Gujarat News: ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન-2026 દરમિયાન (Gujarat Kharif Sowing 2026) વાવેતરની કામગીરી હવે પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. રાજ્યના સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તારની સરખામણીએ અત્યાર સુધીમાં 72.47 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે, જે કુલ સામાન્ય વાવેતર વિસ્તારના આશરે 85 ટકા જેટલું છે. ખાસ કરીને કપાસ અને મગફળીના વાવેતરે રાજ્યના કૃષિ ક્ષેત્રમાં (Gujarat Agriculture) નોંધપાત્ર હિસ્સો નોંધાવ્યો છે.
Gujarat Kharif Sowing 2026: કપાસનું સૌથી વધુ 21.22 લાખ હેક્ટરમાં વાવેતર
ચાલુ ખરીફ સિઝનમાં કપાસ ખેડૂતોની પ્રથમ પસંદગી (Cotton Sowing Gujarat) બની રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 21.22 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, જે તેના સામાન્ય વાવેતર વિસ્તારના 89 ટકા જેટલું છે. કુલ વાવેતરમાં કપાસ અને મગફળી બંનેનો હિસ્સો મળીને 57 ટકાથી વધુ છે.
મગફળીનું વાવેતર સામાન્ય વિસ્તારને વટાવી ગયું
કપાસ બાદ મગફળી બીજા ક્રમે છે. રાજ્યમાં 20.41 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર નોંધાયું છે. સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ મગફળીનું વાવેતર 107 ટકા સુધી પહોંચી ગયું છે, જે ખેડૂતોમાં મગફળી પ્રત્યેનો વધેલો રસ દર્શાવે છે.

સોયાબીન અને અડદમાં પણ ખેડૂતોનો ઉત્સાહ
ચાલુ ખરીફ સિઝનમાં સોયાબીન (Soybean Sowing) અને અડદના વાવેતરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સોયાબીનનું 3 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારના 107 ટકા જેટલું છે. જ્યારે અડદનું 84,510 હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના 103 ટકા સુધી પહોંચ્યું છે.
મકાઈ, તુવેર અને ડાંગરનું પણ નોંધપાત્ર વાવેતર
અન્ય મુખ્ય પાકોની વાત કરીએ તો રાજ્યમાં મકાઈનું 2.68 લાખ હેક્ટર, તુવેરનું 2.38 લાખ હેક્ટર અને ડાંગરનું 7.61 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ મકાઈનું વાવેતર 95 ટકા, તુવેરનું 93 ટકા અને ડાંગરનું 86 ટકા સુધી પહોંચ્યું છે.
ધાન્ય પાકોનું વાવેતર 11.99 લાખ હેક્ટરે
ગુજરાતમાં ધાન્ય પાકોનું કુલ (Gujarat Crop) વાવેતર 11.99 લાખ હેક્ટર નોંધાયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના 87 ટકા જેટલું છે. તેમાં ડાંગર 7.61 લાખ હેક્ટર સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે મકાઈ 2.68 લાખ હેક્ટર સાથે બીજા ક્રમે છે. ખાસ નોંધનીય છે કે જુવારનું વાવેતર 12,402 હેક્ટર થયું છે, જે ગયા વર્ષના આ સમયગાળાના 6,581 હેક્ટરની સરખામણીએ લગભગ બમણું છે.
કઠોળ પાકોમાં 3.57 લાખ હેક્ટર વાવેતર
રાજ્યમાં કઠોળ પાકોનું કુલ વાવેતર 3.57 લાખ હેક્ટર સુધી પહોંચ્યું છે, જે સામાન્ય વાવેતરના 86 ટકા જેટલું છે. તેમાં તુવેરનું 2.38 લાખ હેક્ટર અને અડદનું 84,510 હેક્ટર વાવેતર થયું છે. બીજી તરફ, મગનું વાવેતર 25,301 હેક્ટર અને મઠનું 8,673 હેક્ટર નોંધાયું છે.
તેલીબિયાં પાકોનું વાવેતર 25.93 લાખ હેક્ટર
તેલીબિયાં પાકોમાં પણ વાવેતરની સ્થિતિ સારી જોવા મળી રહી છે. રાજ્યમાં કુલ 25.93 લાખ હેક્ટરમાં તેલીબિયાં પાકોનું વાવેતર થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના 88 ટકા જેટલું છે. તેમાં મગફળી અને સોયાબીન ઉપરાંત દિવેલાનું 2.38 લાખ હેક્ટર અને તલનું 14,581 હેક્ટર વાવેતર થયું છે.

ઘાસચારો અને ગુવાર સીડનું પણ વાવેતર
અન્ય પાકોની વાત કરીએ તો રાજ્યમાં 7.21 લાખ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારના 71 ટકા જેટલું છે. જ્યારે ગુવાર સીડનું 34,762 હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના 40 ટકા જેટલું છે.
ખેડૂતોમાં ખરીફ સિઝનને લઈને આશાવાદ
આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ખરીફ સિઝન-2026નું વાવેતર હવે ઝડપથી પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. કપાસ અને મગફળી જેવા મુખ્ય પાકો ઉપરાંત સોયાબીન અને અડદ જેવા પાકોના વાવેતરમાં સામાન્ય વિસ્તાર કરતાં વધુ વાવેતર નોંધાતા રાજ્યના કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: ખરીફ સિઝનમાં ખેડૂતોને સસ્તા દરે ખાતર મળશે, કેબિનેટે ખાતર અંગે મોટો નિર્ણય લીધો
આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય તણાવ અને ખરીફ પાકની ચિંતા વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં 5%નો ઉછાળો, રસોડાનું બજેટ ખોરવાયું
આ પણ વાંચો: ગુજરાતમાં સિઝનનો 24.63% વરસાદ: નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ એલર્ટ પર, 7 દિવસ ભારે વરસાદની આગાહી નહીં
