ગીર સોમનાથ,
ગીર સોમનાથના ઇન્દ્રોય ગામે વાડીના 150 ફુટ ઉંડા ખુલ્લા કુવામાં ખાબકતા સિંહણ મોતને ભેટી છે. સિંહણ મોતને ભેટી હોવાની ઘટના બહાર આવતા વન્યપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો.
150 પાણી ભરેલ કુવામાં રેસ્કયુ કરી સિંહણના મૃતદેહને વનવિભાગે બહાર કાઢવામાં આવ્યો છે. નોંધનિય છે કે, જોગી તળવા નજીક આવેલ વરસિંગ વીરાભાઇ બારડની વાડીએ ઢોર-ઢાખરને ચારો અને પાણી પવડાવવા વરસીંગભાઇ ગયા હતાં. તે સમયે વાડીના કુવામાંથી કોઇ પ્રાણીના મૃતદેહની દુર્ગઘ આવતા તેમણે વન વિભાગને જાણ કરી હતી.
જેના પગલે વેરાવળ રેંજનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ઘરી હતી. જે અંગે માહિતી આપતા રેંજ આર.એફ.ઓ. એચ.ડી.ગળચરે જણાવેલ કે, સ્ટાફએ વાડીના 150 ફુટ ઉંડા કુવામાં કે જેમાં 50 ફુટ સઘી પાણી ભરેલ હતુ.
તેમાં સિંહણનો મૃતદેહ તરતો હોવાનું માલુમ પડેલ હતુ. જેથી મૃતદેહને બહાર કાઢવા રેસ્કયુ ઓપરેશન હાથ ઘરવામાં આવ્યુ હતું. અને સ્ટાફના એક કર્મચારીને વ્હીલની અંદર બેસાડીને તથા ખાલી ખાટલાને નાળાની દોરી વડે કુવામાં અંદર ઉતારી બે કલાકની જહેમત બાદ મૃતદેહને ખાટલામાં નાંખી બહાર કાઢવામાં આવ્યો હતો.