Surat News: Suratમાં વુમન પ્રીમિયર લીગના આયોજનને લીલી ઝંડી આપવામાં આવી છે. ICCએ સુરતમાં WPLના આયોજન માટે મંજૂરી આપી છે. સુરતના લાલભાઈ સ્ટેડિયમનું ઇન્ફ્રાસ્ટ્રકચર વુમન પ્રીમિયર લીગ (WPL)ના આયોજન માટે યોગ્ય સ્થળ હોવાનું જણાવવામાં આવ્યું છે. આમ Surat આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના સ્પોર્ટ્સ હબ તરીકે વિકસી શકે છે.

Surat દક્ષિણ ગુજરાતનું બનશે સ્પોર્ટ્સ સેન્ટર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) આ સ્ટેડિયમનું ઇન્સ્પેકશન કરશે અને તેના પછી તેને મેચ ફાળવવામાં આવશે. સુરતમાં મોટી ક્રિકેટ લીગ માટે મંજૂરી મળતા લોકોમાં આનંદ છે. આઇસીસીના ચેરમેન જય શાહને તેના અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમણે આના પગલે સુરતના રમતપ્રેમીઓની લાગણીને માન આપીને આ મંજૂરી આપી છે.

ગુજરાતમાં આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે તે સંદર્ભમાં ગુજરાતના વિવિધ શહેરોમાં વિવિધ રમતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ મુજબ રાજ્યના વિવિધ શહેરોમાં રમતોના કેન્દ્રો ઊભા કરવામાં આવી રહ્યા છે અને ત્યાં રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. તેના કારણે વિવિધ આંતરરાષ્ટ્રીય રમતો ફક્ત અમદાવાદ સુધી જ ન રહેતા વડોદરા, સુરત અને રાજકોટ પણ આંતરરાષ્ટ્રીય રમતના મહત્વના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યા છે.

આગામી દિવસોમાં ગુજરાતના ફક્ત ટોચના પાંચ કે દસ શહેરો જ નહીં પણ 34 જિલ્લાઓને રમતોના મહત્વના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવનાર છે. આ નિમિત્તે સુરતને પણ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોના આયોજન માટે સજ્જ કરવામાં આવનાર છે. આમ વીમેન્સ પ્રીમિયર લીગ તે સુરતના રમતપ્રેમીઓ માટે કંઇ અંત નથી, પરંતુ રમતોના આયોજનની દિશામાં એક શરૂઆત છે.
