Gujarat Monsoon Update: દેશભરમાં આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની રફતાર ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજા અપડેટ અનુસાર, ચોમાસાએ મહારાષ્ટ્રમાં દસ્તક આપી દીધી છે, જેના પગલે હવે ગુજરાતમાં પણ હવામાનનો મિજાજ ઝડપથી બદલાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે. જ્યારે સૌરાષ્ટ્રમાં આજે 7 જૂન, 2026 બપોર પછી ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી સંભાવના છે. જો કે, મધ્ય ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં હજુ પણ અસહ્ય ગરમી અને બફારાનું જોર યથાવત રહેશે. રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી સક્રિય થતાં જ લોકોને આકરી ગરમીમાંથી રાહત મળવાની આશા બંધાઈ છે.
આ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં પ્રિ-મોન્સુન પવનોના કારણે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ (સુરત, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ વગેરે) તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.
તાપમાનની વાત કરીએ તો, રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, અગાઉના દિવસોની સરખામણીએ મોટાભાગના શહેરોમાં ગરમીના પારામાં સહેજ વધારો નોંધાયો છે, જેમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.5°C ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

દક્ષિણ ગુજરાતમાં આખું અઠવાડિયું મેઘમહેર
હવામાન વિભાગની નવીનતમ બુલેટિન અનુસાર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ મુખ્યત્વે સૂકું વાતાવરણ રહેશે. તેની સામે દક્ષિણ ગુજરાતના ભાગોમાં (ડાંગ, તાપી, નવસારી, વલસાડ) આગામી આખું અઠવાડિયું વરસાદી માહોલ યથાવત્ રહેવાની સંભાવના છે. રાહતની વાત એ છે કે, અગાઉના દિવસોમાં આપવામાં આવેલી 40 થી 50 કિમીની ઝડપે ફૂંકાતા પવન અને વાવાઝોડાની ચેતવણી હવે હવામાન વિભાગ દ્વારા હટાવી લેવામાં આવી છે. જોકે, સ્થાનિક સ્તરે પ્રી-મોન્સૂન વરસાદી માહોલ હજુ પણ અમુક વિસ્તારોમાં ચાલુ રહેશે.
13 જૂન સુધી ક્યાં ક્યાં વરસાદ પડશે? જુઓ આખું શિડ્યુલ
8, 9 અને 10 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં જ છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે બાકીના તમામ જિલ્લાઓમાં હવામાન સંપૂર્ણ સૂકું રહેશે. ત્યારબાદ 11 અને 12 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે, જ્યારે 12 અને 13 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
Monsoon છત્તીસગઢ અને ઓડિશા તરફ આગળ વધશે
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દેશમાં મોન્સૂન સિસ્ટમ ખૂબ જ એક્ટિવ છે. ચોમાસું ગોવાને સંપૂર્ણ પાર કરીને મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે. આ ઉપરાંત તે તમિલનાડુના મોટાભાગના વિસ્તારો અને પૂર્વ ભારતમાં મિઝોરમ-મણિપુર સુધી પહોંચી ગયું છે. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્રના બાકીના ભાગો, છત્તીસગઢ અને ઓડિશા તરફ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. હાલ વાતાવરણના નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી ગુજરાતમાં પણ નિયત સમયે ચોમાસાનું આગમન થઈ જશે તેવા સંકેતો મળી રહ્યા છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં અચાનક હવામાન પલટાયું, પાલનપુર-દાંતામાં ભારે પવનથી ચોમાસા જેવો માહોલ
આ પણ વાંચો: કેરળમાં સમય પહેલા ચોમાસાની એન્ટ્રી, સેટેલાઇટ તસવીરોમાં દેખાયો વાદળોનો મોટો ઘેરાવો
આ પણ વાંચો: ચોમાસા અગાઉ ટેન્શન! ગુજરાતના 88 જળાશયોમાં 20%થી ઓછું પાણી, 10 ડેમ તળિયાઝાટક
