Chhota Udepur News : નવી ટેક્નોલોજી, ડિઝાઇન અને માર્કેટિંગ માધ્યમ દ્વારા હસ્તકલા મેળવશે વૈશ્વિક ઓળખ.કૌશલ્ય વિકાસ પહેલ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકારનો પરિણામલક્ષી પ્રયાસ. વિશ્વવ્યાપી મંચ પર ભારતીય વારસાગત કળાઓને માન્યતા મળી રહી છે ત્યારે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામની પરંપરાગત હસ્તકલા હવે નવી ઉડાન માટે સજ્જ થઈ રહી છે. સંખ્યાબંધ પેઢીઓથી કલાનું જતન કરતા સંખેડાના કારીગરોને આધુનિક ટેકનોલોજી, ડિઝાઇન અને માર્કેટિંગ સાથે સંકળીને વૈશ્વિક તક આપવાનો ઉદ્દેશ્ય કલેકટર ગાર્ગી જૈનના દ્રઢ નેતૃત્વ હેઠળ સાકાર થતો જોવા મળી રહ્યો છે. આ પ્રયાસ અન્ય જિલ્લાઓ માટે પણ એક અભિનંદનીય મોડેલ બની શકે છે.

રાજ્ય સરકારના કૌશલ્ય વિકાસ પહેલ પ્રોજેક્ટ અંતર્ગત ITI કુબેરનગર, અમદાવાદ ખાતે 14 થી 19 જુલાઈ દરમિયાન આયોજિત 6 દિવસીય કસ્ટમાઇઝ્ડ વર્કશોપમાં સંખેડાના 27 પ્રતિભાશાળી કારીગરોએ ઉત્સાહભેર ભાગ લીધો.જેમાં સાગ લાકડાનો સમજપૂર્વક ઉપયોગ,જિયો-ટેગિંગ અને પ્રોડક્ટ ટ્રેકિંગ,એડહેસિવ ટેકનિક્સ અને સરફેસ ફીનીશિંગ,CNC મશીન સંચાલન,ડિજિટલ માર્કેટિંગ, બ્રાંડિંગ અને નિકાસ યોજના સાથે તાલીમ દરમ્યાન કારીગરોને મહત્વપૂર્ણ બાબતોનું જ્ઞાન આપવામાં આવ્યું
કાર્યક્રમ દરમિયાન કારીગરોએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID), અમદાવાદની મુલાકાત લઇને અદ્યતન ડિઝાઇન વિચારધારાનો અનુભવ પણ લીધો. વિશેષ છે કે, કલેકટર ગાર્ગી જૈન જાતે ITI ખાતે પહોંચીને કારીગરો સાથે સંવાદ કર્યો અને તેમનો આત્મવિશ્વાસ વધાર્યો. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે સંખેડાની કળા માત્ર ઇતિહાસ નથી, ભવિષ્ય પણ છે — જે વૈશ્વિક સ્તરે ગૌરવભેર ઉભી રહી શકે છે.

આ તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા માટે કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી, પીડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ, PWC સેન્ટર, ITI કુબેરનગર અને NIDના નિષ્ણાતોએ સંકલિત રીતે યોગદાન આપ્યું.આ પ્રકારની તાલીમો માત્ર હસ્તકલાકાર માટે જ નહિ, પરંતુ સમગ્ર સમાજ માટે એક આશાનો સંદેશ છે. કલેકટર ગાર્ગી જૈનનો પ્રયાસ સંખેડાની કળાને આધુનિક બજારની માંગ સાથે સાંકળીને એક નવી ઓળખ આપે છે — જેને કારણે આવનારા દિવસોમાં ગુજરાતની આ અનોખી હસ્તકલા દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવી શકે એવી અપેક્ષા છે.
આ પણ વાંચો:મોરબીમાં કાંતિ-ગોપાલ વિવાદમાં હવે કોંગ્રેસની એન્ટ્રી
આ પણ વાંચો:ગોપાલ ઇટાલિયાને કાંતિ અમૃતિયાએ મોરબીમાંથી ચૂંટણી લડવા ફેંકી ચેલેન્જ
આ પણ વાંચો:કાંતિ અમૃતિયાનો રાજીનામાનો રાજકીય ડ્રામાઃ ગોપાલ રાજીનામુ નહીં આપેઃ AAP
