વરસાદ બન્યો આફત/ બે ખેડૂતોએ 18 કલાક વીજ થાંભલાનો સહારો લીધો; IAF એ બચાવ કર્યો

ભારતીય વાયુસેનાએ વરસાદમાં ફસાયેલા કેશોદ તાલુકાના બે ખેડૂતોને એરલિફ્ટ કર્યા હતા.

Top Stories Gujarat Others
ભારતીય વાયુસેનાએ વરસાદમાં ફસાયેલા કેશોદ તાલુકાના બે ખેડૂતોને એરલિફ્ટ કર્યા હતા.

રીપોર્ટરઃ @ચેતન પરમાર, કેશોદ, જુનાગઢ

ગુજરાતના જૂનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ (Keshod) તાલુકાના સુત્રેજ ગામમાં રહેતા બે ખેડૂતો માટે આફત બની હતી.

બંને ખેડૂતોને એરલિફ્ટ કરવામાં આવ્યા
આ ઘટના અંગે વિગતો આપતાં જીલ્લા કલેકટર અનિલ રાણાવાસિયાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે કેશોદ તાલુકાના સુત્રેજ ગામ (Sutrej village) પાસે પાણી ભરાઈ જતાં ફસાયેલા બે લોકોને બચાવવા જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રે એરફોર્સ હેલિકોપ્ટરની મદદ લીધી હતી.

બંને ખેડૂતોને વાયુસેનાના અધિકારીઓ દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સરપંચે ખેતરમાં ન જવાનો આદેશ જારી કર્યો હોવા છતાં અને પૂરને કારણે ઘરે પરત ફરી શક્યા ન હોવા છતાં બંને ખેડૂતો શુક્રવારે સાંજે તેમના ખેતરોમાં ગયા હતા.

ખેડૂતોએ વીજ થાંભલાનો સહારો લેવો પડ્યો હતો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પૂરથી બચવા માટે બંને લોકોએ ઈલેક્ટ્રીક પોલનો સહારો લેવો પડ્યો હતો. જ્યારે સ્થાનિક અધિકારીઓને બે ખેડૂતોના ફસાયેલા હોવાની માહિતી મળી, ત્યારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ તેમને બચાવવાનો નિર્ણય લીધો. જો કે, NDRFની ટીમ બંનેને બચાવવામાં નિષ્ફળ રહી હતી.

બંનેને જામનગર એર સ્ટેશન લઈ જવાયા હતા
આ પછી, આખરે, ભારતીય વાયુસેનાની મદદ લેવામાં આવી અને બંનેને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા. નોંધપાત્ર વાત એ છે કે, પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે એરફોર્સની ટીમને પણ બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બંનેને હેલિકોપ્ટરની મદદથી જામનગર એરસ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને ખેડૂતોને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા.