Gujarat News/ ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ટ્રફ, શિયર ઝોન, લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી આગામી દિવસોમાં વરસાદ (Rain)ની તીવ્રતા વધી શકે છે

Top Stories Gujarat
રાજ્યમાં એકસાથે પાંચ અલગ-અલગ હવામાન સિસ્ટમ અસરકારક બનતાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ (Rain)m,nપડી શકે છે

Gujarat News : ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં એકસાથે પાંચ અલગ-અલગ હવામાન સિસ્ટમ અસરકારક બનતાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ (Rain)m,nપડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ટ્રફ, શિયર ઝોન, લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી આગામી દિવસોમાં વરસાદ (Rain)ની તીવ્રતા વધી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ નદી-નાળાઓમાં જળસ્તર વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, ભારે વરસાદ (Heavy Rain,) દરમિયાન સાવચેતી રાખવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

બાબરા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર

અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં સતત બીજા દિવસે પણ સારો વરસાદ નોંધાયો છે. બાબરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Rain)ને કારણે મુખ્ય બજાર સહિત અનેક સ્થળોએ પાણી ભરાયા હતા, જેના કારણે વાહનવ્યવહાર અને દૈનિક જનજીવન પર અસર જોવા મળી હતી.

દરેડ, ખાખરિયા, જામબરવાળા, કરિયાણા, લુણકી અને ઈંગરોળા સહિતના ગામોમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. સતત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ખેતી માટે આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હાલમાં રાજ્યમાં એકસાથે અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી આગામી કલાકોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. ભરૂચ, સુરત, નવસારી, પોરબંદર, જુનાગઢ, ભાવનગર અને જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જ્યારે વલસાડ, દાદરા અને નગર હવેલી, વડોદરા, તાપી, ડાંગ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજકોટ અને અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

પોરબંદરના દરિયામાં ડોલ્ફિનનું આકર્ષક દૃશ્ય

પોરબંદરના દરિયામાં 8થી 10 ડોલ્ફિનનું ઝુંડ જોવા મળ્યું હતું. દરિયામાં કૂદકા મારતી ડોલ્ફિનોના દૃશ્યોએ સ્થાનિકો અને માછીમારોનું ધ્યાન ખેંચ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ડોલ્ફિનની હાજરીમાં વધારો નોંધાઈ રહ્યો છે.

ચોટીલા અને આસપાસના ગામોમાં વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકા તેમજ કુંઢડા, ચાણપા, સાંગાણી અને મગરીખડા સહિતના ગામોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો.

પ્રભાસ પાટણમાં વરસાદી પાણીથી જનજીવન પ્રભાવિત

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વોર્ડ નંબર-2માં રસ્તાઓ અને ગટરના પાણી એક સાથે ભરાતા અવરજવર મુશ્કેલ બની હતી. બાળકોને લેવા આવેલા એક વ્યક્તિ ગટરમાં પડી જતાં ઘટનાના CCTV દૃશ્યો પણ સામે આવ્યા છે. સ્થાનિકોમાં નગરપાલિકાની કામગીરી અંગે અસંતોષ જોવા મળ્યો.

તારાપુરમાં ધોધમાર વરસાદથી રાહત

આણંદ જિલ્લાના તારાપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા લાંબા સમયથી અનુભવાતી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે પણ આ વરસાદ લાભદાયી સાબિત થયો છે.

બોટાદ જિલ્લામાં ધીમી ગતિએ વરસાદ

બોટાદ શહેર તેમજ સમઢીયાળા, લાઠીદડ અને કારીયાણી સહિતના વિસ્તારોમાં ધીમા વરસાદથી વાતાવરણ ખુશનુમા બન્યું. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી.

વિંછીયા વિસ્તારમાં સારો વરસાદ

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ભડલી, અમરાપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો.

બાબરામાં વરસાદથી બજારોમાં પાણી ભરાયા

અમરેલી જિલ્લાના બાબરામાં વરસાદ બાદ મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે, ખેતી માટે વરસાદ લાભદાયી બનતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો.

પાટણમાં ઓવરબ્રિજ નીચે પાણી ભરાવાનો પ્રશ્ન ફરી ચર્ચામાં

પાટણમાં NHAI દ્વારા બનાવાયેલા ઓવરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાવાની સમસ્યા ફરી સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીના યોગ્ય નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી. માત્ર આઉટલેટની વ્યવસ્થા હોવાથી વરસાદી પાણી સરળતાથી બહાર નીકળી શકતું નથી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. અગાઉ ખેતરોનું વરસાદી પાણી જસલપુર તળાવ તરફ જતું હતું, પરંતુ હાલની સ્થિતિમાં પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે. છેલ્લા 3થી 4 કલાકમાં રાજ્યના 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 2.79 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતાં રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 3થી 4 કલાક દરમિયાન રાજ્યના 43 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં રાજ્યમાં સૌથી વધુ 2.79 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે.

જૂનાગઢ જિલ્લાના વંથલી અને માળીયા હાટીનામાં અંદાજે અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદથી ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં હરિયાળી છવાઈ ગઈ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી કલાકોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં મેઘરાજાએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. ક્યાંક ગામો સંપર્કવિહોણા બન્યા છે, ક્યાંક હાઈવે પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. પ્રથમ વરસાદમાં જ વિકાસના દાવાઓની પોલ ખુલી પડી છે. રસ્તા ધોવાઈ રહ્યા છે, બ્રિજમાં તિરાડો પડી રહી છે અને દરિયામાં ઊંચી ભરતીના કારણે ખતરાની સ્થિતિ સર્જાઈ છે.

 જામનગર – કાલાવડ

જામનગરના કાલાવડમાં ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. સતત વરસતા વરસાદના કારણે બીજું ડાયવર્ઝન પણ પાણીમાં ધોવાઈ ગયું છે. ટોડા ગામનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. કાલાવડ-ધોરાજી માર્ગ પર નદીના ઘોડાપૂર ફરી વળતા વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. સ્થાનિકો માટે અવરજવર મુશ્કેલ બની છે અને અનેક વિસ્તારોમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

અમરેલી – રાજુલા

અમરેલીના રાજુલામાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા ચારનાળા બ્રિજમાં પડેલી તિરાડોએ તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા કર્યા છે. પ્રથમ વરસાદમાં જ બ્રિજની નબળી કામગીરી બહાર આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. હવે નેશનલ ઓથોરિટીએ તાબડતોબ સમારકામ શરૂ કર્યું છે. તિરાડો પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

જૂનાગઢ – માંગરોળ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 334 મીમી વરસાદ નોંધાતા માંગરોળ પંથક જળબંબાકાર બન્યું છે. કેશોદ-માંગરોળ હાઈવે પાણીમાં ગરકાવ થતાં બંધ કરવામાં આવ્યો છે. વલ્લભગઢ પાટીયા પાસે પાણી ફરી વળતા મુસાફરોથી ભરેલી એસટી બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસતા લોકોના ઘરો અને દુકાનોમાં પણ વરસાદી પાણી પ્રવેશી ગયા છે.

જૂનાગઢના કેશોદમાં આઠ ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત નદી-નાળા છલકાતા જનજીવન પ્રભાવિત થયું છે.  તે સિવાય કેશોદ એરપોર્ટ માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

ભારે વરસાદને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અહીં છેલ્બેલા  દિવસથી સતત વરસાદ યથાવત રહ્યો છે.

અરવલ્લી – મોડાસા

અરવલ્લીના મોડાસામાં માત્ર એક કલાકના વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. ચાર રસ્તા, કેદારનાથ સોસાયટી, બસ પોર્ટ અને પેલેટ ચોકડી સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. ગટરના પાણી બેક મારતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકો તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે. પાણી ન ઓસરતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

 દમણ

દમણમાં ભારે વરસાદ વચ્ચે દરિયામાં મોટી ભરતીનો માહોલ સર્જાયો છે. દરિયામાં ઊંચા અને તોતિંગ મોજા ઉછળતા સી-ફેસ સુધી પાણી ફરી વળ્યું છે. તંત્રએ લોકોને દરિયા કિનારેથી દૂર રહેવાની અપીલ કરી છે. છતાં કેટલાક પર્યટકો જોખમી અંતરે જઈને દરિયાઈ મોજાનો આનંદ માણતા જોવા મળ્યા, જે કોઈપણ સમયે અકસ્માતને આમંત્રણ આપી શકે છે.

ઉપલેટા

ઉપલેટામાં પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.  પ્રથમ વરસાદમાં ઠેરઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે અશ્વિની ચોકમાં ગોઠણસમા પાણી ભરાયા છે.  જેને કારણે અનેક વાહનો પાણીમાં ફસાઈ બંધ થયા હતા.  ભારે વરસાદને કારણે ભાદર રોડ પર નદી જેવા દૃશ્યો જોવા મળ્યા હતા.  જેને લઈને પ્રિમોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

ગુજરાતમાં મેઘરાજાની આક્રમક બેટિંગ હજુ યથાવત છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રસ્તા, પુલ, હાઈવે અને શહેરોની વ્યવસ્થા વરસાદ સામે કેટલી સક્ષમ છે તેવા સવાલો ફરી ઊભા થયા છે. આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર માટે રાહત અને બચાવ કામગીરી સૌથી મોટો પડકાર બની રહેશે.


આ પણ વાંચો : દેશભરમાં ચોમાસું સક્રિય: ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં 8ના મોત, દિલ્હી-NCRમાં વરસાદની એન્ટ્રી

આ પણ વાંચો : મેઘમહેર કે મુશ્કેલી? ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત; તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો

આ પણ વાંચો : જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ભેસાણમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ, ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાતા રસ્તો ડાયવર્ટ