મહેસાણા
મહેસાણા નજીક આવેલા શંકુઝ વોટર પાર્કમાં ગરમીથી રાહત મેળવવા ગયેલા માણસાના ૧૯ વર્ષીય યુવકનું રાઈડ માણીને નીચે ઉતરતા બેભાન થઈ ગયો હતો. ડોકટરે તપાસ કરતા તેને મૃત પામેલ જાહેર કર્યો હતો. આ મામલે લાંઘણજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ માણસા ગામે રહેતો ૧૯ વર્ષીય યુવક મિતેશ શૈલેશકુમાર ઠક્કર નામનો યુવાન ગરમીથી રાહત માણવા માટે મિત્રો સાથે મહેસાણા નજીક આવેલા શંકુઝ વોટર પાર્કમાં ગયો હતો. જ્યાં એક રાઈડમાં બેઠો હતો. આ રાઈડમાંથી નીચે ઉતર્યા બાદ તે બેભાન થઇ ગયો હતો. આથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને તબીબે મૃત જાહેર કર્યો હતો.
આ અંગે લાંઘણજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે મીતેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.