Ahmedabad News/ ‘જેલમાંથી છૂટેલી મહિલાઓની દરકાર કોઈ નથી રાખતું’: હાઈકોર્ટની ચિંતા, સરકારને યોજના લાવવા સૂચન

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) જેલમાંથી મુક્ત થયેલી મહિલાઓના પુનઃસ્થાપન, આત્મસન્માન અને સામાજિક સ્વીકાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી રાજ્ય સરકારને અસરકારક યોજના બનાવવા સૂચન કર્યું છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Gujarat High Court: સમાજ જ નહીં, પરિવાર પણ સ્વીકારતો નથી: મહિલા કેદીઓ મુદ્દે કોર્ટની ચિંતા

Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) રાજ્યની જેલોમાં સજા પૂર્ણ કરીને બહાર આવતી મહિલા કેદીઓના પુનઃસ્થાપન અને સામાજિક પુનઃસ્વીકારના મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટનું માનવું છે કે જેલમાંથી મુક્ત થયા બાદ મહિલાઓને નવી શરૂઆત માટે જરૂરી સહાય અને માર્ગદર્શન મળતું નથી, જેના કારણે તેઓ અનેક સામાજિક અને આર્થિક પડકારોનો સામનો કરે છે.

મહિલા કેદીઓ માટે ખુલ્લી જેલ (ઓપન કરેક્શનલ ઇન્સ્ટિટ્યુશન) અને પુનઃઉત્થાન સંબંધિત મુદ્દાની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)ના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે સમાજમાં ફરીથી સ્થાન મેળવવું મહિલાઓ માટે અત્યંત મુશ્કેલ બની જાય છે. ઘણીવાર પરિવાર અને નજીકના લોકો પણ તેમને સ્વીકારતા નથી, જેના કારણે તેમની માનસિક સ્થિતિ વધુ નબળી બની શકે છે.

Gujarat High Court: મહિલા કેદીઓ માટે મહત્વની ટિપ્પણી

સુનાવણી દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી કે મહિલા કેદીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસના વિકાસ માટે વિશેષ તાલીમ અને કાઉન્સેલિંગની જરૂર છે. કોર્ટએ નોંધ્યું કે મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર ન હોવાથી સમાજમાં તેમને યોગ્ય મહત્વ મળતું નથી, જેના કારણે પુનઃસ્થાપનની પ્રક્રિયા વધુ પડકારજનક બની જાય છે.

હાઈકોર્ટે (Gujarat High Court) રાજ્ય સરકારને સૂચન કર્યું કે જેલમાંથી મુક્ત થતી મહિલાઓ માટે વિશેષ પુનર્વસન યોજના, કૌશલ્ય વિકાસ, રોજગાર અને માનસિક સહાય જેવી વ્યવસ્થાઓ વિકસાવવી જોઈએ. કોર્ટનું માનવું છે કે આવી મહિલાઓને આત્મસન્માન સાથે ફરી જીવન જીવવાની તક મળવી જરૂરી છે.

રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ઉચ્ચ સ્તરીય મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે અને જેલોમાં મનોચિકિત્સકોની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરાંત, સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનોનું પાલન કરવા માટે પણ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

કોર્ટએ પોતાના અવલોકનમાં જણાવ્યું કે જેલ મુલાકાત દરમિયાન અનેક મહિલા કેદીઓ વિવિધ સર્જનાત્મક અને કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓમાં સક્રિય જોવા મળી હતી. પેઇન્ટિંગ સહિતની પ્રવૃત્તિઓ દ્વારા તેઓ પોતાની ક્ષમતાનો વિકાસ કરી રહી છે, જેને સમાજમાં પુનઃસ્થાપન માટે સકારાત્મક દિશા માનવામાં આવે છે.

આ મામલે સ્ટેટ લીગલ સર્વિસ કમિટીને ચાર સપ્તાહમાં વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આગામી સુનાવણી દરમિયાન આ મુદ્દે વધુ ચર્ચા થવાની સંભાવના છે.


આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટમાં ચર્ચાસ્પદ કેસ,પ્રેમલગ્ન કરનાર દંપતીના બાળક મુદ્દે કાનૂની લડત

આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટની કડક ચેતવણી! છૂટાછેડાના ઝઘડામાં બાળકોને હથિયાર ન બનાવો”, કસ્ટડી વિવાદમાં માતા-પિતાને ફટકાર

આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, ભરણપોષણની રકમ પત્નીની નિષ્ક્રિયતાને પ્રોત્સાહન ન આપે, ફેમિલી કોર્ટના હુકમમાં ફેરફાર