અમદાવાદ: ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ માટે જી.પી.એફ (GPF)ના કાર્ય માટે સુધારેલી સેવાઓ પૂરી પાડવા ગુજરાત રાજ્યના તમામ જી.પી.એફ ધારકોને માસિક ધોરણે તેમના જી.પી.એફ એકાઉન્ટ વિશેની માહિતી એસ.એમ.એસ (SMS) દ્વારા ઉપલબ્ધ થઈ શકે તે માટે વિશેષ એસ.એમ.એસ સેવા શરૂ કરવામાં આવશે.
વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ પ્રોજેક્ટને અર્થપૂર્ણ અને સફળ કરવા માટે તમામ જી.પી.એફ. ધારકોના મોબાઇલ નંબરના ડેટાબેઝના નિર્માણમાં સહકાર આપવા ગુજરાત રાજ્યના તમામ GPF ધારકો ને અપીલ કરવામાં આવી છે.
આ માટે જી.પી.એફ. ધારકોએ તેમના મોબાઈલ નંબર યોગ્ય રીતે હસ્તાક્ષર સાથે અને તેમના ડીઓડીઓ દ્વારા પ્રતિ હસ્તાક્ષર કરાવીને તેને જરૂરી પ્રિન્ટ ફોર્મેટમાં આપની વિગત સાથે ઈમેલ દ્વારા agaegujarat@cag.gov.in પર મોકલી આપવા જણાવાયું છે.
અથવા તો ડેપ્યુટી એકાઉન્ટ જનરલ(ફંડ), પ્રિન્સિપલ એકાઉન્ટ જનરલ, ગુજરાત, રેસકોર્સ રોડ, રાજકોટ ૩૬૦૦૦૧ ખાતે મોકલી આપવા ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
જો આ બાબતે સરકારી કર્મચારીઓને કોઇ વધુ વિગતો કે માહિતી મેળવવી હોય તો તેવા કર્મચારીઓને કચેરીનો રૂબરૂ સંપર્ક કરવા માટે જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના પગાર અને પેંશનની પ્રક્રિયા સરળ થાય એ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.