Gujarat News/ મેઘમહેર કે મુશ્કેલી? ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત; તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો

રાજ્યના વિવિધ ભાગોમાં તાજેતરમાં વરસેલા અનરાધાર વરસાદે વહીવટી તંત્રના દાવાઓની પોલ ખોલી નાખી છે. ભારે વરસાદને પગલે અનેક નગરો અને મહાનગરોમાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ખાસ કરીને વાપી, સુરત અને જૂનાગઢ જિલ્લાના કેશોદ જેવા વિસ્તારોમાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

Gujarat Surat Others Breaking News
RAIN

Gujarat News: ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક શહેરોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વાપી, સુરત અને જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પાણી ભરાવા, રસ્તા ધોવાઈ જવા અને અવરજવરમાં વિક્ષેપ જેવી સમસ્યાઓ સામે આવતાં વિકાસ કાર્યોની ગુણવત્તા અને તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

વાપીમાં નવો રેલવે અંડરપાસ વરસાદ (Rain)માં બેસી ગયો

વાપીમાં ભારે વરસાદના કારણે જકાતનાકા નજીક કરોડોના ખર્ચે બનાવવામાં આવેલો નવો રેલવે અંડરપાસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અંડરપાસ અને હાઇવેને જોડતો એપ્રોચ રોડ ભારે વરસાદમાં બેસી જતાં તેને તાત્કાલિક ધોરણે બંધ કરવાની ફરજ પડી હતી. આ અંડરપાસ GUDC દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ જ ભારે વરસાદમાં તેની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. રસ્તો બંધ થતાં સ્થાનિક લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાલ GUDC દ્વારા યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.

અંડરપાસમાં પાણી ભરાતા અવરજવર ઠપ

વાપીના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અંડરપાસ લગભગ એક કલાક સુધી બંધ રાખવામાં આવ્યો હતો. બાદમાં ફાયર બ્રિગેડની ટીમે પાણીના નિકાલની કામગીરી શરૂ કરીને સ્થિતિ સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

સુરતમાં પ્રથમ વરસાદે તંત્રની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

સુરતમાં પણ પ્રથમ જ વરસાદે શહેરના ડ્રેનેજ અને માર્ગ વ્યવસ્થા કથળી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને રસ્તાઓ પર ખાડા પડવાની ફરિયાદો સામે આવી છે. આ સ્થિતિને લઈને મહાનગરપાલિકાએ બેદરકાર કોન્ટ્રાક્ટરોને કારણદર્શક નોટિસ ફટકારી છે. મંતવ્ય ન્યુઝના ગ્રાઉન્ટ રિપોર્ટિગ સમયે સુરતના મેયરે જણાવ્યું છે કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને જે કોઈ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વરસાદી સિઝનની શરૂઆતમાં જ ઉભી થયેલી સમસ્યાઓને કારણે નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

કેશોદ સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પણ વરસાદે તંત્રની તૈયારીઓની હકીકત સામે લાવી દીધી છે. કેશોદ સિવિલ હોસ્પિટલના પરિસરમાં પાણી ભરાઈ જતાં હોસ્પિટલનું ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જેના કારણે દર્દીઓ, તેમના પરિવારજનો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ જાહેર સેવાની સંસ્થામાં પાણી ભરાવાની ઘટનાએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો દ્વારા સમયસર યોગ્ય આયોજન અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે માંગ ઉઠાવવામાં આવી છે.

તંત્ર સામે સ્થાનિકોના સવાલો

રાજ્યના વિવિધ શહેરોમાં વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિએ સ્પષ્ટ કર્યું છે કે અનેક સ્થળોએ વરસાદી સિઝન પૂર્વેની તૈયારીઓ અધૂરી રહી હતી. પાણી ભરાવા, રસ્તા બેસી જવા અને જાહેર સુવિધાઓ પ્રભાવિત થવા જેવી ઘટનાઓને કારણે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. હવે લોકોની નજર તંત્ર દ્વારા લેવામાં આવનારા સુધારાત્મક પગલાં અને જવાબદારો સામે થનારી કાર્યવાહીમાં ટકેલી છે.


આ પણ વાંચો:જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ભેસાણમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ, ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાતા રસ્તો ડાયવર્ટ

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી

આ પણ વાંચો:રાજ્યમાં 22 કલાકમાં 72 તાલુકાઓમાં વરસાદ, કાળઝાળ ગરમી અને બફારાથી લોકોને મળી રાહત