અમદાવાદ: Gujarat ના અમદાવાદથી એક પરિવારના ત્રણ સભ્યો સહીત નવ યુવાનો ઉત્તરાખંડ ફરવા ગયા છે. જેઓ ગત તા. 30મી જૂનથી સંપર્ક વિહોણા બન્યા હતા. તેમનો પાંચ દિવસ બાદ સંપર્ક થઈ ગયો છે અને તેઓ એક મંદિરમાં સહી સલામત હોવાનું રાજ્યના રાહત કમિશનર એમ. આર. કોઠારીએ મંતવ્ય ન્યૂઝને જણાવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતા એક પરિવારના ત્રણ યુવાનો તેના છ મિત્રો સાથે ગત તા. ૨૩મી જૂનના રોજ ઉત્તરાખંડ ફરવા જવા નીકળ્યા હતા. આ દરમિયાનમાં તેઓ ઉત્તરાખંડ રાજ્યના ગુંજી વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યારે તા. 30 જૂનના રોજ ભારે વરસાદ પડ્યો હતો ત્યારે આં યુવાનોનો તેમના પરિવારજનો સાથે સંપર્ક થયો હતો.
ત્યાર બાદ તેમનો પરિવારના સભ્યો સાથે કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. આથી તેમના પરિવારજનોએ ગઈકાલે અમદાવાદ કલેકટરને મળ્યાં હતા અને આ યુવાનોનો અત્તો પત્તો શોધવા માટે રજૂઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નારણપુરા આ નવ યુવાનો ઉત્તરાખંડના જે ગુંજી વિસ્તારમાંથી સંપર્ક વિહોણા બન્યા હતા તે વિસ્તાર નેપાળ બોર્ડરની બિલકુલ નજીક આવેલો છે. જેના કારણે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા હતા.
આ દરમિયાનમાં આજે ગુરુવારે આ મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા ગુજરાત રાજ્યના રાહત કમિશનર એમ. આર. કોઠારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
જેમાં તેમણે મંતવ્ય ન્યૂઝને જણાવ્યું હતું કે, સંપર્ક વિહોણા બનેલા અમદાવાદના આ નવેય યુવાનો સહી સલામત છે. તેમની સાથે સંપર્ક થઈ ગયો છે અને ગુંજીના એક મંદિરમાં બનાવેલા રાહત શિબિર કેમ્પમાં તેઓને રાખવામાં આવ્યા છે.
કુદરતી આપત્તિ બાદ ઉત્તરાખંડના અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બની ગયા હતા. જેમાં ગુંજી વિસ્તારનો પણ સમાવેશ થતો હતો. ભારે પૂર અને વરસાદની પરિસ્થિતિના કારણે વીજળી ગૂલ થઈ ગઈ હતી.