અમદાવાદના વટવા વિસ્તારમાં બે યુવાનોના શંકાસ્પદ હાલમાં મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે. બંને યુવકોના પરિવારજનોએ લઠ્ઠાકાંડ થયાનો આક્ષેપ કર્યો છે.
મળતી વિગતો મુજબ, અમદાવાદના પૂર્વમાં આવેલ વટવા વિસ્તારમાં ચુનારા વાસમાં બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. બંને યુવકોના મૃતદેહ વટવાના બીબી તળાવ પાસે આવેલ રસ્તા પર એક રીક્ષા પાસે મળી આવ્યા હતા.
બંનેના મોઢામાંથી સફેદ ફીણ નીકળતુ હતું. બંને યુવકોને સારવાર મળે તે પહેલા જ તેમના મોત નિપજ્યા હતા. મૃત્યુ પામનાર યુવકો દાણીલીમડા વિસ્તારના હતા.
જેમાં એકનું નામ ફિરોઝ હુસૈન (28) અને ઈન્ઝામુલ ઉર્ફે રાજા (21) હોવાનું જાણવા મળ્યું છે. બંને યુવકોના પરિવારજનોએ લઠ્ઠાથી તેમના મોત થયા હોવાની શંકા સેવી છે.
એલજી હોસ્પિટલમાં તેમના મૃતદેહ લવાતા તેમના પરિવારજનો દોડી આવ્યા હતા. હાલ યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. એક યુવકના મોબાઈલમાંથી મળેલ લાસ્ટ કોલના આધાર પર દારૂનો ધંધો કરતા એક વ્યક્તિની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. તો સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, લઠ્ઠાકાંડની શક્યતાને પગલે પોલીસે દારૂના અડ્ડા પર દરોડા પાડવાની કામગીરી શરૂ કરી છે.