Today Special: ભારતમાં પ્રતિ વર્ષ 14 એપ્રિલે આંબેડકર જયંતિ (Dr. B R Ambedkar Jayanti 2026, 14 April) મનાવવામાં આવે છે. આ દિવસ ભારતીય સંવિધાનના નિર્માતા, સમાજ સુધારક તથા મહાન અર્થ શાસ્ત્રી ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને સમર્પિત છે. વર્ષ 2026માં પણ આખા દેશમાં આ દિવસને અત્યંત શ્રદ્ધા, સન્માન તથા ઉત્સાહ સાથે મનાવવામાં આવશે.

સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા અને ન્યાય મંત્રી
ડૉ. બી આર આંબેડકરે ભારતના સામાજીક માળખામાં પરિવર્તન આણવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એમણે સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય (Equality, Freedom and Justice)ના સિદ્ધાંતોને દ્રઢ બનાવ્યા હતા.
ભીમરાવનો જન્મ 14 એપ્રિલ 1891માં મધ્ય પ્રદેશના મહૂ ખાતે થયો હતો. તેઓ સમાજની અસ્પૃશ્યતા અને ભેદભાવ વિરુદ્ધ આજીવન સંઘર્ષ કરતા રહ્યાં! એમણે લાખો લોકોમાં એક નવી આશ જગાવી અને શિક્ષણ તથા પોતાના અધિકારો પ્રત્યે જાગૃત કર્યા હતા.

બાબાસાહેબે શું કહ્યું હતુ?
ડૉ. ભીમરાવ આંબેડકર સમાનતા અને સામાજીક ન્યાયના સમર્થક હતા. એમનું કથન છે, “સ્વયંને શિક્ષિત કરો…કારણ કે શિક્ષણ જ પ્રગતિની કરોડરજ્જુ છે!”
એમનુ સૂત્ર હતું, “શિક્ષિત બનો…સંગઠિત રહો…સંઘર્ષ કરો!”

ભારતીય સંવિધાનના ઘડવૈયા ડો. બી આર આંબેડકરની જન્મ જયંતિ (Dr. B R Ambedkar Jayanti 2026)
ભારતીય સંવિધાન (Indian Constitution)નું નિર્માણ કરીને લોકશાહીના આ ઘડવૈયાએ દેશને એક લોકતાંત્રિક અને સમાનતા આધારિત વ્યવસ્થા સોંપી છે.
આંબેડકર જયંતિ કેવળ એક જયંતિ જ નથી પરંતુ, સામાજીક ન્યાય અને અધિકારોની પ્રેરણા સમાન ખાસ દિન છે. આ દિવસે શાળાઓ, સરકારી કોલેજો અને સાર્વજનિક સ્થાનો પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમો, રેલીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો બહોળા પાયે યોજવામાં આવે છે. આ માધ્યમોથી બાબાસાહેબના ઉદ્દાત્ત વિચારોને યાદ કરવામાં આવે છે.

ડૉ. ભીમરાવ આંબેડકર પાસે કુલ 32 ડિગ્રીઓ હતી
આ વર્ષ 2026માં આંબેડકર જયંતિ એટલા માટે પણ વિશેષ માનવામાં આવે છે કારણ કે, આજની યુવા પેઢી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પરથી એમના વિચારોનું આદાન-પ્રદાન કરી રહી છે. આ વિચારોમાં સમાનતા, શિક્ષણ અને માનવાધિકારો મુખ્ય છે.
તેઓએ કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતુ. ડૉ. ભીમરાવ આંબેડકર પાસે કુલ 32 ડિગ્રીઓ હતી અને આજે પણ તે સૌથી શિક્ષિત ભારતીયો પૈકીના એક ગણાય છે. તેમને 9 ભાષાઓમાં કૌશલ્ય પ્રાપ્ત હતુ અને એમણે સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા અને ન્યાય મંત્રી (Minister of Law and Justice)નું સ્થાન શોભાવ્યું હતુ.

સમાજ સુધારક આંબેડકર
તેમણે અસ્પૃશ્યતા અને જાતિવાદ (Untouchability and Casteism) વિરુદ્ધમાં આજીવન સંઘર્ષ કર્યો હતો અને એ માટે મહાડ સત્યાગ્રહ પણ કરેલો જેમાં અછૂતો માટે સાર્વજનિક ટેન્કમાંથી પાણી લેવાના અધિકાર તથા મંદિર પ્રવેશના અધિકાર માટે આંદોલન કર્યુ હતુ. હિન્દુ કોડ બિલના માધ્યમથી મહિલાઓ માટે છૂટાછેડા અને સંપત્તિમાં અધિકાર અપાવવા જેવા પ્રયાસો પણ એમણે કર્યા હતા.
ભારત રત્નથી સન્માનિત વિભૂતિ
વર્ષ 1990માં એમને મરણોપરાંત, ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી વિભૂષિત કરવામાં આવ્યા હતા. તે સમયના રાષ્ટ્રપતિ આર. વેંકટરામન દ્વારા આ સન્માન એમની પત્ની સવિતા આંબેડકરને પ્રદાન કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો: આ ક્રાંતિકારીઓનું બલિદાન ભારતના સ્વાતંત્ર્ય આંદોલનની ચિનગારી બની…આજે 23 માર્ચ…’શહીદ દિવસ’…
