Not Set/ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની નારાજગી પાછળનું તથ્ય શું?

અમદાવાદ: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ છેલ્લા કેટલાક સમયથી સરકાર અને પક્ષથી નારાજ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલું જ નહીં, તેમનું રાજીનામું લઈ લેવામાં આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ સંજોગોમાં નિતીન પટેલ દ્વારા ટ્વીટ કરીને તેમણે ખુલાસો પણ કર્યો છે કે, હું ભાજપ સાથે જ છું અને ભાજપમાં જ રહેવાનો છું. […]

Top Stories Ahmedabad Gujarat Politics
What is the fact behind the displeasure of Deputy Chief Minister Nitin Patel?

અમદાવાદ: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ છેલ્લા કેટલાક સમયથી સરકાર અને પક્ષથી નારાજ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલું જ નહીં, તેમનું રાજીનામું લઈ લેવામાં આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ સંજોગોમાં નિતીન પટેલ દ્વારા ટ્વીટ કરીને તેમણે ખુલાસો પણ કર્યો છે કે, હું ભાજપ સાથે જ છું અને ભાજપમાં જ રહેવાનો છું. નિતીન પટેલના આ ટ્વીટ પછી એ બાબત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે તેઓ નારાજ છે. પરંતુ નાયબ મુખ્યમંત્રીની નારાજગી પાછળનું મુખ્ય કારણ તેમની સતત થઈ રહેલી ઉપેક્ષાને માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને સરકારના સિનિયર મંત્રી એવા નિતીન પટેલ છેલ્લા કેટલાક સમયથી નારાજ છે. તેમની નારાજગી પાછળનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે, લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આગામી દિવસોમાં ગુજરાત સરકારનું રિ-શફલિંગ કરવામાં આવનાર છે. આ રિ-શફલિંગમાં ભાજપ દ્વારા નિતીન પટેલની બાદબાકી કરવામાં આવે તેવી હિલચાલ ચાલી રહી છે. જેના કારણે નિતીન પટેલ નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જો કે, હકીકત એ છે કે, નરેન્દ્ર મોદી ગુજરાતનું મુખ્યમંત્રી પદ છોડીને દિલ્હીમાં પીએમ બન્યા ત્યારે તેમના સ્થાને આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ ભાજપના જ એક જૂથ દ્વારા આનંદીબહેન પટેલને વયમર્યાદાના બહાના તળે મુખ્યમંત્રી પદેથી હટાવાયા હતા. આનંદીબહેન બાદ મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી સિનિયર મંત્રી તરીકે નિતીન પટેલ મોખરે હતા. અએટલું જ નહીં, મુખ્યમંત્રી પદના નામની જાહેરના ગણતરીના સમય અગાઉ સુધી પણ નિતીન પટેલનું નામ નિશ્ચિત મનાતું હતું પરંતુ છેલ્લી ઘડીએ અમિત શાહ જૂથના વિજય રૂપાણીના નામની જાહેરાત થઈ હતી.

આ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી નવી બનેલી સરકારમાં પણ નિતીન પટેલને મહત્વના એવા ખાતાઓની ફાળવણી ન કરવામાં આવતા તેઓ સરકારમાં ‘નંબર ટુ’ના સ્થાનેથી દૂર રાખવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ નિતીન ભાઈએ તેમને ફાળવવામાં આવેલ ખાતાઓનો ચાર્જ ના લઈને પોતાની નારાજગી પ્રદર્શિત કરી હતી. જેથી ભાજપના હાઈકમાન્ડ દ્વારા તેમને નાણા વિભાગની ફાળવણી કરીને સાચવી લેવામાં આવ્યા હતા.

જો કે આમ છતાં નીતિનભાઈના મનમાં ક્યાંકને ક્યાંક કચવાટ કે નારાજગી દબાયેલી પડી હતી. આ નારાજગી ફરી છેલ્લા દોઢેક મહિનાથી ફરી લોકોને ઉડીને આંખે વળગી રહી છે. આ નારાજગીના પ્રથમ દર્શન રાજ્ય સરકારની જળસંચય યોજનાની જાહેરાત સમયે જોવા મળી હતી. રાજ્ય સરકારની જળસંચયની કામગીરીની યોજના અંગેની જાહેરાત કરવા માટે ગત તા. ૨૯ એપ્રિલના રોજ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સંબોધવાના હતા. પરંતુ નિતીન પટેલ આ પત્રકાર પરિષદને સંબોધવા માટે આવ્યા ન હતા. આથી મુખ્યમંત્રી રૂપાણીની સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદથી નિતીન પટેલની રાજ્ય સરકારના કાર્યક્રમોમાં ઉપસ્થિતિ ઓછી જોવા મળી રહી છે.

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી કાર્યક્રમોમાં નિતીન પટેલની ગેરહાજરી પાછળનું કારણ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને મુખ્યમંત્રી કાર્યાલય વચ્ચે સિનિયોરીટીના મામલે ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ ઉપરાંત સીએમઓમાંથી નિતીન પટેલની થઈ રહેલી ઉપેક્ષાઓને પણ કારણભૂત માનવામાં આવી રહી છે. જેના કારણે નિતીન ભાઈ છેલ્લા કેટલાક સમયથી નારાજ ચાલી રહ્યા છે.

જયારે અન્ય સૂત્રોના જણાવ્યા મુજબ નિતીન પટેલની નારાજગી પાછળ સંગઠનની બાબત પણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેના કારણે પણ નાયબ મુખ્યમંત્રી વિવિધ જાહેર કાર્યક્રમોથી અળગા રહેતા હોવાનું મનાય છે.

જો કે સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે, આજે શુક્રવારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે ત્યારે નિતીન ભાઈની નારાજગીને પણ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે તેવી સંભાવના છે.