જકાર્તા,
ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યું છે. ગેમ્સના ૧૨માં દિવસે ભારતીય મહિલા ખેલાડીઓએ ૪ X ૪૦૦ મિક્સ રિલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ મહિલા ખેલાડીઓમાં હિમાં દાસ, પોવામ્માં રાજુ, વિસ્માયા કોરોથા, અને સરિતા ગાયકવાડ શામેલ છે.
જો કે આ ખેલાડીઓમાં શામેલ સરિતા ગાયકવાડ એ ગુજરાતના ડાંગની રહેવાસી છે અને તેને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી રાજ્યનો ડંકો વગાડ્યો છે.
સરિતા ગાયકવાડ અંગે વાત કરવામાં આવે તો તે ડાંગ જિલ્લામાં વસતા એક ગરીબ પરિવારની દીકરી છે. સરિતા એક ખેતીમાં મજુરી કામ કરતા પરિવારમાંથી આવે છે અને તેને પોતાના ટેલેન્ટ દ્વારા ગોલ્ડ જીતી રાજ્યનું નામ રોશન કર્યું છે.
આ પહેલા સિલેક્શન સમિતિ AFI દ્વારા એશિયન ગેમ્સમાં રમાનારી તમામ રમતો માટે કુલ ૨૩ પુરુષ અને ૨૮ મહિલા ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. આ ખેલાડીઓમાં ગુજરાતના ડાંગ જિલ્લાની મહિલા એથ્લેટ્સ સરિતા ગાયકવાડનું એશિયન ગેમ્સની ૪ x ૪૦૦ મીટર વુમન રિલેની ટીમમાં સમાવેશ કરાયો હતો.
સરિતા ગાયકવાડનું કેરિયર
ગુજરાતના ડાંગ જિલ્લામાંથી આવતી સરિતા ગાયકવાડે પોતાના કેરિયરની શરૂઆત ખો-ખોથી કરી હતી. જો કે ત્યારબાદ સરિતાએ તેના એથ્લેટ્સ તરીકેની કારકિર્દી ૨૦૧૨m ખેલ મહાકુંભથી કરી હતી.આ ખેલમાં તે પ્રથમ ૪ x ૪૦૦ રિલે દોડમાં પહેલા સ્થાને આવી હતી.
જો કે ત્યારબાદ ઇન્ટર યુનિવર્સીટી નેશનલ લેવલ એથ્લેટ્સ ટુર્નામેન્ટમાં વર્ષ ૨૦૧૪-૧૫માં બ્રોન્ઝ મેડલ, ૨૦૧૫-૧૬માં સિલ્વર મેડલ અને ૨૦૧૬-૧૭માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નેશનલ લેવલ એથ્લેટ્સ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન બાદ એશિયન ચેમ્પિયનશીપની ૪૦૦ મીટર રેસમાં ભારતની અગુવાઈ કરી હતી.
જકાર્તામાં રમાનારી એશિયન ગેમ્સ પહેલા સરિતા ગાયકવાડે હાલમાં આ ગેમ્સના ટ્રાયલમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી, ત્યારે હવે તેઓની એશિયન ગેમ્સમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.