અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં B.Sc. (બીએસસી)ના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ગઈકાલે સાંજે પ્રથમ રાઉન્ડમાં બેઠકોની ફાળવણી કરવામાં આવ્યા બાદ ૧,૦૮૬ બેઠકો ખાલી રહી છે. હવે બીજા રાઉન્ડની પ્રક્રિયા દસ દિવસ બાદ શરૂ કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ૧૦ સરકારી, ગ્રાન્ટેડ કોલેજ અને ૧૫ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની મળીને B.Sc. પ્રથમ વર્ષમાં કુલ ૧૦,૩૫૨ બેઠકો પર પ્રવેશ અંતર્ગત ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત ૧૭,૫૦૦થી વધુ પિન નંબર વહેચાયા હતા. જેમાંથી ૧૬,૯૬૮ વિદ્યાર્થીઓએ પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને સબમિટ કર્યા હતા.
આ પછી યુનિવર્સિટીની એડ્મિશન કમિટી દ્વારા ગઈકાલે મંગળવારે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત ૧૦,૩૫૨ બેઠકોમાંથી ૯,૨૬૬ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે.
આ અંગે એડ્મિશન કમિટીના સભ્ય ધવલ વાઘેલાએ જણાવ્યું હતું કે, પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને કોલેજોની ફાળવણી કરવામાં આવી છે તેમાં જનરલ કેટેગરીના ૪,૩૮૯ વિદ્યાર્થીઓને, એસસી કેટેગરીમાં ૮૩૩ વિદ્યાર્થીને, એસટી કેટેગરીમાં ૭૪૭ વિદ્યાર્થીને, એસઈબીસી કેટેગરીમાં ૩,૨૯૭ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવી છે.
પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને બેઠકની ફાળવણી કરવામાં આવી છે તેમને આગામી તા. ૧૫ જૂન સુધીમાં ફી ભરીને કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવી લેવાનો રહેશે તેમ એડ્મિશન કમિટીના સભ્ય ધવલ વાઘેલાએ જણાવ્યું હતું.
વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, મેડિકલ, પેરામેડિકલ, ઈજનેરીમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ કેટલા વિદ્યાર્થી ડ્રોપઆઉટ થાય છે અને કેટલી બેઠકો નોન રિપોર્ટેડ થાય છે તે જાણ્યા પાછી તા. 20 જૂન પછી બીજા રાઉન્ડ અંગેની વિચારણા હાથ ધરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
