Gujarat Heatwave Forecast 2026 : રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેમ તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ હજુ પણ ગંભીર હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે.
અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર
છેલ્લા 24 કલાકના આંકડા મુજબ અમદાવાદ શહેર રાજ્યમાં સૌથી વધુ ગરમીનો સામનો કરી રહ્યું છે, જ્યાં તાપમાન 44.8 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત ગાંધીનગર અને કંડલા એરપોર્ટ પર પણ પારો 44.2 ડિગ્રી નોંધાયો છે. આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી શહેરીજનોને અસહ્ય લૂ અને બફારાનો સામનો કરવો પડશે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ અને ‘યલો એલર્ટ’
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી સાથે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. જે મુજબ આવતીકાલે એટલે કે 28મી એપ્રિલે રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જેવા જિલ્લાઓમાં ભારે ગરમીની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે આ વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો રહેવાની શક્યતા છે.
૩ દિવસ બાદ તાપમાન ઘટશે
ગરમીથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો માટે હવામાન વિભાગે થોડા રાહતના સમાચાર પણ આપ્યા છે. આગામી ૩ દિવસ બાદ રાજ્યમાં તાપમાનમાં ૩ ડિગ્રી જેટલો ઘટાડો થવાની સંભાવના છે. જોકે, આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે, પરંતુ ૩ દિવસ પછી ગરમીની તીવ્રતામાં આંશિક ઘટાડો નોંધાશે.
Heatwave માં શું રાખશો સાવચેતી?
આરોગ્ય વિભાગે હીટસ્ટ્રોકથી બચવા માટે નાગરિકોને ખાસ સૂચના આપી છે કે બપોરે 12 થી 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ગરમીથી બચવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ કે લીંબુ શરબત જેવા પ્રવાહીનું સતત સેવન કરતા રહેવું અને બહાર નીકળતી વખતે હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા તેમજ માથું ઢાંકીને રાખવું હિતાવહ છે.
આ પણ વાંચો:રાજ્યમાં ગરમી છતાં મતદારોમાં જોરદાર ઉત્સાહ,રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જામનગર કર્યું મતદાન
આ પણ વાંચો: ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ વધ્યો, ઉત્તર પ્રદેશ, દિલ્હી,રાજસ્થાન માટે રેડ એલર્ટ જારી
આ પણ વાંચો: મતદાનના દિવસે 44 ડિગ્રી ગરમીની આગાહી, અંબાલાલ પટેલે આપ્યા હીટવેવના સંકેત
