Lifestyle: લીલા મરચાનું અથાણું…શિયાળામાં સૌ કોઇ લિજ્જતથી ખાય છે. લીલા મરચા ખાવા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક ગણાય છે પરંતુ એને અમુક રીતે પરિવર્તિત કરીને પછી ખાવા જોઇએ. તાજા લીલા મરચાનું સેવન લોકો જુદી-જુદી રીતે કરે છે. તમે મરચાનું અથાણું તો ખાધું હશે પરંતુ શું તમે ક્યારેય લીલા મરચાનું પાણીવાળું અથાણું ચાખ્યું છે ખરું? આ અથાણાને કમ ન સમજતા, તેલવાળા અથાણાને પણ ટક્કર મારે એવું આ અથાણું બનશે..!
ચટણી અને અથાણું, કોઇ પણ સાદા ભોજનની પણ રંગત વધારી દે છે. લગભગ દરેક સિઝનમાં તમામ ઘરોમાં જુદા-જુદા અથાણાં બનતા જ હોય છે. શિયાળા (Winter)ની ઠંડી ઋતુમાં ભાત-ભાતના અથાણા ખવાતા હોય છે અને અથાણાનું નામ પડતાવેંત મોંમાં પાણી આવી જાય છે. કમાલની વાત તો એ છે કે, અમે જે અથાણાની રેસિપી (Recipe) તમારા માટે લઇને આવ્યા છીએ, એને બનાવવાનું સરળ છે અને કુલ મળીને તમે બે થી ત્રણ દિવસની અંદર રેડી કરી શકો છો. આ અથાણું તમે રોટલી કે પરોઠા સાથે ખાઇ શકો છો.
અથાણું કોઈ પણ ભોજન સાથે ભળી જાય છે અને એના સ્વાદની રંગત ઓર વધારે છે. ઠંડીની મોસમ, શિયાળો શરુ થઇ ગયો છે અને આવામાં રસોઇમાં લીલા મરચાનો પ્રયોગ વધી જાય છે! લીલા મરચાનું અથાણું (Green Chilli Pickle) ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ અને ચટપટું લાગે છે. અહિં જે રેસિપી દર્શાવવામાં આવી છે એની ખાસિયત એ છે કે એમાં તેલનો ઉપયોગ કરવાનો નથી! એને બનાવવાની વિધિ પણ ઘણી જ સરળ છે. તો ચાલો જાણીએ એની ફટાફટ રેસિપી…

શી રીતે બનાવશું લીલા મરચાનું અથાણું? શિયાળાની સ્પેશ્યિલ રેસિપી…
લીલા મરચાનું અથાણું બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
250 ગ્રામ લીલા મરચા
2.5 થી 3 ગ્લાસ જેટલું પાણી
2 થી 3 મોટી ચમચી રાઇ
1/4 નાની ચમચી મેથી
1/4 નાની ચમચી જીરું
1/4 નાની ચમચી વરિયાળી
1/2 ચમચી હળદર
1 ચપટી હીંગ
સ્વાદાનુસાર મીઠું
1 થી 2 મોટા ચમચા લીંબુનો રસ અથવા વિનેગર

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ લીલા મરચા (Green Chilies)ને સારી રીતે ધોઇને કોઇ સ્વચ્છ કપડાથી લૂછી લેવા કે પછી હવામાં સૂકવી દેવા. મરચામાં જરા પણ પાણી ન રહે એનું ખાસ ધ્યાન રાખવું.
2. તમારે મરચાના ડીંટા કાઢવા કે નહિં એ તમારી પસંદ પર નિર્ભર કરે છે.
3. મરચાની એક બાજુએ લાંબો ચીરો પાડવો અને તમે ઇચ્છો તો એના બિયાં પણ કાઢી શકો છો.
4. હવે પાણી તૈયાર કરવું. આ માટે એક મોટી તપેલીમાં અઢીથી ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉકાળવા મૂકવું. જ્યારે પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં લીલા મરચા નાખીને માત્ર 1 મિનિટ માટે મીડિયમ તાપે ઉકાળી લેવા. ત્યાર બાદ, ગૅસની ફ્લેઇમ બંધ કરીને તપેલીને 10-15 મિનિટ સુધી ઢાંકી રાખો.
5. આમ કરવાથી મરચા વરાળમાં થોડા નરમ થઇ જશે અને એમનો રંગ સહેજ બદલાશે. હવે મરચાને ઉકળતા પાણીમાંથી બહાર કાઢીને ઠંડા થવા દો.
6. આ વધેલા પાણીને ફેંકવું નહિં, એમાંથી તમે કાંજી બનાવી શકો છો.
7. હવે એક પૅનમાં વરિયાળી, મેથી અને જીરું (Fennel, Fenugreek and Cumin) આ ત્રણેય વસ્તુઓને હળવી શેકી લો. આ શેકેલી સામગ્રી ઠંડી થાય એટલે એમાં રાઈ, હળદર, હીંગ અને મીઠું ઉમેરીને આ મિશ્રણને અધકચરું વાટી લેવું.
8. હવે એક સ્વચ્છ, સૂકા કાચના જારમાં લીલા મરચાને ભરી દો. આ તૈયાર મસાલાને એની ઉપર રગદોળી દો. જો તમે ઇચ્છો તો આ મસાલાનું મરચામાં સ્ટફિંગ પણ કરી શકો છો.
9. હવે એમાં મરચા ઉકાળેલું, ઠંડુ કરેલું પાણી ઉમેરો. મરચાં ડૂબે એટલું જ પાણી ઉમેરવું. જો તમે ઇચ્છો તો એમાં ખટાશ માટે લીંબુનો રસ (Lemon Juice) અથવા તો સિરકો (Vinegar) ભેળવી શકો છો.
10. હવે આ અથાણાને ઢાંકણ ઢાંકીને 2 થી 3 દિવસ સુધી તડકે તપાવો. દિવસમાં એક થી બે વખત જારને હલાવી દેવું. 2-3 દિવસ પછી કાંજીમાં ખટાશ પકડાશે અને મરચાનો રંગ પણ બદલાઇ જશે.
તૈયાર છે તમારું પાણીવાળું લીલા મરચાનું અથાણું! આ નવી જાતના અથાણાને એકવાર બનાવીને ખાઇ જુઓ, પછી વારંવાર બનાવવાનું પસંદ કરશો!
આ પણ વાંચો: તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…
આ પણ વાંચો: ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…
આ પણ વાંચો: લસણની ચટણીમાં આ 1 વસ્તુ ઉમેરી દો, ભોજનનો સ્વાદ વધી જશે

