ગાંધીનગર,
લોકસભા ચૂંટણી જાહેર થવાની પૂર્વ સંધ્યાએ ગુજરાતમાં ભાજપે હાથ ધરેલી સર્જીકલ સ્ટ્રાઇકમાં માણાવદર અને ધ્રાંગ્રધ્રાના ધારાસભ્યને ભાજપમાં ભેળવવામાં સફળ રહી હતી. હજી પણ ભાજપની સર્જીકલ સ્ટ્રાઇક યથાવત છે. પરંતું કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ધારાસભ્યોને રાજીનામું આપ્યા બાદ 24 કલાકમાં માણાવદરના ધારાસભ્યને ભાજપ દ્રારા લાલજાજમ પાથરવામાં આવી છે.
જેમાં તેઓને કેબિનેટ કક્ષાનું મંત્રીપદ ફાળવવામાં આવ્યું છે. જયારે ધ્રાંગ્રધ્રાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને રાજયકક્ષાનું અને વડોદરાના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને ત્રણ દશક રાહ જોયા બાદ રાજય કક્ષાનું મંત્રીપદ આપવામાં આવ્યું છે. આ ત્રણેય મંત્રીઓએ પદભાર સંભાળી લીધો છે.
મંત્રીમંડળનુ વિસ્તરણ કરાતાં ત્રણ નવા મંત્રીઓનો ઉમેરો કરાયો છે. એક કેબિનેટ પ્રધાન સહિત બે રાજ્યકક્ષાના મંત્રી બનાવાયાં છે જેમને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી.
કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગની જવાબદારી સુપરત કરાઇ છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાં ધર્મેન્દ્રસિંહ જાડેજાને રાજ્યકક્ષાના અન્ન પુરવઠા,ગ્રાહકસુરક્ષા અને કુટિર ઉદ્યોગ સોંપવામાં આવ્યુ છે.
કેબિનેટમંત્રી જયેશ રાદડિયાના કામભારની વહેંચણી કરવામાં આવી છે. આ બાજુ,મંત્રી ગણપત વસાવા પાસેથી પ્રવાસન જયારે મંત્રી આર.સી.ફળદુ પાસેથી મત્સ્યોદ્યોગ ખાતુ છિનવી લેવાયુ હતું. આ બંન્ને ખાતા કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને સોંપાયા છે.
રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહનિર્માણ ખાતુ સોંપવામાં આવ્યુ છે. અગાઉ રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ પાસે શહેરી ગૃહવિકાસ નિર્માણ ખાતુ હતું.
રાજ્યકક્ષાના મંત્રી વાસણ આહિર પાસે માત્ર સમાજીક પછાત વર્ગોનુ કલ્યાણ વિભાગની જવાબદારી હતી પણ તેમને પ્રવાસનનો રાજ્યકક્ષાનો હવાલો પણ સુપરત કરવામાં આવ્યો છે. નવનિયુક્ત ત્રણેય મંત્રીઓએ સ્વર્ણિમ સંકુલમાં પદભાર સંભાળી લીધો છે. મંત્રી વાસણ આહિરને પણ પ્રવાસનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા બે જેટલા ધારાસભ્યોના તાજેતરમાં મંત્રી તરીકેના શપથ લીધા હતા. તેમજ મંત્રી તરીકેનો કાર્યભાર પણ સંભાળી લીધો છે. અત્યાર સુધી કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા ધારાસભ્યો પૈકી ત્રણ ધારાસભ્યોને જ રાજીનામું ફળ્યું છે.