Amreli News : અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામમાં 37 દિવસ પહેલાં થયેલી એક યુવકની હત્યાનો ભેદ આખરે પોલીસે ઉકેલી કાઢ્યો છે. દારૂના નશામાં વારંવાર ઘરમાં ઝઘડો કરી માતા પાસે અભદ્ર માગણી કરતો પુત્ર પરિવાર માટે અસહ્ય બનતા પિતાએ ગુસ્સામાં ગળાટૂંપો આપી તેની હત્યા (Murder) કરી હતી અને લાશને પોતાના જ ખેતરમાં દાટી દીધી હતી. પાડોશીએ ખેતરમાં કંકાલ જેવું કંઈક દેખાતાં પોલીસને ફોન કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
દારૂના નશામાં રોજ બબાલ કરતો હતો પુત્ર

ભાડેર ગામમાં રહેતા ખેતી કામ કરતા વશરામ સેંજળિયાના બે પુત્રો છે. એક પુત્ર રાજકોટમાં રહે છે, જ્યારે 25 વર્ષીય હિતેશ તેમના સાથે રહેતો હતો. હિતેશને દારૂ પીવાની લત હતી અને તે રોજ દારૂ પી ઘરે આવીને માતા સાથે ઝઘડો કરતો હતો.
ગત 24 નવેમ્બર 2025ના રોજ પણ હિતેશ દારૂના નશામાં ઘરે આવી માતા સાથે ઝઘડો કરી અભદ્ર માગણી કરવા લાગ્યો હતો. તે સમયે પિતા વશરામ સેંજળિયા વચ્ચે પડ્યા અને પુત્રને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હિતેશે હદ પાર કરી દેતાં ગુસ્સામાં વશરામે ઘરમાં જ પુત્રનું ગળાટૂંપો આપી હત્યા (Murder)કરી દીધી હતી.
લાશ ખેતરમાં દાટી, પરિવાર સામાન્ય જીવન જીવતો રહ્યો
હત્યાના બાદ વશરામે પુત્રની લાશ પોતાના ખેતરના સેંઢે લઈ જઈ ખાડો ખોદીને દાટી દીધી હતી. ત્યારબાદ પરિવાર સામાન્ય રીતે જીવન જીવતો રહ્યો, જેથી કોઈને શંકા ન ગઈ.
પાડોશીની જાણથી ખુલ્યો Murder નો ભેદ
31 ડિસેમ્બરના રોજ વશરામના ખેતરની બાજુના ખેતરમાલિકે સેંઢે કંકાલ જેવું કંઈક દેખાતાં ધારી પોલીસને ફોન કરીને જાણ કરી હતી. પહેલી જાન્યુઆરીની વહેલી સવારે પોલીસ ટીમ ગામે પહોંચી અને પંચોની હાજરીમાં ખોદકામ કરતાં જમીનમાં દાટી રાખેલી લાશ મળી આવી હતી.
શરૂઆતમાં ગોળગોળ જવાબ, પછી કબૂલાત

યુવકની ડિકમ્પોઝ હાલતમાં લાશ મળતા તેને ભાવનગર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી. પરિવારની પૂછપરછ દરમિયાન શરૂઆતમાં વશરામ સેંજળિયાએ પોલીસને ગોળગોળ જવાબ આપ્યા, પરંતુ બાદમાં ભાંગી પડ્યા અને પોતે જ પુત્રની હત્યા (Murder) કરી હોવાની કબૂલાત આપી હતી.
પોલીસનું નિવેદન
આ અંગે ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, “પાડોશીના ફોન બાદ અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી. જમીનમાં અડધું દટાયેલું કંકાલ મળ્યું હતું. પૂછપરછ દરમિયાન પિતાએ શરૂઆતમાં ટાળટૂળ કરી, પરંતુ બાદમાં હત્યા (Murder)ની કબૂલાત આપી.”
હાલ ધારી પોલીસે આરોપી વશરામ સેંજળિયાની હત્યા (Murder) ના ગુનામાં ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
