Lifestyle/ હલવો, ચણા, ખીર અને પુરી…કન્યા પૂજન માટે બનાવો પ્રસાદની થાળી…ભાવથી જમાડો..!

ચૈત્ર નવરાત્રિમાં ઘણા લોકો વ્રત-ઉપવાસ રાખે છે અને નવમા દિવસે કન્યા પૂજન કરે છે. આ માટે એક વિશેષ પ્રસાદ (Kanya Pujan Prasad) થાળ બનાવવામાં આવે છે…

Trending festival Food Lifestyle
Kanya Pujan Prasad, ખીર, કાળા ચણા, હલવો, નવદુર્ગા

Lifestyle: જો તમે  ચૈત્ર નવરાત્રિમાં પ્રથમ વાર જ કન્યા પૂજન કરવા જઇ રહ્યા હો તો અહિં તમને કન્યા પૂજન માટેનો પ્રસાદ થાળ (Kanya Pujan Prasad) બનાવવાની સરળ રેસિપી દર્શાવવા જઇ રહ્યાં છીએ.

ભારતના જુદા-જુદા રાજ્યોમાં ચૈત્ર નવરાત્રિ (Chaitra Navratri 2026)નો તહેવાર ઘણા જ ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો નવરાત્રિના પહેલા અને આખરી દિવસે ઉપવાસ રાખે છે. કેટલાક લોકો તમામ 9 દિવસનું વ્રત રાખે છે અને નવમા દિવસે કન્યા પૂજન કરે છે. આ માટે એક વિશેષ પ્રસાદ થાળ તૈયાર કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને હરિયાણા ઉપરાંત ગુજરાતમાં પણ ઘણા લોકો કન્યા પૂજન કરે છે.

Kanya Pujan Prasad, ખીર, કાળા ચણા, હલવો, નવદુર્ગા

નવદુર્ગાના સ્વરુપ સમાન કન્યા પૂજન માટેનો પ્રસાદ થાળ

આ માટે એક વિશેષ પ્રસાદ થાળ (Prasad Thal) તૈયાર કરવામાં આવે છે. એમાં ચણા, હલવા અને પૂરીની વાનગીઓનો સમાવેશ થાય છે. કેટલાક લોકો વળી હલવાના સ્થાને ખીર પૂરી અને ચણા પણ ખવડાવે છે. આ સંજોગોમાં, જો તમે પ્રથમ વાર જ કન્યા પૂજન કરવા જઇ રહ્યા હો તો અહિં તમને કન્યા પૂજન માટેનો પ્રસાદ થાળ બનાવવાની સરળ રેસિપી દર્શાવવા જઇ રહ્યાં છીએ. આ વિધિથી તમે અત્યંત ઝડપથી સ્વાદિષ્ટ પ્રસાદ બનાવીને નવદુર્ગાના નવ સ્વરુપો સમાન નાનકડી કન્યાઓને ભાવથી જમાડી શકો છો. તો ચાલો જોઇએ આ અંગેની રેસિપી…

શી રીતે બનાવીશું કન્યા પૂજન પ્રસાદ થાળી (Kanya Pujan Prasad)?

આ માટેના વિશેષ પ્રસાદ થાળમાં ચણા, હલવા અથવા ખીર અને પૂરીની વાનગીઓનો સમાવેશ થાય છે.

Kanya Pujan Prasad, ખીર, કાળા ચણા, હલવો, નવદુર્ગા

સોજી હલવાની રેસિપી (Suji Halwa Recipe)

મોટા ભાગના લોકો સોજીનો હલવો બનાવતા હોય છે જે ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. એને બનાવવા માટે,

1. તમારી અવશ્યકતા અનુસાર સમાન માત્રામાં ઘી અને સોજી લઇને એને શેકી લો.

2. જો તમે ઇચ્છો તો ઘી ઓછું-વત્તુ કરી શકો છો.

3. સોજીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાની રહેશે.

4. હવે સોજી જેટલી જ ખાંડ (Sugar) લો અને એથી ત્રણ ગણું પાણી એમાં મિક્સ કરો અને ગૅસ પર થવા મૂકો.

5. ખાંડ અને પાણી ઓગળે ત્યાં સુધી એને થવા દો.

6. હવે એમાં ઇલાયચી પાવડર અને કેસર (Cardamom powder and Saffron) મિક્સ કરી દો.

7. ઇલાયચી અને કેસરયુક્ત પાણીને શેકેલી સોજીમાં ઉમેરીને ધીમે-ધીમે સતત હલાવતા રહીને હલવાને ઘટ્ટ થવા દો.

8. હલવો તૈયાર થઇ જાય અને ઘી છૂટું પડવા લાગે ત્યારે એની ઉપર બદામ, કાજૂ અને કિશમિશ (Dry Fruits)ની કતરણથી સજાવી લો.

તૈયાર છે તમારો સ્વાદિષ્ટ સોજીનો હલવો…

Kanya Pujan Prasad, ખીર, કાળા ચણા, હલવો, નવદુર્ગા

કાળા ચણાની રેસિપી ((Kala Chana Recipe) 

કન્યા પૂજન માટે કાળા ચણાનો વપરાશ કરવામાં આવે છે. એને બનાવવા માટે,

1. કાળા ચણાને આખી રાત પાણીમાં ભીંજાવીને રાખો.

2. સવારે એને ધોઇને જરુર પૂરતું પાણી ઉમેરીને નરમ થાય ત્યાં સુધી ઉકાળી લો.

3. હવે ચણામાંથી તમામ પાણીને દૂર કરી દો.

4. ગૅસ પર એક તાવડી કે પૅન રાખીને એમાં પ્રમાણસર સરસિયું (Mustard Oil) અથવા તો અન્ય તેલ ગરમ કરવા મૂકો.

5. હવે તેલ ગરમ થાય એટલે એમાં આખુ જીરું, હીંગ અને બારીક સમારેલા લીલા મરચા ઉમેરી દો.

6. હવે એમાં હળદર, ધાણાજીરું પાવડર ઉમેરીને બાફેલા ચણા મિક્સ કરી દો.

7. ચણામાં સ્વાદાનુસાર મીઠું (Salt) ઉમેરીને હળવા ફ્રાય થવા દો અને એ થઇ જાય એટલે એમાં બારીક સમારેલી તાજી કોથમીર ભભરાવી દો.

તો તૈયાર છે તમારા સાદા મસાલાયુક્ત સ્વાદિષ્ટ કાળા ચણા…

પૂરીની રેસિપી (Puri Recipe)

1. પૂરી બનાવવા માટે ઘઉંના લોટ (Wheat Flour)માં 1 ચમચી ઘી અથવા તેલ મિક્સ કરો. સ્વાદાનુસાર મીઠું ઉમેરવું.

2. મોણ ઉમેરવાથી પૂરીઓ નરમ બને છે. હવે લોટ સરસ રીતે બાંધી લેવો અને થોડી વાર સેટ થવા રહેવા દેવો.

3. અહિં ધ્યાન રાખવાની બાબત એ છે કે પૂરીઓનો લોટ થોડો સખત હોવો જરુરી છે.

4. લોટને રેસ્ટ આપ્યા બાદ, એના નાના-નાના લુવા બનાવી લો.

5. લુવા પર થોડું તેલ લગાવી લેવું પછી એમાંથી પૂરીઓ વણી લો.

6. એક તરફ એક તાવડીમાં તેલ ગરમ કરવા માટે મૂકી દેવું.

7. તેલ ગરમ થાય એટલે પૂરીઓને એમાં ફ્રાય કરી લેવી.

તો તૈયાર છે પ્રસાદ થાળ માટેની ગરમા-ગરમ પૂરીઓ…

Kanya Pujan Prasad, ખીર, કાળા ચણા, હલવો, નવદુર્ગા

ખીરની રેસિપી (Kheer Recipe)

જો તમે કન્યા પૂજનમાં હલવાના સ્થાને ખીર (Kheer) બનાવવા ઇચ્છતા હો તો,

1. સૌપ્રથમ ખીર માટેના 1 વાડકી ચોખાને ધોઇને પાણીમાં પલાળી રાખવા.

2. હવે આ ચોખાને કૂકરમાં પાણી ઉમેરીને રાંધી લો. આમાં નોર્મલ ભાત કરતા આમાં વધારે સીટી વગાડવી.

3. જ્યાં સુધી ભાત (Rice) બને ત્યાં સુધી 1 લિટર દૂધ એક તપેલામાં ઉકાળવા માટે ગૅસ પર મૂકી દો.

4. હવે દૂધને વચ્ચે-વચ્ચે હલાવતા રહીને દૂધને ઘટ્ટ કરી લો.

5. જ્યારે કૂકરનું પ્રેશર દૂર થઇ જાય ત્યારે એમાં બની ગયેલા ભાતને દૂધ (Milk)માં ઉમેરી દેવા.

6. દૂધ અને ચોખા મિક્સ થાય ત્યાં સુધી ખીરને પકાવવી.

7. ઘટ્ટ અને એકરસ બને, ત્યારબાદ એમાં સ્વાદાનુસાર ખાંડ, વાટેલી ઇલાયચી અને સૂકા મેવાની કતરણ ઉમેરી લો.

તો તૈયાર છે સૌની મનપસંદ ખીર…તમે એને પ્રસાદ તરીકે હળવી ગરમ અથવા તો એકદમ ઠંડી કરીને સર્વ કરી શકો છો.


આ પણ વાંચો: નાસ્તામાં બનાવો ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા…વજન પણ નહિં વધે અને સ્વાદ પણ સંતોષાશે…હૅલ્ધી રેસિપી..!

આ પણ વાંચો:  મસ્ત વઘારવાળી કઢી બનાવો, આ રેસિપીથી!…બધા આંગળા ચાટી જશે!

આ પણ વાંચો: શી રીતે બનાવવો મોંમાં ઓગળી જાય એવો દૂધીનો હલવો? જબરદસ્ત સ્વાદિષ્ટ રેસિપી…