Dhollywood/ ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ લઈને આવ્યું છે અનોખો કોન્સેપ્ટ, કલાકારોને મળશે પ્લેટફોર્મ

GCPLનો મુખ્ય ઉદેશ્ય ગુજરાતી સિનેમામાં શોર્ટ ફિલ્મને પ્રોત્સાહન આપવાનો છે. આ વિચાર ખુબ જ અલગ અને આકર્ષક બની રહેશે, કારણ કે તેમાં ગુજરાતી સીને ઉદ્યોગમાં  ટૂંકી વાર્તાઓને પ્રોત્સાહન અને નવો વેગ મળશે

Entertainment
WhatsApp Image 2021 09 30 at 15.24.00 ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ લઈને આવ્યું છે અનોખો કોન્સેપ્ટ, કલાકારોને મળશે પ્લેટફોર્મ

ગુજરાતી સિનેમામાં શોર્ટ ફિલ્મને પ્રોત્સાહન આપવા 8 આઇઝ પ્રોડકશન પ્રાદેશિક સિનેમા જગતમાં એક નવો અનોખો પ્રયોગ કરવા જઈ રહ્યું છે જેનું નામ છે  GCPL(ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ). 8 આઈઝ પ્રોડક્શન હાઉસ દ્વારા ગત 10 સપ્ટેમ્બરના રોજ GCPLનો કોન્સેપ્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો.

GCPLનો મુખ્ય ઉદેશ્ય ગુજરાતી સિનેમામાં શોર્ટ ફિલ્મને પ્રોત્સાહન આપવાનો છે. આ વિચાર ખુબ જ અલગ અને આકર્ષક બની રહેશે, કારણ કે તેમાં ગુજરાતી સીને ઉદ્યોગમાં  ટૂંકી વાર્તાઓને પ્રોત્સાહન અને નવો વેગ મળશે અને તેની સાથે જ ગુજરાતભરમાંથી શ્રેષ્ઠ પ્રતિભાઓ એક જ સાથે એક જ પ્લેટફોર્મ પર ઉભરીને આવશે.

IPL ના વિચારથી મળી પ્રેરણા

8 આઈઝ પ્રોડક્શન હાઉસના સ્થાપક વિપુલભાઈ જાંબુચા એક ઉત્સાહી વ્યક્તિત્વ ધરાવે છે, તેઓ એક  સફળ બિઝનેસમેનની સાથે એક મહાન વિચારક છે જેમને આઇપીએલના(IPL)વિચારથી પ્રેરણા મળી અને પ્રાદેશિક સિનેમામાં એક વિશિષ્ટ પ્રીમિયર લીગ તરીકે તેનો અમલ કરવાનું વિચાર્યું હતું.  મનોરંજન ક્ષેત્રના નાના-મોટા સૌ કલાકારો, કસબીઓને એક મોટું પ્લેટફોર્મ કે તક પુરી પાડી શકાય અને અચાનક આવી પડેલા આ મહામારીના સમયમાં સાથે મળીને ઉભા કરી શકાશે.  ગુજરાતી સીને ઉદ્યોગમાં ઘણા નવા અને મહત્વાકાંક્ષી કલાકારોની પ્રતિભા દર્શાવવા માટેનું શ્રેષ્ઠ  મંચ બની રહેશે.

ગુજરાતી સિનેમાના બે સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને આરોહી પટેલ  GCPL(જીસીપીએલ)નાં આ અનોખા વિચારને પ્રમોટ કરી રહ્યા છે. GCPL ના આ પ્લેટફોર્મ થકી ફિલ્મ મેકર્સ અને આર્ટિસ્ટને પોતાની પ્રતિભાને નેશનલ તથા ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર રજુ કરવાની તક મળશે. જીસીપીએલ આ ઇવેન્ટ માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રોડક્શન હાઉસને ભાગ લેવા માટે આમંત્રિત કરશે. જીસીપીએલમાં કુલ 8 પ્રોડક્શન હાઉસ 8 અલગ ટીમ તરીકે ભાગ લેશે જેમાં કુલ 4 રાઉન્ડ રહેશે.

GCPL ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ લઈને આવ્યું છે અનોખો કોન્સેપ્ટ, કલાકારોને મળશે પ્લેટફોર્મ

આઠ પ્રોડક્શન હાઉસની આઠ ટીમ લેશે ભાગ  

આ 8 પ્રોડક્શન હાઉસને તેમની શોર્ટ ફિલ્મ માટે માત્ર જીસીપીએલના માધ્યમથી 300થી વધારે આર્ટિસ્ટ અને ટેક્નિશિયનમાંથી ઑક્શન દ્વારા 8 મેમ્બરની ટીમ બનાવવાની રહેશે. જેમાં એક્ટર્સ, ડિરેક્ટર, રાઇટર, સિનેમેટોગ્રાફર, એડિટર, મ્યુઝિક ડિરેક્ટર તથા સિંગરનો સમાવેશ થશે. GCPL ના માધ્યમથી એક ઓક્શન ઇવેન્ટ દ્વારા 8 અલગ અલગ શહેરોની ટીમ બનશે અને તેઓ 30 મિનિટની શોર્ટ ફિલ્મ બનાવશે. આ આખી ઇવેન્ટમાં કુલ 20 ફિલ્મોનું નિર્માણ થશે જેમાં અલગ અલગ વિષય આધારિત ફિલ્મો બનીને તૈયાર થશે.

ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ (GCPL) ના અંતે એક એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવશે જેમાં આખી સીઝન દરમિયાનના પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખીને બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ રાઇટર, બેસ્ટ સિનેમેટોગ્રાફર, બેસ્ટ ફિલ્મ તથા 4 રાઉન્ડના અંતે જીતનારા પ્રોડક્શનને સર્વ શ્રેષ્ઠ પ્રોડક્શન હાઉસના ખિતાબથી નવાજવામાં આવશે.

વિજેતાની થશે જાહેરાત

GCPL ના જ્યુરી અને જજના પેનલમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ વ્યક્તિઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રના નામી વ્યક્તિઓ હાજર રહેશે. ગુજરાતી સિનેમાના જાણીતા તથા ઉભરતી પ્રતિભાઓને એક જ સાથે પ્લેટફોર્મ પૂરું પાડે તેવું એક અનોખો પ્રયાસ GCPL  દ્વારા શરુ કરવામાં આવ્યો છે. GCPL સીઝન વનની શરૂઆત નવેમ્બર 2021થી થશે અને 4 રાઉન્ડ લાંબી ચાલશે જે આશરે ફ્રેબ્રુઆરી 2022માં પુરી થશે અને માર્ચ 2022માં એક ગ્રાન્ડ એવોર્ડ ફંક્શનથી તેની પૂર્ણાહુતિ થશે.