બનાસકાંઠા જિલ્લાના ડિસા જીઆઇડીસી (GIDC) વિસ્તારમાં ખુલ્લામાં ફેંકેલા ફેક્ટરી વેસ્ટ ખાવાના કારણે સાત ગાયના મોત નીપજ્યા છે. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી પ્રસરી છે. આ મામલે ફેક્ટરી માલિકોની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાથી તેમની સામે કાર્યવાહી કરવા કરવાની માંગ ઉઠવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બનાસકાંઠાના ડીસા ખાતે જીઆઈડીસી પાસેના વિસ્તારમાં ફેક્ટરી માલિકો દ્વારા ખુલ્લામાં મગફળી બિયારણના વેસ્ટેજ જેવો ફેકટરીનો કચરો નાખવામાં આવે છે. શુક્રવારે સાંજે મગફળી બિયારણ વેસ્ટેજ આરોગવાથી નવ ગાયોને ફૂડપોઇઝનિંગની અસર થઈ હતી. જેમાંથી સાત ગાયોના મોત નીપજ્યાં હોવાની ઘટના બની હતી. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી પ્રસરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જીઆઈડીસીની ફેકટરીઓ દ્વારા તેમના વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી અને તેને ફેકટરીઓના સંચાલકો અને માલિકો દ્વારા જીઆઈડીસીની બહાર ખુલ્લા મેદાનમાં નાખી દેતાં હોવાની વિગતો બહાર આવી છે.
ફેકટરીઓના સંચાલકો અને માલિકો દ્વારા જીઆઈડીસીની બહાર ખુલ્લા મેદાનમાં તેમનો ફેક્ટરી વેસ્ટ ફેંકવામાં આવે છે. આવો ફેક્ટરી વેસ્ટ ખાઈ લેતાં સાત નિર્દોષ અબોલ પશુઓના મોત નીપજ્યાં છે. આ ઘટના અંગે સ્થાનિક રહીશો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, ફેકટરી માલિકોની બેદરકારીને કારણે જ સાત ગાયોના મોત થયા છે.
એટલું જ નહીં, સ્થાનિક લોકો દ્વારા ફેકટરીના વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સત્તાધીશો સમક્ષ માંગ કરવામાં આવી છે. એટલું જ નહીં આ ઘટનામાં જે કોઈ કસૂરવાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી છે.