કચ્છ/ વાહન ચેકિંગ દરમિયાન બાઇક સવારે મારી ટક્કર, પોલીસકર્મીનું મોત

કોઠારા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગત રાત્રે વાહન ચેકિંગમાં હતા, ત્યારે માંડવી તરફથી આવેલા બાઈક સવાર શખ્સોએ જીવલેણ અકસ્માત સર્જતા કોન્સ્ટેબલનું ચાલુ ફરજ દરમિયાન મોત થતાં પોલીસ દળમાં અરેરાટી સાથે શોક છવાઈ ગયો છે.

Top Stories Gujarat
Untitled 34 21 વાહન ચેકિંગ દરમિયાન બાઇક સવારે મારી ટક્કર, પોલીસકર્મીનું મોત
  • બાઇક ચાલક રોકાયો નહી અને પોલિસ કર્મચારીનો જીવ ગયો
  • વાહન ચેકીંગ દરમિયાન બની ઘટના,
  • અંતિમયાત્રામાં કર્મચારીને ગાર્ડ ઓફ ઓનર અપાયુંભુજ

કોઠારા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગત રાત્રે વાહન ચેકિંગમાં હતા, ત્યારે માંડવી તરફથી આવેલા બાઈક સવાર શખ્સોએ જીવલેણ અકસ્માત સર્જતા કોન્સ્ટેબલનું ચાલુ ફરજ દરમિયાન મોત થતાં પોલીસ દળમાં અરેરાટી સાથે શોક છવાઈ ગયો છે.

કોઠારા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે ગત રાત્રે અબડાસાના તુતરા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે માંડવી અને નલિયા તરફથી આવતા વાહનોનું ચેકિંગ ચાલુમાં હતું. કોઠારા પોલીસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ગોપાલભાઈ ફુલિયા રોડ પર ઉભા હતા. ત્યારે માંડવી તરફથી એક બાઈક ચાલક ડબલ સવારીમાં પૂર ઝડપે આવ્યો, જેથી તેને ઉભું રાખવા માટેનો સંકેત દેતાં બાઈક ચાલક ઉભો રહ્યો ન હતો, જેથી પ્રવીણભાઈ બાઈકને થોભાવવા માટે તેનું કેરીયર પકડી લીધું હતું. જો કે જે વાત બાઈક ચાલક જાણતો હોવા છતાં મનસ્વી રીતે પોતાની બાઈક પૂર ઝડપે હંકારીને પ્રવીણભાઈને બાઈક સાથે રોડ પર ઢસડી ફંગોળી દીધા હતા. અને બાઈક ચાલક ડબલ સવારીમાં અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો. હાજર પોલીસ સ્ટાફ દ્વારા તાબડતોબ પ્રવીણભાઈને નલિયા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ સારવાર કારગત નિવડે એ પહેલા જ મોત આંબી ગયું હતું.

હતભાગી કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મૂળ બિબ્બર ગામના છે અને હાલે ભુજના પ્રમુખસ્વામીનગરમાં રહે છે. પ્રેમાળ સ્વભાવ ધરાવતા પોલીસ કર્મચારીના અકસ્માતમાં આકસ્મિક નિધનથી ભારે અરેરાટી સાથે શોક છવાઈ જવા પામ્યો છે. આજે સવારે પ્રવીણભાઈની અંતિમયાત્રા ભુજ ખાતેથી નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પરિવારજનો સાથે પોલીસ દળના અધિકારી – કર્મચારીઓ જોડાયા હતા. ચાલુ ફરજે તેમનું નિધન થતાં ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન અપાયું હતું. આકસ્મિક વિદાયથી પોલીસ કર્મચારીઓ અને પરિવારજનો ઉંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે.

સવારે સદ્દગતની ભુજ ખાતેના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નિકળી હતી. જેમાં રેન્જ આઈજી જે.આર. મોથલિયા, પોલીસવડા સૌરભસિંઘ, નખત્રાણા – ભુજ ડીવાયએસપી, કોઠારા પીએસઆઈ જાડેજા સહિત પોલીસદળના કર્મચારીઓ હાજર રહ્યા હતા. રેન્જ આઈજી અને પોલીસવડાએ હતભાગીના પરિવારને સાંત્વના આપી આ દુઃખની ઘડીમાં પશ્ચિમ કચ્છ પોલીસ તેમની સાથે છે. સદ્દગત અમારા પરિવારનો પણ સદસ્ય હતો. તેવું આશ્વાસન આપ્યું હતું, તેમજ બનાવને અંજામ આપનારા આરોપીઓને તાત્કાલિક ઝડપી સજા અપાવવામાં આવશે તેવું પણ કહ્યું હતું.

ગુરુગ્રામ / હાઉસિંગ કોમ્પ્લેક્સના છ ફ્લેટની છત એકસાથે ધરાશાયી, અનેક લોકોએ ગુમાવ્યા જીવ

UP Election / હાર્દિક પટેલે કર્યો રોડ શો, અને કોંગ્રેસના ઉમેદવાર મીનાની તરફેણમાં વોટ માંગ્યા.