હનુમાન જયંતિ/ સાળંગપુર મંદિર ખાતે ઉમટ્યો ભક્તિમેળો : હાઈટેક સુરક્ષા વચ્ચે ઉત્સવની ઉજવણી

હનુમાન ભક્તોમાં અત્યંત ઉત્સાહ જોવા મળે છે. આસ્થાના પ્રતિક સમા બોટાદ સાળંગપુર મંદિર ખાતે હનુમાન જયંતિને લઇને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Top Stories Gujarat
હનુમાન

આજે શનિવાર અને પૂનમનો સંયોગ થવાથી હનુમાન ભક્તોમાં ભક્તિભાવ વધુ જોવા મળી રહ્યો છે. ચારે તરફ હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે વર્ષોથી સિદ્ધ કહેવાતા હનુમાન મંદિરે દિવાળી અને મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હનુમાન ભક્તોમાં અત્યંત ઉત્સાહ જોવા મળે છે. આસ્થાના પ્રતિક સમા બોટાદ સાળંગપુર મંદિર ખાતે હનુમાન જયંતિને લઇને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

સાળંગપુરમાં આજના પાવન અવસર પર હનુમાનજીના દર્શન કરવા ભક્તો પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. હનુમાનજીનો જન્મદિવસ હોવાથી આજે  દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. પીળા રંગનો સાફો અને બાળ હનુમાનજીનુ રુપ જોવા મળી રહ્યુ છે. હનુમાનજીના જન્મોત્સવને લઇને સમગ્ર મંદિરમાં ખાસ સજાવટ કરવામાં આવી હતી.  હનુમાનજીનાં દર્શન કરીને ભક્તો ભાવુક થતા જોવા મળી રહ્યા છે. હનુમાનજીને આંકડાનો હાર, સીંદુર, તેલ ચઢાવવાનો મહિમા છે. વળી આજે ચૈત્રી પૂનમ પણ છે એટલે આ દિવસે હનુમાન જયંતિનો અને પિતૃકૃપા મેળવવાનો ખાસ અવસર છે. ત્યારે મંગળા આરતીમાં જ ભક્તોનો ધસારો ઉમટી પડ્યો હતો. દાદાની એક ઝલક માત્રથી ધન્ય બન્યા હતા.  શનિવાર અને હનુમાન જયંતિના આ સંયોગ ખૂબ ખાસ ગણાય છે. ચારેતરફ હનુમાન ચાલીસા, સંકટમોનચન હનુમાનષ્ટક, હનુમાન બાહુક કે રામનામના જપ સાંભળવા મળી રહ્યા છે અને તેથી વાતાવરણમાં પણ ખૂબ સકારાત્મકતા અનુભવાઈ છે. આજે રાત્રે 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. તેમજ આજે ખાસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. પંચમુખી સમુહ મારુતી યજ્ઞ યોજાશે. દેશના વિવિધ પ્રાંતોમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવશે. સાળંગપુર હનુમાન મંદિર ખાતે ભક્તોને ધસારાને જોતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શિરડી અને તિરુપતિ બાલાજી  મંદિર જેવી હાઇટેક સુરક્ષા જોવા મળી રહી છે. 5 લાખથી પણ વધારે ભક્તો દર્શન કરી શકે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે 3 હજારથી પણ વધારે સ્વયંસેવકો ખડેપગે છે.

આ પણ વાંચો :  મોરબીમાં હનુમાનજીની 108 ફૂટ ઉંચી પ્રતિમાનું PM મોદી કરશે અનાવરણ