Gandhinagar/ વ્યાજખોરી સામે પાસા સહિતની જોગવાઇનો ઉપયોગ કરવાનો DGPનો આદેશ

રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ન આવે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ માટે હાલમાં જ સરકાર દ્વારા કાયદામાં પણ સુધારા કરીને ગુંડા એક્ટ અને પાસા એક્ટમાં વ્યાજખોરીના ગુનાને પણ આવરી લેવામાં આવ્યા છે

Top Stories Gujarat
અબડાસા 1 વ્યાજખોરી સામે પાસા સહિતની જોગવાઇનો ઉપયોગ કરવાનો DGPનો આદેશ
  • વ્યાખોરો ઉપર મનીલેન્ડર્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા જાહેર કરાયો પરિપત્ર 
  • પઠાણી ઉધરાણી કરીને લોકોને પરેશાન કરનારા સામે તાત્કાલીક ફરિયાદ દાખલ કરી પગલાં લેવા આદેશ

રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ન આવે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ માટે હાલમાં જ સરકાર દ્વારા કાયદામાં પણ સુધારા કરીને ગુંડા એક્ટ અને પાસા એક્ટમાં વ્યાજખોરીના ગુનાને પણ આવરી લેવામાં આવ્યા છે. જેથી હવે વ્યાજખોરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને પણ પાસા હેઠળ જેલ હવાલે કરી શકાય છે.

આ અનુસંધાને વ્યાજખોરો દ્વારા વ્યાજના પૈસા માટે થતી લોકોની કનડગત સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જરૂરીયાતમંદ લોકોને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાંનુ ધીરાણ કરીને, બાદમાં ધીરવામાં આવેલ નાણાનું ગેરકાયદેસર રીતે અનેક ગણું વ્યાજ વસૂલવા માટે ધાક –ધમકી આપી બળજબરી કરવામાં આવતી હોવાના ઘણા બનાવો બને છે. ઘણી વખત દેણદારની મિલ્કત પણ બળજબરીથી લખાવી લેવામાં આવે છે. પરિણામે આવા ઘણા બનાવોમાં ભોગ બનનાર દ્વારા આત્મહત્યા કરવા સુધીના પગલાં લેવામાં આવે છે. આ બદીને ડામવા માટે એક ખાસ આદેશ કરીને રાજ્ય પોલીસ વડા શ્રી આશીષ ભાટિયા દ્વારા તમામ જીલ્લા/શહેરની પોલીસને આવા બનાવોમાં તાત્કાલીક ફરિયાદ દાખલ કરી કાયદેસરના પગલાં લેવા જણાવવામાં આવેલ છે.

બળજબરીથી નાણાં વસુલ કરનારાઓ સામે ગુના દાખલ કરીને, સત્વરે આરોપીઓની પુરાવા આધારે ધરપકડ કરવા આદેશ આપવામાં આવેલ છે કે જેથી આરોપી દ્વારા આગોતરા જામીન લેવાની અથવા અદાલત તરફથી તપાસ ઉપર સ્ટે/રાહત મેળવી લેવાની શક્યતા નકારી શકાય. ઘણી વખત વ્યાજખોરો દ્વારા વ્યાજના નાણાની અવેજમાં દેણદારોની મિલકત પણ પડાવી લેવામાં આવતી હોય છે. આવા બનાવોમાં મનીલોન્ડર્સ એક્ટ હેઠળ રજીસ્ટ્રાર દ્વારા આવી મિલકત વ્યાજખોરો પાસેથી કબ્જે કરીને મૂળ માલીકતને પરત અપાવવાની જોગવાઇ છે. આ જોગવાઇ સંદર્ભે પણ રજીસ્ટ્રાર મારફતે કાર્યવાહી કરાવવા તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આવા આરોપીઓ સામે PASA અને The Prevention of Money Laundering Act (PMLA) હેઠળ પણ કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે કે જેથી આવા આરોપીઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિથી વસાવેલી સંપત્તિને પણ ટાંચમાં લઇ શકાય. આવા આરોપીઓનું લીસ્ટ બનાવીને તેમની ગતિવિધી ઉપર વોચ રાખવા માટે પણ સૂચના આપવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો  “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.