Not Set/ BJP ના કેન્દ્રીયમંત્રી રૂપાલા શા માટે શંકરસિંહ વાઘેલાને મળવા ગયા? શું આ કારણ છે

અમદાવાદ: ગુજરાત BJP ના સિનિયર નેતા અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળવા માટે આજે તેમના નિવાસસ્થાન પહોંચ્યા હતા. જેના કારણે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્કો ઉભા થઈ રહ્યા છે. જો કે બીજેપીના લોકો તેમને ‘સંપર્કથી સમર્થન’ કાર્યક્રમનો ભાગ ગણાવી રહ્યા છે. પરંતુ હકીકતની વાત કઈંક જુદી જ હોવાનું મનાય રહ્યું છે. ગુજરાત બીજેપીના […]

Top Stories Ahmedabad Gujarat Trending Politics
Why did BJP's Union Minister Rupala go to meet Shankarsinh Vaghela? What is the reason for this

અમદાવાદ: ગુજરાત BJP ના સિનિયર નેતા અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળવા માટે આજે તેમના નિવાસસ્થાન પહોંચ્યા હતા. જેના કારણે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્કો ઉભા થઈ રહ્યા છે. જો કે બીજેપીના લોકો તેમને ‘સંપર્કથી સમર્થન’ કાર્યક્રમનો ભાગ ગણાવી રહ્યા છે. પરંતુ હકીકતની વાત કઈંક જુદી જ હોવાનું મનાય રહ્યું છે.

ગુજરાત બીજેપીના સિનિયર નેતા અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા આજે રાજયના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળવા માટે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાન ‘વસંત વગડો’ ખાતે પહોંચ્યા હતા. બીજેપીના લોકો તેને પક્ષના ‘સંપર્કથી સમર્થન’ અભિયાનનો ભાગ હોવાનું ગણાવી રહ્યા છે.

બીજેપી કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યાના ચાર વર્ષ પૂર્ણ થવાના સંદર્ભમાં પક્ષ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ‘સંપર્કથી સમર્થન’ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત પક્ષના સિનિયર નેતાઓ દેશના પ્રતિષ્ઠિત લોકોને મળવા જઈ રહ્યા છે.

પક્ષના આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીયમંત્રી રૂપાલા શંકરસિંહ વાઘેલાને મળવા આવ્યા હોવાનું બીજેપી અને શંકરસિંહ જૂથના સમર્થકો દ્વારા જણાવાય રહ્યું છે.

જો કે શંકરસિંહ વાઘેલાની સાથે કેન્દ્રીયમંત્રી રૂપાલાની આ મુલાકાત પાછળનું કારણ કઈંક જુદું જ છે. હકીકતમાં શંકરસિંહ વાઘેલા ‘બાપુ’ અઠવાડિયા- દસ દિવસ પૂર્વે મુંબઈની મુલાકાતે ગયા હતા. ‘બાપુ’ની આ મુંબઈ મુલાકાતને કારણે બીજેપીમાં ફફડાટની લાગણી ફેલાઈ ગઈ હતી અને આ મામલે કેન્દ્રીયમંત્રી રૂપાલા તાત્કાલિક શંકરસિંહ વાઘેલાને મળવા દોડી ગયા હતા.

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યું અને તેમના જૂથના સભ્યો પણ કોંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાયા હતા તેની પાછળના જુદાજુદા અનેક કારણો હતા. પરંતુ ‘બાપુ’ બીજેપીમાં જોડાયા ન હતા તેથી તેમના જૂથના સભ્યોની હાલત આજે બીજેપીમાં કોઈ સારી છે તેવું કહી શકાય તેમ નથી. જેના કારણે તેઓ બીજેપીથી નારાજ છે.

બીજેપીમાં ગયેલા પોતાના જૂથના સભ્યોની ગણના થતી ન હોવાના કારણે અત્યાર સુધી શાંત બેસેલા ‘બાપુ’એ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ‘સમય આવે સોગઠી મારી દેવી જોઈએ’ તે કહેવતને અનુલક્ષીને અઠવાડિયા અગાઉ મુંબઈ ગયા હતા. મુંબઈના પ્રવાસ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના પ્રમુખ શરદ પવારની મુલાકાત કરી હતી.

‘બાપુ’ અને પવાર વચ્ચે થયેલી આ બેઠકને લઈને બીજેપીની ચિંતા વધી ગઈ છે. કારણ કે શરદ પવારે કોંગ્રેસ સહિતના દેશના તમામ વિપક્ષોને એક કરીને આગામી લોકસભાની ચૂંટણી લડવા માટે હાકલ કરી છે.

એટલું જ નહીં શરદ પવાર દેશના તમામ વિપક્ષોને પીએમ નરેન્દ્ર મોદીની સામે એક જૂથ કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ બીજેપીની સામે આવો મોરચો ઉભો કરવા માટે શરદ પવાર અને શંકરસિંહ વાઘેલા વચ્ચે ચર્ચા કરવામાં આવી હોવાનું મનાય રહ્યું છે.

શરદ પવાર સાથેની મુલાકાત પછી શંકરસિંહ વાઘેલા કોઈ રાજકીય પગલું ભરે તો લોકસભાની ચૂંટણીમાં બીજેપીને નુકશાન થઈ શકે છે તેવી બીજેપીના મોવડીમંડળને ભીતિ છે. આથી આ સંજોગોમાં જો ‘બાપુ’ એનસીપી સાથે કોઈ સાંઠગાંઠ કરે તો બીજેપીને નુકશાન થઈ શકે છે.

આ સંજોગોમાં શંકરસિંહ વાઘેલા કોઈ ઉતાવળિયો નિર્ણય ન કરે તે અંગે સમજાવવા માટે કેન્દ્રીયમંત્રી રૂપાલા આજે ‘બાપુ’ને મળવા દોડી ગયા હોવાનું મનાય રહ્યું છે. એટલું જ નહીં ‘બાપુ’ અને રૂપાલા વચ્ચેની આ બેઠક પછી બીજેપી સામે જોવા મળી રહેલી ‘બાપુ’ની નારાજગીનો ટૂંક સમયમાં નિકાલ થાય તેવી ખાતરી પણ રૂપાલાએ આ બેઠકમાં આપી હોવાનું જાણવા મળ્યું છે.