Not Set/ રાજકોટ બારદાન કાંડમાં વધુ પાંચ શખ્સોની કરાઈ ધરપકડ

અમદાવાદ: સૌરાષ્ટ્રના બહુચર્ચિત એવા રાજકોટના માર્કેટ યાર્ડના બારદાન કાંડમાં રાજકોટ પોલીસ દ્વારા વધુ પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેતપુરના પેઢલાના મગફળી કાંડમાં આરોપી એવા મગન ઝાલાવાડિયાની પૂછપરછમાં બારદાનકાંડમાં સંડોવાયેલા વધુ આરોપીઓના નામ ખૂલ્યા હતા. જેના પગલે રાજકોટ પોલીસે આ પાંચ શખ્સોની ધરપકડ કરી છે. જેતપુરના પેઢલા ગામે મગફળી કૌભાંડમાં ઝડપાયેલા […]

Top Stories Rajkot Gujarat Trending
Five more arrests have been made in the Rajkot Bardan case

અમદાવાદ: સૌરાષ્ટ્રના બહુચર્ચિત એવા રાજકોટના માર્કેટ યાર્ડના બારદાન કાંડમાં રાજકોટ પોલીસ દ્વારા વધુ પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેતપુરના પેઢલાના મગફળી કાંડમાં આરોપી એવા મગન ઝાલાવાડિયાની પૂછપરછમાં બારદાનકાંડમાં સંડોવાયેલા વધુ આરોપીઓના નામ ખૂલ્યા હતા. જેના પગલે રાજકોટ પોલીસે આ પાંચ શખ્સોની ધરપકડ કરી છે.

જેતપુરના પેઢલા ગામે મગફળી કૌભાંડમાં ઝડપાયેલા અને રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં બારદાનમાં લાગેલી આગની ઘટનામાં આરોપી તરીકે નામ ખુલતા પોલીસે જેલમાંથી કબજો મેળવી મગન ઝાલાવાડિયાને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં લાગેલી બારદાનના ગોડાઉનમાં આગમાંથી બાકી બચેલા બારદાનના જથ્થાને બારોબારી વેચી નાખી પુરાવાનો નાશ કરનાર વધુ પાંચ શખ્સોની રાજકોટ બી-ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેની પૂછપરછમાં કલકત્તાથી આવેલા 13 કરોડના બારદાન સળગી ગયાનું બહાર આવ્યું હતું. જો કે પોલીસે આ બારદાન ખરેખર રાજકોટ પહોંચ્યાં હતા કે કેમ? તે અંગે ગોડાઉનમાંથી આંકડાકીય માહિતી મેળવીને તપાસનો ધમધમાટ શરૂ કરી દિધો છે. તેમજ પોલીસે ગુજકોટના અધિકારી તેમજ બારદાન ખરીદનાર બે વેપારી સહિત લોકોની પૂછપરછ હાથ ધરી તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ માસ અગાઉ રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ ભીષણ આગમાં અગાઉથી જ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયેલો શંકાસ્પદ બંડીધારી શખસ આજ સુધી પોલીસને હાથ લાગ્યો નથી. ત્યારે મગફળી કૌભાંડમાં રિમાન્ડ પર રહેલા ગુજકોટના મેનેજર મગન ઝાલાવાડિયાએ બારદાનમાં કૌભાંડ આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જે અંગે રાજકોટ બી-ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધીને જેલમાંથી મગન ઝાલાવાડિયાનો કબજો મેળવ્યો હતો અને તેમજ અન્ય આઠ શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં રાજકોટ જૂના માર્કેટ યાર્ડમાં બારદાન કૌભાંડમાં પોલીસની પૂછપરછમાં મગન ઝાલાવાડિયાએ કેટલીક ચોંકાવનારી કબૂલાત કરી હતી. જેમાં મગનનો કૌટુંબીક ભાઈ મનસુખ ઉર્ફે બાબુ જેઠા લિમ્બાસિયાએ જુદા જુદા વેપારીઓને સસ્તામાં બારદાન વેચી દીધાનું તેમજ તેનો સાગરીત કાનજી દેવશી ઢોલરિયાએ બે ટ્રક ભાડે કરી ગોંડલ ખાતે બારદાન મોકલવાની બિલ્ટી બનાવી બારોબાર ઉતારી લઈ વેચી દીધાનું કબૂલ્યું હતું.

આ ઉપરાંત નિરજ મનસુખ ગજેરાએ સળગી ગયેલા બારદાન બીજા ગોડાઉનમાં મોકલવાના રજિસ્ટર કરાવી ટ્રકની બિલ્ટી બનાવી હોવાનું તેમજ પરેશ હંસરાજ સંખાવડા કે, જે માર્કેટ યાર્ડમાં મેનેજર હોય તેણે તેના કર્મચારી નિરજ સાથે મળી બારદાન સગેવગે કર્યાનું રજિસ્ટરમાં ખોટી એન્ટ્રી પડાવી હતી. જયારે કાળુ બાબુ ઝાફડા જુદી જુદી મંડળીના ગોડાઉનમાં બારદાન મોકલવા માટે ટ્રાન્સપોર્ટેશનનું કામ રાખેલ હતું.

તેણે આ બારદાનને સરકારી ગોડાઉનના બદલે રાજકોટના વેપારીઓના ગોડાઉનમાં પહોંચાડી દીધાનું બહાર આવતા પોલીસે મનસુખ લીબાસીયા, કાનજી ઢોલરીયા, નીરજ ગજેરા, પરેશ હંસરાજ પટેલ અને કાળુ ભરવાડની વિધિવત ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ દરમિયાન કલકત્તાથી ફેબ્રુઆરીમાં આવેલ 13 કરોડનો બારદાનનો જથ્થો ખરેખર રાજકોટ પહોંચ્યો છે કે કેમ ? તે અંગે ગોડાઉનમાં દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તે ઉપરાંત અન્ય મોટા માથાઓ સંડોવાયા છે કે કેમ ? તે અંગે પણ વધુ પૂછપરછ હાથ ધરી છે.