Gujarat News : ગુજરાતમાં CET પરીક્ષા (CET Exam)ના આધારે ધોરણ 6થી 12 સુધીના વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલોમાં પ્રવેશ આપવાની રાજ્ય સરકારની નીતિ સામે હવે વિરોધના સ્વર ઉઠ્યા છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતે શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા (Pradyuman Vaja)ને પત્ર લખીને સમગ્ર નીતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવાની માંગ કરી છે.
મહાસંઘનું કહેવું છે કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાંથી અલગ કરીને ખાનગી સંચાલિત નિવાસી શાળાઓમાં મોકલવાથી સરકારી શાળાઓનું શૈક્ષણિક વાતાવરણ અને વિદ્યાર્થીઓની સંખ્યા પર લાંબા ગાળે અસર પડી શકે છે. સંગઠનના મતે સરકારે ખાનગી સંસ્થાઓને પ્રોત્સાહન આપવાના બદલે સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવા વધુ રોકાણ કરવું જોઈએ.
ખર્ચના તફાવત પર પણ ઉઠાવ્યા પ્રશ્નો
મહાસંઘે રજૂઆતમાં જણાવ્યું છે કે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલો (Gyan Shakti Residential School)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકાર પ્રતિ વિદ્યાર્થી નોંધપાત્ર સહાય આપે છે. ધોરણ 6થી 8 માટે રૂ. 20 હજાર, ધોરણ 9 અને 10 માટે રૂ. 22 હજાર તેમજ ધોરણ 11 અને 12 માટે રૂ. 25 હજાર સુધીની સહાય આપવામાં આવે છે. તેની સામે સરકારી શાળાઓમાં પ્રતિ વિદ્યાર્થી થતો ખર્ચ ઘણો ઓછો હોવાનું સંગઠનનું કહેવું છે.
માત્ર CETના આધારે પ્રતિભા નક્કી કરવી યોગ્ય નહીં
સંગઠને CET પરીક્ષાને આધારે “પ્રતિભાશાળી વિદ્યાર્થી”ની વ્યાખ્યા નક્કી કરવાની પદ્ધતિ સામે પણ સવાલ ઉઠાવ્યા છે. તેમના મત મુજબ, માત્ર એક પરીક્ષાના ગુણોના આધારે વિદ્યાર્થીઓની ક્ષમતા માપવી યોગ્ય નથી. આવી વ્યવસ્થા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (Education Policy)માં સમાવિષ્ટ સમાનતા અને સમાવેશના સિદ્ધાંતોને અસર કરી શકે છે.
સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ
શૈક્ષિક મહાસંઘે સરકાર સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ મૂકી છે.
- CET આધારિત પ્રવેશ નીતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવામાં આવે.
- ખાનગી સંસ્થાઓને આપવામાં આવતી પ્રોત્સાહક જોગવાઈઓ પર પુનર્વિચાર કરવામાં આવે.
- સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વધુ નાણાકીય રોકાણ કરવામાં આવે.
- વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સમાન શિક્ષણને ધ્યાનમાં રાખીને નવી નીતિ તૈયાર કરવામાં આવે.
આ મુદ્દે હવે શિક્ષણ ક્ષેત્રમાં ચર્ચા તેજ બનવાની શક્યતા છે. એક તરફ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિશેષ શૈક્ષણિક તકો ઉપલબ્ધ કરાવવાનો સરકારનો પ્રયાસ છે, જ્યારે બીજી તરફ સરકારી શાળાઓને મજબૂત રાખવા અને સમાન શિક્ષણ વ્યવસ્થા જાળવવાની માંગ પણ જોર પકડી રહી છે.
