Tech & Auto News : હાલમાં આપણા દેશના લગભગ તમામ પેટ્રોલ પંપ પર E20 પેટ્રોલ (E20 Petrol)મળવાનું શરૂ થઈ ગયું છે. સરકારનું માનવું છે કે આ પગલાથી ભારતમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટશે અને દેશની અર્થવ્યવસ્થાને પણ મોટો ફાયદો થશે. જોકે, E20 ઈંધણને લઈને વાહનચાલકો ખાસ ખુશ દેખાઈ રહ્યા નથી. સામાન્ય નાગરિકોનું માનવું છે કે E20ને કારણે તેમની કારના એન્જિન પર ખરાબ અસર પડી રહી (Car Engine Damage)છે અને માઈલેજમાં પણ ઘટાડો નોંધાયો છે. ઓટોમોબાઈલ નિષ્ણાતોના અહેવાલો મુજબ, જો તમારી કાર લાંબા સમય સુધી પાર્કિંગમાં ઊભી રહેતી હોય અથવા વપરાયા વગર પડી રહેતી હોય, તો તેના પર E20 પેટ્રોલ અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જ્યારે E20 પેટ્રોલ ધરાવતી કાર લાંબા સમય સુધી એક જ જગ્યાએ ઊભી રહે છે, ત્યારે ઈંધણનું કેમિકલ બેલેન્સ (Chemical balance of fuel)બગડવા લાગે છે. જે વાહનચાલકો મહિનામાં માત્ર 1 થી 2 વખત જ પોતાની કાર બહાર કાઢે છે, તેમના કાર એન્જિનમાં ધીમે ધીમે એવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે, જેની જાણ ત્યારે થાય છે જ્યારે સર્વિસ સેન્ટરનું મોટું બિલ સામે આવે છે.
E20 Petrol : E20 પેટ્રોલમાં ફેઝ સેપરેશનનું જોખમ અને પાર્ટ્સમાં કાટ લાગવાની સમસ્યા
ફેઝ સેપરેશનનું ગંભીર જોખમ: E20 ઈંધણની સૌથી મોટી ખાસિયત અને ખામી એ છે કે તે ‘હાઈગ્રોસ્કોપિક’ (Hygroscopic) સ્વભાવ ધરાવે છે, એટલે કે તે વાતાવરણમાંથી ભેજ અને પાણીને ઝડપથી સોસી લે છે. જ્યારે કાર 7 થી 10 દિવસ સુધી સતત ઊભી રહે છે, ત્યારે ફ્યુઅલ ટેન્કમાં રહેલી હવામાંથી ભેજ બહાર આવીને એથનોલ સાથે ભળી જાય છે. પાણીનું પ્રમાણ વધતાં પેટ્રોલ અને એથનોલ એકબીજાથી અલગ થઈ જાય છે, જેને ટેક્નિકલ ભાષામાં ‘ફેઝ સેપરેશન’ કહેવામાં આવે છે. પાણી અને એથનોલનું આ ભારે મિશ્રણ ટેન્કના તળિયે બેસી જાય છે. દિવસો પછી જ્યારે તમે કાર સ્ટાર્ટ કરો છો, ત્યારે ફ્યુઅલ પંપ સીધું આ પાણીવાળું મિશ્રણ જ ખેંચે છે, જેનાથી એન્જિન ઝટકા મારે છે અને અચાનક બંધ પડી જાય છે.
મોંઘા પાર્ટ્સમાં કાટ અને બ્લોકેજ: જૂની કાર અથવા E20 ફ્યુઅલ માટે કમ્પેટેબલ ન હોય તેવી કારમાં મેટલની ફ્યુઅલ ટેન્ક, રબરના હોઝ પાઈપ અને જૂના પ્રકારના ફ્યુઅલ ઈન્જેક્ટર હોય છે. એથનોલમાં રહેલું પાણી લાંબા સમય સુધી પાઈપ અને ટેન્કમાં પડ્યું રહે તો ત્યાં ઝડપથી જંગ લાગવા લાગે છે. આ જંગ અને ઘસાયેલા રબરના બારીક કણો ફ્યુઅલ ફિલ્ટર તથા ઈન્જેક્ટરને બ્લોક કરી દે છે. પરિણામે કાર સ્ટાર્ટ થવામાં મુશ્કેલી પડે છે, પિકઅપ ઘટે છે અને આખી ફ્યુઅલ સિસ્ટમ બદલવાનો વારો આવે છે, જેમાં 15,000 થી 40,000 સુધીનો ભારે ખર્ચ થઈ શકે છે.
માઈલેજમાં ઘટાડો અને એન્જિન મિસફાયર: જો ફેઝ સેપરેશન થયા બાદ પણ કાર ચલાવવામાં આવે, તો સ્પાર્ક પ્લગ પર પાણી અને કેમિકલ જમા થવાથી એન્જિન મિસફાયર થવાની સમસ્યા શરૂ થઈ જાય છે. રસ્તા પર કાર ચાલતી વખતે ઝટકા વાગે છે અને પેટ્રોલ ખતમ થઈ ગયું હોય તેવો અનુભવ થાય છે. આ ઉપરાંત, લાંબા સમય સુધી પડ્યું રહેલું એથનોલ યુક્ત પેટ્રોલ તેની સળગવાની ક્ષમતા ગુમાવી દે છે, જેના કારણે કારનું માઈલેજ અચાનક 20 થી 30 ટકા સુધી ઘટી જાય છે અને એન્જિનમાંથી વિચિત્ર અવાજો આવવા લાગે છે.
E20 ના નુકસાનથી કારને બચાવવાના સરળ ઉપાયો:
જો કાર ઓછી વપરાતી હોય તો ટેન્કમાં ફૂલ પેટ્રોલ ભરાવીને મહિનાઓ સુધી રાખવાને બદલે માત્ર 7-10 દિવસ ચાલે તેટલું જ ઈંધણ ભરાવો. કાર બહાર ન લઈ જવાની હોય તો પણ અઠવાડિયામાં 1-2 વખત 10-15 મિનિટ માટે ન્યુટ્રલમાં સ્ટાર્ટ કરી રાખો. ઓટો એક્સપર્ટની સલાહ લઈને ભેજ દૂર કરતું ‘ફ્યુઅલ સ્ટેબિલાઈઝર એડિટિવ’ વાપરો જે એથનોલ અને પાણીને અલગ થતાં રોકે છે. જૂની કાર માટે ઓછા એથનોલ અથવા હાઈ-ઓક્ટેન વાળા પ્રીમિયમ ઈંધણનો વિકલ્પ પસંદ કરવો વધુ હિતાવહ છે.
આ પણ વાંચો :નવી કાર ખરીદતી વખતે એન્ટી-રસ્ટ કોટિંગ કરાવવું ખરેખર જરૂરી છે કે પૈસાનો બગાડ?
આ પણ વાંચો :સિમ્પલે લોન્ચ કર્યું ડોલ્ફિન ડિઝાઇનવાળું ‘Wave’ ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો તેના ફીચર્સ અને કિંમત
આ પણ વાંચો :ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા? ગભરાવાને બદલે તરત કરો આ 4 કામ, પૂરેપૂરા નાણાં મળશે પરત
