એકજ જગ્યાએ ત્રણ વર્ષથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઆેની બદલી કરવા ચૂંટણીપંચ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈને સૂચના આપવામાં આવી છે. એક જ જગ્યાએ ત્રણ વર્ષ કે તેથી વધુ સમય માટે ફરજ બજાવતા પોલીસ કર્મચારી 31-5-2019 સુધીમાં ત્રણ વર્ષ પુરા થતાં હોય તેની સાગમટે બદલી કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યાે છે.
આ માટે પોલીસ મહાનિર્દેશક (વહીવટ) ટી.એસ.બિષ્ટ દ્વારા રાજ્ય પોલીસના તમામ કમિશ્નરોને લેખિત આદેશ કરીને 10 દિવસમાં વિગતો પુરી પાડવાના આદેશ થયા છે. અત્રે નાેંધવું જરૂરી છે કે, આ તમામ કર્મચારીઆેને તેમના વતનના જિલ્લા તથા વિધાનસભા મત વિસ્તારની બહાર મુકવામાં આવનાર છે.
આ લેખિત આદેશમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ યાદીમાં 8 જેટલી બાબતો માંગવામાં આવી છે. જેમાં વતનના જિલ્લાના કારણે કરવાની થતી બદલી 31-5-19ના રોજ ચાર વર્ષ ફરજ પૈકી એક જ જિલ્લામાં યુનિટમાં ત્રણ વર્ષથી વધુ સમય પૂર્ણ કરેલ હોય તેવા પીએસઆઇની યાદી સેવાપોથી મુજબ વતન, ગામ, જિલ્લાે અને તાલુકો, બદલીપાત્ર અધિકારીની બ્રાંચમાં પસંદગીના ત્રણ વિકલ્પો, અગાઉ ચૂંટણી કમિશને શિક્ષા કરી હોય તેની વિગતો 30-11-2019 સુધીમાં કર્મચારી નિવૃત થાય છે કે કેમ અને અગાઉ લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવેલ સ્થળની વિગતો માગવામાં આવી છે.