સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે ફરજ બજાવતા ડેપ્યુટી કલેકટર અને નાયબ મામલતદારને જમીનના મામલે ચાલતા કેસમાં તરફેણમાં ચુકાદો આપવા માટે રૂ. ચાર લાખની લાંચ લેતા ACB એ રંગે હાથ ઝડપી લીધા છે. જેના કારણે લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રષ્ટાચાર બહુ ફાલ્યોફુલ્યો છે જેના કારણે લાંચિયા કર્મચારીઓની સંખ્યા વધી રહી છે. આ સંજોગોમાં અમદાવાદમાં રહેતા દીપકભાઇ પટેલની સુરેલ, ઓડુ, શેડલા, ફતેપુર અને પાટડીમાં આવેલી જમીનના ચાલતા કેસોમાં તેમની તરફેણમાં ચૂકાદો આપવા માટે પાટડી ખાતે ફરજ બજાવતા નાયબ કલેકટર સુનીલ વસાવા અને નાયબ મામલતદાર ડી.વી.પ્રજાપતિ રૂપિયા 4 લાખની લાંચ માંગવામાં આવી હતી. આ મામલે દીપકભાઇ પટેલ દ્વારા એસીબીને જાણ કરવામાં આવી હતી. જેના અંતર્ગત એસીબી દ્વારા પાટડી પ્રાંત કચેરીમાં જ છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકામાં બન્ને અધિકારીને એસીબીની ટીમે રંગે હાથે લાંચ લેતા ઝડપી લીધા હતા.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદમાં રહેતા દીપકભાઇ પટેલની પાટડી, ઓડુ, શેડલા, ફતેપુર અને સુરેલ ગામમાં તેમની જમીનો આવેલી છે.
આ જમીનોના મૂળ માલીકોએ જમીન શરતભંગના કેસો કર્યા હોવાથી તેમની તરફેણમાં ચૂકાદો આપવા માટે પાટડીના ડેપ્યુટી કલેકટર સુનીલ વસાવા અને નાયબ મામલતદાર ડી.વી.પ્રજાપતિ દ્વારા રૂપિયા 4 લાખની લાંચ માંગવામાં આવી હતી. જેના કારણે દીપકભાઇ પટેલ દ્વારા આ અંગેની જાણ અમદાવાદ એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ને જાણ કરવામાં આવી હતી.
જેના સંદર્ભે અમદાવાદ એસીબીએ ટ્રેપ ગોઠવીને ફરિયાદી દીપકભાઈ મારફત આ બન્ને અધિકારીની સાથે ફોન પર વાત કરીને મંગળવારે સાંજે પાટડી પ્રાંત કચેરીમાં જ નાણા આપવાની વાત થઇ હતી.
આ સમયે ટ્રેપના સ્થળે એસીબીની ટીમ તૈનાત રાખવામાં આવી હતી. આ છટકા દરમિયાન પાટડીના ડેપ્યુટી કલેકટર સુનીલ વસાવા અને નાયબ મામલતદાર ડી.વી.પ્રજાપતિ રૂપિયા 3.73 લાખની રોકડ રકમ લેતાની સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી.
એસીબીના છટકામાં પોતે ફસાઈ ગયા હોવાનું જાણવામાં આવતા આ બન્ને અધિકારીઓના હોશકોશ ઉડી ગયા હતા. એસીબી દ્વારા આ બંને અધિકારીઓ સામે લાંચ રૂશ્વત ધારા ભંગનો ગુનો દાખલ કરી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડેપ્યુટી કલેકટરે પોતાની બહેનનાં ઘરે પણ એસી મોકલ્યું હતું
ફરિયાદીનું કામ કરાવવા માટે અધિકારોએ તેનો ઉપયોગ કરવામાં કાંઇ જ કસર છોડી ન હતી. રૂપિયાનો સોદો તો નક્કી થઈ ગયો હતો. આમ છતાં પણ ડેપ્યુટી કલેકટર સુનીલ વસાવાએ અમદાવાદ ખાતે રહેતાં તેમના બહેનના ઘરે ત્યાં ફરિયાદીને એસી ફિટ કરાવી દેવા માટે કહ્યું હતું. ડેપ્યુટી કલેકટર વસાવાએ વોટસઅપમાં મોકલેલા તેમની બહેનના સરનામાં સહીતનાં પુરાવા પણ ફરિયાદીએ એસીબી સમક્ષ રજૂ કર્યા હતા.