સુરેન્દ્રનગર/ પાટડી પથંકના પાંચ રસ્તાઓ રૂ. 61.03 કરોડના ખર્ચે નવા બનશે

દસાડા-લખતર મતવિસ્તારના ધારાસભ્યના પ્રયાસથી પાટડી પથંક અને સુરેન્દ્રનગરના પાંચ રસ્તાઓ રૂ. 61.03 કરોડના ખર્ચે નવા બનવાના કામને મંજૂરી મળતા લોકોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે

Gujarat
13 18 પાટડી પથંકના પાંચ રસ્તાઓ રૂ. 61.03 કરોડના ખર્ચે નવા બનશે

દસાડા-લખતર મતવિસ્તારના ધારાસભ્યના પ્રયાસથી પાટડી પથંક અને સુરેન્દ્રનગરના પાંચ રસ્તાઓ રૂ. 61.03 કરોડના ખર્ચે નવા બનવાના કામને મંજૂરી મળતા લોકોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે. જેમાં દૂધરેજ-બેચરાજી રોડ, ગવાણા-પાનવા રોડ, વઢવાણ-વડેખણ રોડ, ધણાદ-વણા રોડ અને આદરીયાણા-પાડીવાડા રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દસાડા વિધાનસભા મતવિસ્તારના વિવિધ ગ્રામજનોની અનેકવિધ રજૂઆતોને ધ્યાનમાં રાખીને દસાડા-લખતર મતવિસ્તારના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીની સરકારમાં ધારદાર રજૂઆતને લઇને દસાડા મતવિસ્તારમાં માળખાકીય સુવિધાઓમાં વધારો કરતા વિવિધ પાંચ રસ્તાઓ માટે રૂ. 61.03 કરોડના કામો માટે મંજૂરીની મહોર લાગતા આ વિસ્તારના લોકોમાં અને આ રસ્તેથી પસાર થતાં વાહનચાલકોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.

‌આ અંગે વિગતવાર માહિતી આપતા ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ જણાવ્યું કે, આ મંજૂર કરાયેલા પાંચ રસ્તાના કામોમાં દૂધરેજ-વણા-માલવણ-પાટડી-બેચરાજી રોડ રૂ. 45 કરોડના ખર્ચે, ગવાણા-બુબવાણા-પાનવા રોડ રૂ.6.30 કરોડના ખર્ચે, વઢવાણ-ઝાંપોદર-વરસાણી-તાવી-તલસાણા-વડેખણ રોડ રૂ. 6.35 કરોડના ખર્ચે નવો બનશે.

જ્યારે ધણાદ-વણા રોડ રૂ. 96 લાખના ખર્ચે અને પાટડી તાલુકાના આદરીયાણા-પાડીવાડા રોડ રૂ. 2.42 કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે. ત્યારે રણકાંઠાન‍ા બિસ્માર રસ્તાઓના લીધે ત્રાહિમામ પોકારી ઉઠેલા વાહનચાલકોમાં અને તાલુકા વાસીઓમાં ખુશીની લહેર દોડી જવા પામી છે. બીજી બાજુ ખારાઘોડા-ફુલકી રોડનું રૂ. 9 કરોડના ખર્ચે બની રહેલા રોડનું કામ અકસ્માતના પગલે બંધ કરવામાં આવ્યું હતુ. એ કામ તાકીદે શરૂ કરવામાં આવે એવી વ્યાપક માંગ પાટડી નગરજનોએ ઉઠાવી છે.