સુરેન્દ્રનગર/ સાયલાના નાગડકા ગામે પૈસાની લેતીદેતી મુદ્દે ફાયરીંગ પુત્ર ની હત્યા.,માથામાં કુહાડીનો ઘા ઝીંકાતાં પિતા ઘાયલ..

સાયલા તાલુકાના નાગડકા ગામમાં પૈસાની લેતી દેતીની તકરારમાં થયેલા ડખાનો અંત લોહીયાળ આવ્યો હતો

Gujarat
Untitled 253 સાયલાના નાગડકા ગામે પૈસાની લેતીદેતી મુદ્દે ફાયરીંગ પુત્ર ની હત્યા.,માથામાં કુહાડીનો ઘા ઝીંકાતાં પિતા ઘાયલ..

સાયલા તાલુકાના નાગડકા ગામમાં પૈસાની લેતી દેતીની તકરારમાં થયેલા ડખાનો અંત લોહીયાળ આવ્યો હતો. હાથ ઉછીના આપેલા પૈસા પરત માંગતા સોમવારે ઘસી આવેલા 5 શખ્સોએ ફાયરીંગ કરીને પુત્રની હત્યા કરી દિધી હતી. જયારે પિતાને માથામાં કુહાડીનો ઘા ઝીંકતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડયા હતા. હત્યાના બનાવને પગલે સાયલા પંથકમાં ચકચાર ફેલાઇ હતી.

સાયલા પંથકમાં ખળભળાટ મચાવનાર હત્યાના બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ નાગડકા ગામે રહેતા સુરેશભાઇ શાર્દુલભાઇ જેબલીયાએ ગામમાં જ રહેતા ઉદયભાઇ ધાધલને ઉછીના પૈસા આપ્યા હતા. આ પૈસાની સુરેશભાઇએ ઉઘરાણી કરી હતી. આથી બંને વચ્ચે બોલાચાલી થતા મામલો બીચકયો હતો. દરમિયાન સોમવારે ઉદયભાઇ અને તેમના ભાઇ રવુભાઇ વલકુભાઇ ધાધલ, મુનાભાઇ ઉર્ફે પ્રતાપભાઇ વલકુભાઇ ધાધલ, દિલીપભાઇ નનકુભાઇ ખાચર, ગભરૂભાઇ ખાચર એક સંપ કરીને સુરેશભાઇ જેબલીયા સાથે બોલાચાલી કરી હતી. જેમાં ઉશ્કેરાયેલા ઉદયભાઇ ધાધલે બંદુકમાંથી એક ફાયરીંગ કરતા સુરેશભાઇ જેબલીયાને છાતી તથા પડખામાં ઇજા થતા ઢળી પડયા હતા. બાદમાં આરોપીઓએ સુરેશભાઇ જેબલીયાના પિતા શાર્દુલભાઇને માથાના ભાગે કુહાડીનો ઘા ઝીંકી દિધો હતો. આથી તેઓ પણ લોહી લુહાણ હાલતમાં પડી ગયા હતા.

દેકારો બોલતા આજુબાજુમાંથી બીજા લોકો દોડી આવતા આરોપીઓ ભાગી ગયા હતા. ઘાયલ સુરેશભાઇ અને તેમના પિતાને સારવાર માટે તાબડતોબ સાયલા લાવવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે સુરેશભાઇને મૃત જાહેર કર્યા હતા. જયારે તેમના પિતાને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. સુરેશભાઇની લાશની પીએમ માટે રાજકોટ મોકલી આપવામાં આવી હતી. બનાવની ગંભીરતાને પામી હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડે અને હજુ પણ અથડામણ ન થાય તે માટે ગામમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હત્યાના આ બનાવ અંગે મૃતક સુરેશભાઇના કાકા ભોજભાઇ આપભાઇ જેબલીયાએ ઉદયભાઇ ધાધલ, ગભરૂભાઇ ખાચર, રવુભાઇ ધાધલ, મુન્નાભાઇ ઉર્ફે પ્રતાપભાઇ ધાધલ અને દિલીપભાઇ ખાચર વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. જેને લઇને આરોપીઓને પકડવા માટે પોલીસે દોડધામ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે સાયલા પંથકના ગામડાઓમાં સામાન્ય બાબતે પણ હત્યા જેવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આ વધુ એક લોહીયાળ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઇ છે.