Not Set/ ગુજરાતમાં આ આઈડિયા દ્વારા ઉભી કરાશે નવી એક લાખ જોબ, પાછળ છે આ દેશનો હાથ

અમદાવાદ, ગુજરાત સરકાર રાજ્યમાં આગામી સમયમાં જાપાનીઝ ટાઉનશિપ બનાવવાનું આયોજન કરી રહી છે. આ ટાઉનશિપ જાપાની લોકોનું રહેણાંક બનશે અને આ લોકોના આગમનથી ગુજરાતમાં જાપાની કંપનીઓના રોકાણમાં વધારો થશે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશન (GIDC)ના ઉપાધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક ડી. થારાએ જણાવ્યું હતું કે, “અમે હાલમાં સાણંદ ઓદ્યોગિક ક્ષેત્રથી પાંચ કિલોમીટર દૂર આવેલ ખોરજ ગામમાં ૭૦૦ […]

Ahmedabad Gujarat Trending
avb7l9eo japanese town in ગુજરાતમાં આ આઈડિયા દ્વારા ઉભી કરાશે નવી એક લાખ જોબ, પાછળ છે આ દેશનો હાથ

અમદાવાદ,

ગુજરાત સરકાર રાજ્યમાં આગામી સમયમાં જાપાનીઝ ટાઉનશિપ બનાવવાનું આયોજન કરી રહી છે. આ ટાઉનશિપ જાપાની લોકોનું રહેણાંક બનશે અને આ લોકોના આગમનથી ગુજરાતમાં જાપાની કંપનીઓના રોકાણમાં વધારો થશે.

ગુજરાત ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશન (GIDC)ના ઉપાધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક ડી. થારાએ જણાવ્યું હતું કે, “અમે હાલમાં સાણંદ ઓદ્યોગિક ક્ષેત્રથી પાંચ કિલોમીટર દૂર આવેલ ખોરજ ગામમાં ૭૦૦ હેક્ટરની જગ્યામાં જાપાની ટાઉનશિપ બનાવવા જઈ રહ્યા છીએ”.

અમદાવાદથી ૯૦ કિલોમીટરના અંતરે આવેલ માંડલમાં ૧૨૦ હેક્ટરની જમીન પર જાપાની ઓદ્યોગિક પાર્ક પથરાયેલો છે, જેમાં ૧૩ કંપનીઓ કાર્યરત છે. પરંતુ આટલું પુરતું ન હતું. રાજ્યમાં જાપાની કંપનીઓ માટે મોટા ઓદ્યોગિક ક્ષેત્રો અને ત્યાંથી અહી આવતા લોકો માટે રહેણાંક વિસ્તારની આવશ્યકતા અનુભવાય રહી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ‘જાપાની કંપનીઓની સંખ્યા વધી રહી છે અને જાપાનના લોકોના રહેવા માટે અને એમને પોતાના સાંસ્કૃતિક માહોલમાં જીવન જીવવા માટે અનુકુળ રહેણાંક વિસ્તારની જરૂર છે. જ્યાં તે લોકો શાંતિથી રહી શકે. આ ટાઉનશિપમાં તમામ પ્રકારની બધી સુવિધાઓ હશે જેવી કે, શાળા, હોસ્પિટલ અને બજાર.’

એમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘અહી દેખીતી રીતે પંદર હજારથી વીસ હજાર નોકરીઓ ઉભી થશે. આ સિવાય તમે અનુમાન લગાવી શકો છો કે, ટ્રાન્સપોર્ટ, બેન્કિંગ, ખાણી-પીણી જેવી વગેરે સેવાઓમાં અપ્રત્યક્ષ રીતે રોજગારીમાં પાંચ ગણો વધારો થશે. અમારું માનવું છે કે, આ જાપાનીઝ ટાઉનશિપ બનવાથી લગભગ એક લાખ જેટલી નવી નોકરી ઉભી થશે.’

જાપાની ઓદ્યોગિક ટાઉનશિપનો વિકાસ કરવા માટે જાપાન સરકાર, ગુજરાત રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે. આ ટાઉનશિપમાં રહેણાંકી સંકુલ, વ્યવસાયિક કેન્દ્રો અને ઉદ્યોગના ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મુખ્ય માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જયારે જાપાન આ ટાઉનશિપની ડીઝાઇન બનાવશે. આ માટે જાપાન ટોયોટા ત્સૂશો જેવા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક ડેવલપરને આ કાર્યમાં શામેલ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. ગુજરાત સરકાર તેમને જમીન આપશે અને તેઓ તેને વિકસિત કરીને જાપાની કંપનીઓને આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જાપાનની આઠ કંપનીઓએ ખોરજમાં પોતાના યુનિટની સ્થાપના કરવા માટે પહેલાથી જ ઉત્સાહ દેખાડી દીધો છે. કારણ કે, ખોરજ અમદાવાદથી માત્ર ૨૫ કિલોમીટર દૂર છે. જ્યાં તેમને પોતાના ઘર જેવો જ માહોલ મળશે.