આજથી એટલે કે ભાદરવા મહિનાની પૂર્ણિમાથી પિતૃપક્ષની શરૂઆત થાય છે. તમને જણાવી દઈએ કે, પિતૃપક્ષ આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ સુધી ચાલે છે. પિતૃપક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. પિતૃપક્ષમાં પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. આ દરમિયાન પૂર્વજો સંબંધિત કામ કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને પૂર્વજોને મોક્ષ મળે છે. આ વર્ષે પિતૃપક્ષ આજથી એટલે 20 સપ્ટેમ્બર 2021થી શરૂ થયુ છે અને 6 ઓક્ટોબરે સમાપ્ત થશે. ત્યારે આજે અહીં આપણે પિતૃપક્ષ શ્રાદ્ધ-વિધિ, તિથિ, તેનું મહત્વ અને પૂજા સામગ્રી અંગે જાણીશું.
ઉલ્લેખનીય છે કે, વ્યક્તિના મૃત્યુની તિથિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે. જો તમને તમારા પિતૃની તિથિ અંગે જાણકારી ન હોય તો તમે અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકો છો. આ દિવસે સર્વપિતૃ શ્રાદ્ધ યોગ માનવામાં આવે છે.
પિતૃપક્ષનું મહત્વ
– પિતૃપક્ષમાં પૂર્વજો સંબંધિત કાર્ય કરવાથી વ્યક્તિનું જીવન સુખમય રહે છે.
– આ દરમિયાન પૂર્વજો પ્રસન્ન થાય છે શ્રાદ્ધ તર્પણ કરવાથી આશીર્વાદ આપે છે.
– પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે શ્રાદ્ધ અને તર્પણ કરવું શુભ છે.
શ્રાદ્ધની વિધિ
– શ્રાદ્ધ વિધિઓ (પિંડ દાન, તર્પણ) વિદ્વાન બ્રાહ્મણ દ્વારા કરાવવી જોઈએ.
– શ્રાદ્ધ કર્મમાં બ્રાહ્મણોને દાન આપવામાં આવે છે, પરંતુ જો તમે કોઈ ગરીબ, જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરી શકો, તો ઘણું પૂણ્ય મળે છે.
– સાથે જ ખોરાકનો એક ભાગ પક્ષીઓ, ગાય, કૂતરા, કાગડા માટે મૂકવો જરૂરી છે.
– શક્ય હોય તો શ્રાદ્ધ ગંગા નદીના કિનારે કરવું જોઈએ. જો આમ શક્ય ન હોય તો ઘરે પણ શ્રાદ્ધ કરી શકાય છે. શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું અને ત્યારબાદ તેમને દાન આપવું.
શ્રાદ્ધ પૂજા બપોરે શરૂ કરવી જોઈએ. આ દરમિયાન બ્રાહ્મણની મદદથી મંત્રનો જાપ કરો અને પૂજા બાદ જળથી તર્પણ કરો. બાદમાં જે ભોગ લગાવવામાં આવે તેમાંથી ગાય, કૂતરું, કાગડાનો ભાગ અલગ કરી દો. તેમને ભોજન આપતી વખતે પોતાના પૂર્વજોને યાદ કરવા જોઈએ. મનમાં પોતાના પિતૃઓને શ્રદ્ધ ગ્રહણ કરવા માટે વિનંતી કરવી જોઈએ.
શ્રાદ્ધ પૂજા માટેની સામગ્રી
સિંદૂર, નાની સોપારી, રક્ષા સૂત્ર, ચોખા, જનોઈ, કપૂર, હળદર, દેશી ઘી, માચીસ, મધ, કાળા તલ, તુલસીના પાન, પાનના પત્તા, જવ, હવન સામગ્રી, ગોળ, માટીનો દીવો, કપાસ, અગરબત્તી, દહીં, જવનો લોટ, ગંગાજળ, ખજૂર, કેળા, સફેદ ફૂલ, અડદ, ગાયનું દૂધ, ઘી, ખીર, ચોખા, મગ, શેરડી વગેરે.