Dharm & Bhakti: ગોવત્સ દ્વાદશી જેને ‘વત્સ બારસ’ કે ‘બછ બારસ’ (Govatsa Dwadashi) તરીકે પણ ઓળખવામાં આવે છે એનો પ્રારંભ 7 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે 05:03 કલાકે થશે. અને 8 સપ્ટેમ્બરે બપોરે 02:42 કલાકે સમાપન થશે. ઉદયાતિથિના નિયમાનુસાર, બારસની તિથિનો સૂર્યૉદય 8 સપ્ટેમ્બરે હોવાથી આ વ્રત મંગળવાર, 8 સપ્ટેમ્બર 2026 (8 September 2026)ના રોજ મનાવવામાં આવશે.
આજે પાવન ગોવત્સ દ્વાદશી (Govatsa Dwadashi)
ગોવત્સ દ્વાદશીનું પવિત્ર પર્વ 8 સપ્ટેમ્બર 2026 અર્થાત્ આજે મનાવવામાં આવનાર હોવાથી આજે ભારતભરના કૃષ્ણ મંદિરો (Krishna Temples)માં ભગવાનની ગોચર લીલાઓની ઘટમાળ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવશે. આ ઉપરાંત, ગાય અને વાછરડા (Cow & Calf) ની પૂજા આ દિવસે વિશેષ મહત્વની ગણાય છે. આ દિવસે મહિલાઓ પોતાના સંતાન (Child)ના કલ્યાણ માટે વ્રત રાખે છે અને ભગવાન કૃષ્ણની વિધિ-વિધાનપૂર્વક પૂજા કરે છે.

ગોવત્સ દ્વાદશી (Govatsa Dwadashi)ની પૂજા ગોધૂલિ કાળમાં કરવામાં આવે છે અને પ્રતિ વર્ષની જેમ ગાયની અને વાછરડાની પૂજા બાદ, માતાઓ પોતાના પુત્રોને તિલક કરીને લાડુ અથવા અન્ય પ્રસાદ ખાવા આપે છે. જો ગાય ઉપલબ્ધ ન હોય તો માટીના ગાય અને વાછરડાં બનાવીને એમની પૂજા કરવામાં આવે છે.
ગોવત્સ દ્વાદશીની પાવન કથા (Govatsa Dwadashi Katha)
બછ બારસનું પાવન પર્વ એની કથા શ્રવણ કર્યા વિના અધૂરું ગણાય છે. તો ચાલો જાણીએ…ગોવત્સ દ્વાદશીની પાવન કથા…
વત્સ બારસની કથા અનુસાર, એક સાસુ-વહુ હતા. એક દિવસ સાસુમાને જંગલમાં ગાય ચરાવવા જવાનું હતુ અને એ દિવસે જ શ્રાવણ મહિનાની બછ બારસ હતી. સાસુમાએ જતાં-જતાં વહુને કહ્યું કે, “હું જંગલ જઈ રહી છું. તુ ‘ગેહૂંલા’ અને ‘જૌલા’ને ઉકાળી રાખજે”…
વાસ્તવમાં ‘ગેહૂંલા’ અને ‘જૌલા’ (ઘઉં અને જવ) ગાયના વાછરડાના નામ હતા. વહુ તો ચિંતામાં પડી ગઇ કે સાસુમાએ વાછરડા ઉકાળવાનું કેમ કહ્યું? પરંતુ સાસુમાની આજ્ઞા હોવાથી નાસમજ વહુએ તો ઘઉં અને જવના દાણાના સ્થાને વાછરડાને જ ઉકાળી દીધા!!
જ્યારે ગાય ચરાવીને સાસુમા પાછી ફરી ત્યારે વહુને કહ્યું કે, “વહુ…આજે બછ બારસ (Govatsa Dwadashi) છે તો ‘ગેહૂંલા’ અને ‘જૌલા’ ને છોડી દે…પહેલા ગાય અને વાછરડાની પૂજા કરીશું.” આ સાંભળતાવેંત વહુ ડરના કારણે કાંપવા લાગી અને મનમાં આર્દ્ર ભાવે ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે, “હે બછ બારસ માતા…મારી લાજ રાખજે!”

વહુના સાચી પ્રાર્થના સાંભળીને બછ બારસ માતા પ્રસન્ન થઈ અને હાંડીને તોડીને ગાયના બંને વાછરડા જીવતા બહાર આવી ગયા…પરંતુ વાછરડાના ગળામાં હાંડીના ટુકડા લટકતા જોઈને સાસુમાએ પૂછ્યું કે, “વહુ…આ શું છે?”
ત્યારે વહુએ રડતા-રડતા સાસુમાને તમામ હકીકત જણાવી દીધી અને કહયું કે, “સાસુમા! બછ બારસ માતાએ મારી લાજ રાખી લીધી…ભગવાને મારું સત રાખ્યું અને વાછરડાને જીવતદાન મળ્યું!”
એવું કહેવાય છે કે, આ જ કારણથી ગોવત્સ દ્વાદશી (Govatsa Dwadashi)ના દિવસે ઘઉં, ગાયનું દૂધ (Cow Milk) અને એના બનેલા ઉત્પાદનોનું સેવન કરવામાં આવતું નથી. આ ઉપરાંત, આ દિવસે ચાકુ અથવા કોઈ પણ ધારદાર વસ્તુથી કાપેલા ફળ કે શાકભાજીનું સેવન પણ વર્જીત માનવામાં આવે છે.
આ દિવસે પૂજા કરતા પ્રાર્થના કરવી કે, ‘હે વત્સ બારસ માતા…જે રીતે તમે સાસુ-વહુની લાજ રાખી એ જ રીતે અમારા સૌ પર કૃપા વરસાવજો!”
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: શું ભગવાન શ્રીકૃષ્ણની ખરેખર 16,108 રાણીઓ હતી? જાણીએ આની પાછળનું રહસ્ય અને કથા..!
આ પણ વાંચો: ભારતવર્ષમાં દ્વારિકાથી કુરુક્ષેત્ર સુધી…ભગવાન શ્રી કૃષ્ણના ઐતિહાસિક સાક્ષ્ય વિશે જાણીએ…
આ પણ વાંચો: મોહ અને ભ્રમમાં ફસાયેલા અર્જુનને શ્રીકૃષ્ણે કેવી રીતે આપ્યું કર્તવ્યનું જ્ઞાન? વાંચો આ પ્રેરણાદાયી પ્રસંગ
