Kutch Pride News: કચ્છની ધરતીના સપૂતોએ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે, ત્યારે વધુ એક સિદ્ધિ કચ્છના નામે જોડાઈ છે. માંડવી તાલુકાના બિદડા ગામના વતની અને પૂર્વ કેન્દ્રીય રેલમંત્રી દિનેશ ત્રિવેદીને ભારત સરકારે બાંગ્લાદેશમાં નવા હાઈકમિશનર તરીકે અત્યંત મહત્વની જવાબદારી સોંપી છે. બદલાતા ભૌગોલિક અને રાજકીય સમીકરણો વચ્ચે દિનેશ ત્રિવેદીની આ નિમણૂક ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં નિર્ણાયક સાબિત થશે.
Kutch થી કોલકાતા અને હવે ઢાકા સુધીની સફર
દિનેશ ત્રિવેદીનો પરિવાર મૂળ કચ્છના બિદડા ગામનો વતની છે. દેશના વિભાજન સમયે તેમનો પરિવાર દિલ્હી અને ત્યારબાદ કોલકાતામાં સ્થાયી થયો હતો. એમબીએ અને કોમર્શિયલ પાયલોટની તાલીમ લેનાર દિનેશ ત્રિવેદીએ 1990માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ રેલમંત્રી અને કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. નોંધનીય છે કે, વર્ષ 1996માં તેમણે કચ્છ લોકસભા બેઠક પરથી ચૂંટણી પણ લડી હતી.
બાંગ્લાદેશમાં દિનેશ ત્રિવેદી જ કેમ?
બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા સત્તાપલટા અને તારિક રહેમાન વડાપ્રધાન બન્યા બાદ ભારત માટે આ નિમણૂક વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની છે. તેના મુખ્ય કારણો આ મુજબ છે:
ભાષાકીય સેતુ: દાયકાઓ સુધી પશ્ચિમ બંગાળના રાજકારણમાં સક્રિય રહેવાને કારણે તેઓ બંગાળી ભાષા પર પૂરતું પ્રભુત્વ ધરાવે છે, જે બાંગ્લાદેશ સાથેના સંવાદમાં ખૂબ મદદરૂપ થશે.
ડિપ્લોમેસીમાં મહારત: ઇન્ટરનેશનલ ડિપ્લોમેસી પર તેમનું મજબૂત પ્રભુત્વ છે. ‘ઓપરેશન સિંદૂર’ જેવા મિશનમાં તેઓ મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે.
વહીવટી અનુભવ: પૂર્વ રેલમંત્રી તરીકેનો તેમનો બહોળો અનુભવ બંને દેશો વચ્ચે વેપાર અને કનેક્ટિવિટી વધારવામાં કામ લાગશે.
કચ્છ સાથેનો અતૂટ નાતો
રેલમંત્રી તરીકેના તેમના ટૂંકા કાર્યકાળ દરમિયાન દિનેશ ત્રિવેદીએ ગાંધીધામમાં રેલવે કોચ ફેક્ટરી બનાવવાની ઐતિહાસિક જાહેરાત કરી હતી. જોકે, સરકાર બદલાતા આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો ન હતો. તેમણે જ ભુજ-શાલીમાર ટ્રેન શરૂ કરીને પોતાની ‘જન્મભૂમિ’ કચ્છ અને ‘કર્મભૂમિ’ બંગાળ વચ્ચે રેલવેના માધ્યમથી અતૂટ સેતુ બાંધ્યો હતો.
બિદડામાં ગૌરવની લાગણી
આ નિમણૂક અંગે ખુશી વ્યક્ત કરતા બિદડા સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી હેમંતભાઈ રાંભિયાએ જણાવ્યું હતું કે, “દિનેશભાઈ બિદડા ગામના સાચા રત્ન છે. તેઓ ગમે તેટલા ઊંચા પદ પર પહોંચ્યા હોય, પણ બિદડાના મેડિકલ કેમ્પમાં તેઓ આજે પણ હાજરી આપે છે. તેમનો કચ્છ સાથેનો નાતો અતૂટ છે.”
આ પણ વાંચો:ભુજ LCBનો કમાલ, માત્ર 8 દિવસમાં 52 લાખની ઠગાઈની રકમ પરત
આ પણ વાંચો:ભુજની હોટલમાંથી કાશ્મીરી યુવાનોની અટક કરાઈ
આ પણ વાંચો:ભુજમાં મીઠાઈના વેપારીને ભેળસેળના આરોપમાં 6 મહિનાની જેલ અને 1લાખનો દંડ
