હિંસા/ લાહોરમાં પોલીસ અને ટીએલપી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં પોલીસ કર્મી સહિત 4નાં મોત

લાહોરમાં પોલીસ અને ઇસ્લામી સંગઠન તહરીક-એ-લબૈક સમર્થકો વચ્ચેની અથડામણમાં બે પોલીસકર્મીઓ સહિત ચાર લોકો માર્યા ગયા હતા

Top Stories World
LAHOR લાહોરમાં પોલીસ અને ટીએલપી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં પોલીસ કર્મી સહિત 4નાં મોત

પાકિસ્તાનના લાહોરમાં શુક્રવારે હિંસા ફાટી નીકળી હતી.અહીં પોલીસ અને ઇસ્લામી સંગઠન તહરીક-એ-લબૈક સમર્થકો વચ્ચેની અથડામણમાં બે પોલીસકર્મીઓ સહિત ચાર લોકો માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 15 લોકો ઘાયલ પણ થયા છે. તેમની હાલત નાજુક છે.

કટ્ટરપંથી ઈસ્લામવાદી તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP)ના કાર્યકરોએ લાહોરથી ઈસ્લામાબાદ સુધી રેલી શરૂ કરી હતી. જેમાં પાકિસ્તાન સરકાર તરફથી તેમના નેતા સાદ રિઝવીને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી, જેની ફ્રાન્સ સામે વિરોધ પ્રદર્શન માટે ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી.

સુરક્ષા દળોએ ટીએલપી કાર્યકરો પર 2,500 ટીયર ગેસના શેલ છોડીને ઈસ્લામાબાદ તરફ આગળ વધતા રેલીને રોકવાનો પ્રયાસ કર્યા પછી ભીડ હિંસક થઈ ગઈ. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટીએલપી કાર્યકરો સાથેની અથડામણમાં બે પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યો હતો. તે જ સમયે, TLPએ પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયેલા તેના બે કાર્યકરોના મૃતદેહોના ફોટા શેર કર્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 15 ઘાયલોની હાલત ગંભીર છે.

TLP કાર્યકર્તાઓ બુધવારથી લાહોરના યતિમ ખાના ખાતેના મુખ્યાલયની બહાર ધરણા કરી રહ્યા છે અને રિઝવીની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે. આ સાથે જ તેઓ સરકાર પર ફ્રેન્ચ રાજદૂતની હકાલપટ્ટી અંગે સંગઠન સાથે કરાર લાગુ કરવા દબાણ કરી રહ્યા છે.