવેશ કરો.
આ શાકભાજીમાં ભરપૂર આયર્ન, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. લીલા પાંદડાવાળા શાકભાજી એનિમિયા (લોહીની ઉણપ) સામે લડવામાં મદદ કરે છે અને પાચનતંત્ર સુધારે છે. દિવસમાં ઓછામાં ઓછા બે પ્રકારના લીલા શાકભાજી ખાવાનો નિયમ બનાવો.

પાણી પીવાનું ભૂલતા નહીં (Hydration)
ઉનાળામાં આપણને પરસેવો થાય એટલે તરસ લાગે છે, પણ શિયાળામાં તરસ ઓછી લાગે છે. અને અહીં જ લોકો થાપ ખાઈ જાય છે. ઠંડીમાં પણ શરીરને હાઈડ્રેશનની એટલી જ જરૂર હોય છે. ઓછું પાણી પીવાથી ત્વચા સૂકી થઈ જાય છે અને થાક લાગે છે.
દિવસભર સાદા પાણીને બદલે હૂંફાળું (નવશેકું) પાણી પીવાની આદત પાડો. આ સિવાય તમે વેજિટેબલ સૂપ, ગ્રીન ટી, તુલસી-આદુવાળી ચા કે ઉકાળો પી શકો છો. આ વસ્તુઓ શરીરને ડિટોક્સ કરે છે અને શરદી-કફ સામે રક્ષણ આપે છે.

જંક ફૂડને કહો ‘ના’, અપનાવો સ્માર્ટ સ્નેકિંગ (Smart Snacking)
સાંજે 4 થી 6 વાગ્યાનો સમય સૌથી ખતરનાક હોય છે, કારણ કે ત્યારે જ આપણને સમોસા, વડાપાઉં કે બિસ્કિટ ખાવાની ઈચ્છા થાય છે. જો તમારે વજન ઘટાડવું હોય તો આ આદત બદલવી પડશે.
જ્યારે ભૂખ લાગે ત્યારે તળેલા નાસ્તાને બદલે શેકેલા ચણા, મખાના, મગફળી, અથવા કોઈ ફળ ખાઓ. આનાથી પેટ પણ ભરાશે અને બિનજરૂરી કેલરી પણ શરીરમાં નહીં જાય.
રાત્રિભોજન હંમેશા હળવું અને સૂવાના 2 કલાક પહેલાં કરી લેવું જોઈએ. ખીચડી, સૂપ કે મગની દાળ બેસ્ટ ઓપ્શન છે.
મિત્રો, જાન્યુઆરીનો આહાર એટલે માત્ર ડાયેટિંગ (Dieting) નહીં, પણ પોષણયુક્ત (Nutritious) આહાર. જો તમે ઉપર જણાવેલી 5 બાબતોનું ધ્યાન રાખશો, તો આખું વર્ષ તમે તંદુરસ્ત અને ફિટ રહેશો.
આ પણ વાંચો: મહિલાઓ ખાસ વાંચો : શું વાળ ખરે છે અને ચહેરો ફિક્કો પડી ગયો છે? જાણો લોહી વધારવાની રીત
આ પણ વાંચો: પ્લેટલેટ્સ ઓછા થવાનું કારણ ફક્ત ડેન્ગ્યુ નથી: લક્ષણો, કારણો અને સારવાર જાણો
આ પણ વાંચો: શરીરનો આ ‘કચરો’ કિડની ફેલ થવાનો સંકેત છે! જો બ્લડ રિપોર્ટમાં આ લેવલ વધારે આવે તો ચેતી જજો !
