બેઠક/ ગાંધીનગરમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક યોજાઇ

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને આપણા સૌનું ‘મિશન’ બનાવીએ. ગુજરાતની પાવન ધરાને ઝેરમુક્ત કરીએ.

Top Stories India
11 5 ગાંધીનગરમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક યોજાઇ

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને આપણા સૌનું ‘મિશન’ બનાવીએ. ગુજરાતની પાવન ધરાને ઝેરમુક્ત કરીએ. ગુજરાતના ખેડૂતને ઝડપથી સમૃદ્ધિ તરફ લઈ જઈએ અને હર એક ક્ષેત્રમાં આદર્શ આપણું ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં પણ ભારતની આગેવાની કરે એ દિશામાં પરિવારભાવનાથી કામ કરીએ. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠકમાં તમામ જિલ્લા કલેક્ટર્સ અને તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને સંબોધતાં કહ્યું હતું કે, આ બેઠક સમગ્ર ભારત દેશ અને ગુજરાત પ્રદેશનું ભાગ્ય બદલનારી બની રહેવી જોઈએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલના નર્મદા હૉલમાં યોજાયેલી આ અત્યંત મહત્વની બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ અને સંલગ્ન વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પરિણામે આ વર્ષે ગુજરાતમાં રાસાયણિક ખાતરના વપરાશમાં 3,08,748 મેટ્રિક ટનનો ઘટાડો થયો. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થતાં રૂપિયા 1,337.92 કરોડની બચત તો થશે જ પરંતુ લાખો ટન ઝેર ધરતીમાં ઠલવાતું ઓછું થયું છે. વર્ષ-2025 ના ગુજરાત સ્થાપના દિવસ સુધીમાં ગુજરાતમાં 20 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા લક્ષ્ય સાથે સૌ સાથે મળીને કામ કરીએ. આગામી પાંચ વર્ષમાં આખા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપી રહ્યા છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે અને ખેડૂતોની આવક બમણી થાય એટલું જ નહીં, ધરતીની ફળદ્રુપતા જળવાઈ રહે એ માટે તેઓ સતત ચિંતિત છે. તેમના વિચારોને તાકાત આપવા આપણે પૂરી પ્રમાણિકતા અને કર્તવ્યભાવનાથી આ કામમાં જોડાઈ જઈએ.

આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી (ઓર્ગેનિક ખેતી) વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરીને રાસાયણિક ખેતીની સાથોસાથ જૈવિક ખેતીના ગેરફાયદા પણ ગણાવ્યા હતા. રાસાયણિક ખેતીની ભયાવહ અસરોથી તેમણે સૌને વાકેફ કર્યા હતા. ગ્લોબલ વોર્મિંગથી લઈને માનવ સ્વાસ્થ્યને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી થઈ રહેલા ગંભીર નુકસાન વિશે તેમણે સૌને ચેતવ્યા હતા અને કહ્યું હતું કે, આ દેશની ધરતીની ફળદ્રુપતા બચાવવી હશે, ધરતી બચાવવી હશે, હવા-પાણી અને વાતાવરણ બચાવવા હશે, લોકોને ગંભીર-અસાધ્ય બીમારીઓથી બચાવવા હશે તો આપણી પાસે એક જ અને શ્રેષ્ઠ વિકલ્પ છે પ્રાકૃતિક ખેતી. તેમણે કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને ‘મિશન મોડ’માં કામ કરવા આહવાન કર્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓના કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીઓની ગાંધીનગરમાં યોજાયેલી પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠકમાં એવું પ્રેરક આહવાન કર્યું છે કે, આગામી પાંચ વર્ષમાં આપણે ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી તરફ જવું છે તેવી નેમ સાથે પ્રાકૃતિક ખેતી અભિયાનને સૌ મિશન મોડમાં અપનાવે.