અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. રવિવારે અમેરિકાનાં ટેક્સાસ શહેરમાં બે અજાણ્યા બંદૂકધારીઓએ અચાનક અંધાધૂંધ ફાયરિંગ કરી આતંક મચાવ્યો હતો. જેમા પાંચ લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં અને 21 લોકો ઘાયલ થયાનાં અહેવાલ છે. ઘાયલ થયેલા કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે, જેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બંદૂકધારીઓએ પૂરી પ્લાનિંગ સાથે આ ઘટનાને અંજામ આપી હતી. તેમણે પહેલા યુ.એસ. ટપાલ વિભાગની વાન હાઈજેક કરી અને ત્યારબાદ શહેરમાં ફાયરિંગ શરૂ કર્યુ. ફાયરિંગ શરૂ થતાં જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. મિડલેન્ડ પોલીસે હુમલો કરનારનો પીછો કર્યો હતો અને તેને ઓડેસામાં સિનર્જી સિનેમા નજીક ગોળી મારી હતી.
ઓડેસાનાં પોલીસ વડા માઇકલ ગેરકે કહ્યું, “એકવાર આરોપીને ઘેરી લેવામાં આવ્યો, તો તેના બચવાની કોઈ શક્યતા નહોતી.” મૃતકની ઉંમર આશરે 30 વર્ષની હોવાનું જણાવાયું છે, જોકે મૃતકની ઓળખ હજુ સુધી થઇ નથી. શૂટિંગની ઘટનામાં એક બે વર્ષીય બાળક પણ શામેલ છે. ફાયરિંગ બાદ સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક અવરોધિત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ટેક્સાસમાં આ પહેલાં પણ શૂટિંગની ઘટનાઓ સામે આવી ચુકી છે. આ વર્ષે ઓગષ્ટમાં, ટેક્સાસનાં અલ પાસોનાં એક વોલમાર્ટ શોપિંગ સેન્ટરમાં થયેલા ગોળીબારમાં 20 લોકો માર્યા ગયા હતા અને 26 થી વધુ ઘાયલ થયા હતા. હુમલાખોરનાં કેટલાક સીસીટીવી ફૂટેજ પણ બાદમાં બહાર આવ્યા હતા જેમાં તે હાથમાં બંદૂકથી ગોળીઓ ચલાવી રહ્યો હતો. હુમલાખોરની ઉંમર 21-24 વર્ષની વચ્ચે હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.